ગુરુવારે (21 ડિસેમ્બર 2023), આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરના થાના મંડી વિસ્તારમાં બે સૈન્ય વાહનો પર હુમલો કર્યો, જેમાં ત્રણ જવાનોએ જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન અન્ય ત્રણ જવાનો ઘાયલ થયા છે. આ સૈનિકો આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશનમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. હુમલા બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “આ હુમલો થાણા મંડી વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં મજબૂતીકરણ માટે આવી રહેલા કાફલાને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. ગઈકાલે (20 ડિસેમ્બર 2023) સાંજથી તે વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. ત્યાં જતા સમયે આતંકીઓએ બંને વાહનોને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં ત્રણ જવાનો શહીદ થયા છે.
#WATCH | J&K: Three Army personnel lost their lives while three others were injured in a terrorist attack on two military vehicles in the Thanamandi area in the Rajouri sector. Indian Army troops also immediately retaliated after being attacked by terrorists. The troops were… pic.twitter.com/JUmV5flvdy
— ANI (@ANI) December 21, 2023
બે વાહનોમાં મુસાફરી કરી રહેલા આ જવાનો પર ઓચિંતો હુમલો કરીને બેઠેલા આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી, જેમાં ત્રણ જવાનોએ જીવ ગુમાવ્યો હતો. હકીકતમાં, છેલ્લા કેટલાક સમયથી આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં શાંતિ અને કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવામાં લાગેલા છે. જો કે, સુરક્ષા દળો દર વખતે તેમની નાપાક યોજનાઓને નિષ્ફળ બનાવી રહ્યા છે. આ દરમિયાન ઘણા કુખ્યાત આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા.
નવેમ્બરમાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડરને મરાયો હતો ઠાર
નોંધનીય છે કે 23 નવેમ્બર 2023ના રોજ રાજૌરીના કાલાકોટ જંગલોમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. તેમાંથી એક લશ્કર-એ-તૈયબાનો ટોચનો કમાન્ડર કારી હતો. તે ઓછામાં ઓછી પાંચ હત્યાઓમાં સામેલ હતો. મળતી માહિતી મુજબ, બંને આતંકવાદીઓને ફરીથી આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પૂંચ મોકલવામાં આવ્યા હતા.
માર્યા ગયેલા બંને આતંકવાદીઓ IED બનાવવા અને ચલાવવામાં નિષ્ણાત હતા. આ સિવાય બંને એક્સપર્ટ સ્નાઈપર પણ હતા. બંનેએ ગુફાઓમાં છુપાઈને રહેવાની કળામાં પણ નિપુણતા મેળવી લીધી હતી. આ બે આતંકવાદીઓ સામે ચલાવવામાં આવેલા ઓપરેશનમાં સેનાના એક અધિકારી સહિત 4 જવાનોએ સર્વોચ્ચ બલિદાન આપ્યુ હતુ.