Monday, April 22, 2024
More
  હોમપેજસંપાદકની પસંદ15,000થી વધુ સ્વયંસેવકોએ GMDC મેદાન પર બતાવ્યું 'સમાજશક્તિ સંગમ': RSSના સરસંઘચાલક મોહન...

  15,000થી વધુ સ્વયંસેવકોએ GMDC મેદાન પર બતાવ્યું ‘સમાજશક્તિ સંગમ’: RSSના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું- ‘આપણે સૌથી પહેલા ભારતીય છીએ’

  "હવે, આપણું રાજ્ય ચલાવી રહ્યા છીએ અને સરકાર આપણી છે, માટે નાગરિક અનુશાસન પાલન જરૂરી છે. દેશના તમામ સમાજદાર લોકો અને સ્વયંસેવકોએ તમામ સ્વાર્થ હટાવવો પડશે. દેશને વિશ્વગુરુ બનાવવો પડશે. કેમ કે દુનિયાને ભારતની જરૂર છે. સંપૂર્ણ સમાજને આગળ લઈ વધવું પડશે." તેઓએ ઉમેર્યું.

  - Advertisement -

  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત હાલ પોતાના બેદિવસીય ગુજરાત પ્રવાસ પર છે. ગઈ કાલે,14 એપ્રિલ, પોતાના પ્રવાસના પહેલા દિવસે તેઓએ અમદાવાદના GMDC મેદાન પર આયોજિત RSSના ‘સમાજશક્તિ સંગમ’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં 15,000થી વધુ સ્વયંસેવકો સાથે RSSએ પોતાની શક્તિપ્રદર્શન કર્યું હતું.

  RSSના 'સમાજશક્તિ સંગમ'
  સમાજશક્તિ સંગમ કાર્યક્રમનો મંચ

  આ કાર્યક્રમમાં ન માત્ર RSSના સ્વયંસેવકો પરંતુ જાહેર જીવનના દરેક વર્ગના સન્માનિત લોકો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને તેમના મંત્રીમંડળના ઘણા સભ્યો પણ હાજર રહ્યા હતા.

  RSSના 'સમાજશક્તિ સંગમ'
  સંઘ પ્રાર્થના કરી રહેલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને અન્ય આમંત્રિત મહેમાનો

  કાર્યક્રમના મંચ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત ઉપરાંત કર્ણાવતી સંઘચાલક મહેશભાઈ પરીખ, ગુજરાત પ્રાંત સંઘચાલક ડો. ભરતભાઈ પટેલ અને પ્રશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડો. જયંતી ભાડેશીયા હાજર રહ્યા હતા.

  - Advertisement -

  ભાગવતે સૌ પહેલા આંબેડકરને આપી શ્રદ્ધાંજલિ

  સાંજે 4 વાગ્યા આસપાસથી જ સ્વયંસેવકો પોતાની નિશ્ચિત કરેલ જગ્યાએ ગોઠવાઈ ગયા હતા. જે બાદ આમંત્રિત મહેમાનોએ પણ પોતાનું સ્થાન લેવાનું શરુ કર્યું હતું. કાર્યક્રમના નિશ્ચિત કરેલા સમયે સરસંઘચાલક અને તેમની સાથે મંચ ગ્રહણ કરનાર અધિકારીઓ મંચ પર આવ્યા હતા. સરસંઘચાલક મોહન ભાગવતે સૌ પહેલા મંચ પર મુકવામાં આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરની છબીને નમન કર્યા હતા અને ત્યાર બાદ પોતાની સ્થાન ગ્રહણ કર્યું હતું.

  ડો. આંબેડકરને શ્રધ્ધાંજલી

  જે બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જે બાદ સૌએ તેને પ્રણામ કરીને સંઘની પ્રાર્થના ગાઈ હતી. જે બાદ આ કાર્યક્રમ શરૂ થયો હતો.

  કાર્યક્રમની શરૂઆત 15,000થી વધુ ગણવેશધારી સ્વયંસેવકો દ્વારા એકસાથે શારીરિક યોગ બતાવીને કરવામાં આવી હતી. જે બાદ સૌએ સાંગીક ગીત ગાયું હતું. જે બાદ ચયનિત સ્વયંસેવકો દ્વારા અમૃતવચન અને વ્યક્તિગત ગીત ગમવા આવ્યું હતું. જે બાદ સરસંઘચાલક પોતાના ઉદ્દબોધન માટે ઉભા થયા હતા.

  મોહન ભાગવતનું ઉદ્દબોધન

  સરસંઘચાલક મોહન ભાગવતે પોતાના ઉદ્દબોધનની શરૂઆત સૌ પહેલા ડો. બાબાસાહેબ આંબેડકરને યાદ કરીને તેમને શ્રધ્ધાંજલી પાઠવીને કરી હતી. તેઓએ કહ્યું, “આજે ડો. બાબાસાહેબ આંબેડકરનો જન્મદિવસ ઊજવાઈ રહ્યો છે. દેશમાં ભેદ સમાપ્ત થઈ જાય એ માટે જેમણે પોતાની તમામ સંપત્તિ અને પ્રતિભા લગાવી એમનું સ્મરણ આપણે આજે કરીએ છીએ. આપણા દેશને સામર્થ્ય સંપન્ન અને વિશ્વમાં માર્ગદર્શન આપતું મહાન કાર્ય જે ડગલે આગળ વધ્યું એ 14 એપ્રિલે થયું.”

  તેમણે ઉમેર્યું હતું કે, “ડો. આંબેડકરનો જન્મ એક એવી ઘટના હતી કે કોઈએ ધ્યાન નહોતું આપ્યું પરંતુ તેઓએ મૃત્યુ સુધી જે કામ કર્યું એ ઉલ્લેખનીય થઇ ગયું. છતાંય જે પરિવર્તન આવવું જોઈએ જે આવ્યું નથી. આપણે એ દિશામાં આગળ વધવાનું છે.”

  સ્વયંસેવકોને સંબોધિત કરી રહેલા સરસંઘચાલક

  14 તારીખ પરિવર્તનની તારીખ હોય છે: ભાગવત

  RSSના ‘સમાજશક્તિ સંગમ’ કાર્યક્રમમાં મોહન ભાગવતે આગળ જણાવ્યું કે, “14-15 જાન્યુઆરીએ સુરતનું ઉત્તરાયણ થાય છે એ તો સૌને ખ્યાલ હોય છે, પરંતુ દરેક મહિનાની 14 તારીખે પણ સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે એ ઘણા ઓછાને ખબર હશે. માટે 14 તારીખ એ પરિવર્તનની તારીખ છે.”

  સાથે જ તેઓએ કહ્યું, “દેશમાં વિદેશી નહીં જોઈએ આપણે આપણું રાજ્ય એટલે જોઈએ કેમ કે ગુલામીમાં પોતાની અભિવ્યક્તિ નથી હોતી.”

  “બાબાસાહેબનું સંવિધાનસભાનું ભાષણ સૌએ વાંચવું જોઈએ”: ભાગવત

  સરસંઘચાલક આગળ કહે છે, “15 ઓગસ્ટ 1947માં સ્વતંત્રતા મળી અને ડો. બાબાસાહેબ આંબેડકરે બંધારણ બનાવ્યું અને સંસદમાં રજૂ કર્યું. 14 એપ્રિલ અને 6 ડિસેમ્બરના રોજ ડો. બાબાસાહેબે સંસદમાં આપેલું ભાષણ વાંચવું જોઈએ. સમાજના ભેદને દૂર કરવા પડશે. આપણે એક જ સમાજ છીએ. વિદેશીઓએ આપણા અલગ હોવાનો ફાયદો ઉઠાવ્યો.”

  15,000થી વધુ સ્વયંસેવકોનું શક્તિ પ્રદર્શન

  ભાગવતે આગળ જણાવ્યું, “ડો. બાબાસાહેબ આંબેડકર ડો. હેડગેવારને મળી ચૂક્યા છે. તેમની સાથે ભોજન પણ લીધું છે. ભારતમાં ભેદ દૂર કરવા બાબતે RSSના બૌદ્ધિક વર્ગમાં ડો. બાબાસાહેબે સંબોધન પણ કર્યું હતું.”

  આપણે સૌથી પહેલા ભારતીય છીએ“: ભાગવત

  મોહન ભાગવત આગળ કહે છે, “દેશની પૂજા અને દેશભક્તિ જરૂરી છે. કોઈ પૂછે તો આપણે જાતિ અને ભાષા જણાવીએ છીએ. દેશમાં વિવિધતા હવે ભેદ બની ગઈ છે. ભેદભાવ હટાવીને ભારત માતાના પુત્ર છીએ તેમ સમજવું જોઈએ. આપણે સૌથી પહેલા ભારતીય છીએ. આપણે હિંદુ છીએ. કોઈ કહે હિંદુ નહીં, પરંતુ ભારતીય છીએ, તો તે બંને સમાનાર્થી શબ્દ છે.”

  મોહન ભાગવતે નાગરિક અનુશાસન વિષે કરી વાત

  પોતાની વાતમાં તેઓએ જણાવ્યું, “આપણા દેશના લોકો માટે સદભાવના રાખવી. ભેદ નહીં સદભાવના જોઈએ. આપણા દેશ અને સમાજને આગળ વધારવા આપણી શક્તિનો ઉપયોગ કરવો. આપણા માટે જેટલું જરૂરી હોય એટલું જ રાખો, બાકી દેશ અને સમાજ માટે આપો.”

  “હવે, આપણું રાજ્ય ચલાવી રહ્યા છીએ અને સરકાર આપણી છે, માટે નાગરિક અનુશાસન પાલન જરૂરી છે. દેશના તમામ સમાજદાર લોકો અને સ્વયંસેવકોએ તમામ સ્વાર્થ હટાવવો પડશે. દેશને વિશ્વગુરુ બનાવવો પડશે. કેમ કે દુનિયાને ભારતની જરૂર છે. સંપૂર્ણ સમાજને આગળ લઈ વધવું પડશે.” તેઓએ ઉમેર્યું.

  નોંધનીય છે કે 8 વર્ષ જેવા લાંબા સમયગાળા બાદ ગુજરાતમાં આ રીતે સરસંઘચાલક આ રીતે જાહેરમંચ પર આવ્યા હતા. કેટલાક લોકો આને RSSનું શક્તિ પ્રદર્શન ગણાવી રહ્યા છે. તો અન્ય કેટલાક લોકો આને આગામી 2024 લોકસભા ચૂંટણીઓ સાથે જોડીને જોઈ રહ્યા છે.

  આજે વિદ્યાપીઠના કાર્યક્રમમાં 1051 ગ્રંથોનું કરશે લોકાર્પણ

  14 એપ્રિલે સાંજે RSSના ‘સમાજશક્તિ સંગમ’ કાર્યક્રમ બાદ આજે, 15 એપ્રિલના રોજ શિક્ષા ક્ષેત્રે કાર્યરત પુનરુત્થાન વિદ્યાપીઠ દ્વારા આયોજિત કાર્યક્રમમાં 1051 ગ્રંથોનું લોકાર્પણ મોહન ભાગવતના હસ્તે થવાનું છે. આ પુસ્તકો સમાજ અને રાષ્ટ્રીય ચેતના પર લખાયેલાં છે. ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં આજે સાંજે સાડા પાંચ વાગ્યે આ કાર્યક્રમ યોજાવાનો છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં