Monday, May 6, 2024
More
    હોમપેજગુજરાતરમઝાનમાં સુરતનું લિંબાયત બન્યું લોહિયાળ: મિત્ર શહેબાઝ કાજીનું પોતાની બહેન સાથે લફડું...

    રમઝાનમાં સુરતનું લિંબાયત બન્યું લોહિયાળ: મિત્ર શહેબાઝ કાજીનું પોતાની બહેન સાથે લફડું હોવાની શંકા જતા સમીર મરદાનગી અને આમીન કાલુએ સરાજાહેરમાં કરી નાખી હત્યા

    ફરિયાદીએ શહેબાઝના મિત્ર આમિરને ટાંકીને કહ્યું છે કે, સમીર અને આમીને તેની બહેન સાથે શહેબાઝનો પ્રેમસંબંધ ચાલતો હોવાની શંકા રાખીને તમામ ઘટનાને અંજામ આપ્યો હતો અને હત્યા કરીને નાસી છૂટ્યા હતા.

    - Advertisement -

    સુરતના લિંબાયત શહેરથી એક ચોંકવારનારો કિસ્સો સામે આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, લિંબાયતની નુરાની મસ્જિદ પાસે રહેતા શહેબાઝ અસ્લમખાન કાજીની તેના જ મિત્રો સમીર મરદાનગી અને આમીન કાલુએ છરાના ઘા ઝીંકીને હત્યા કરી નાખી છે. સમીર અને આમીન બંને સગા ભાઈઓ છે અને તેમને એવી શંકા હતી કે, ઘર પાસે રહેતા શહેબાઝના તેની બહેન સાથે પ્રેમસંબંધો છે. જે શંકાના આધારે જ બંને આરોપીઓ મળીને શહેબાઝની હત્યા કરી નાખી છે. શહેબાઝને બચાવવા જનાર તેના મિત્રને પણ બંનેને ઇજા પહોંચાડી છે.

    સુરતમાં સ્થિત લિંબાયતની નુરાની મસ્જિદ પાસે 31 માર્ચના રોજ આ ઘટના બનવા પામી હતી. જેમાં પોતાની બહેન સાથે પ્રેમસંબંધ હોવાની શંકા રાખી સમીર મરદાનગી અને આમીન કાલુએ શહેબાઝ કાજીની સરજાહેર હત્યા કરી નાખી હતી. આ મામલે મૃતકના ભાઈ અરબાઝખાન અને સલમખાને લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફારીયાદ નોંધાવી છે. પોલીસે FIR નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે. FIR અનુસાર, ફરિયાદીનો ભાઈ શહેબાઝ કાઝી તેના મિત્રો ફૈઝલ અને આમિર સાથે લિંબાયતની નુરાની મસ્જિદ પાસે બેઠો હતો. ત્યારે જ આ હત્યાની ઘટના બનવા પામી હતી.

    સમીર અને આમીને છરાના ઘા ઝીંકી કરી હત્યા

    ફરિયાદમાં આગળ જણાવાયું છે કે, રમઝાન ચાલી રહ્યો હોવાથી ઇફ્તારી કરીને શહેબાઝ તેના ભાઈ અરબાઝ સાથે નમાજ પઢવા નુરાની મસ્જિદ ગયો હતો. નમાજ પઢી લીધા બાદ અરબાઝ ઘરે પરત ફર્યો હતો પરંતુ શહેબાઝ તેના બે મિત્રો (ફૈઝલ અને આમિર) સાથે નુરાની મસ્જિદ પાસે બેઠો હતો. તે દરમિયાન જ તેના ઘરની નજીક રહેતા સમીર મરદાની અને આમીન કાલુ ત્યાં ઘસી આવ્યા હતા અને શહેબાઝ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. ઉગ્ર બોલાચાલી થતાં સમીરે શહેબાઝને પાછળથી પકડી લીધો હતો અને આમીન કાલુએ તિક્ષણ હથિયાર કાઢીને ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. આ દરમિયાન શહેબાઝના મિત્ર ફૈઝલે તેને બચાવવા પ્રયાસ કર્યો હતો તો આરોપીઓએ તેના પર પણ હુમલો કરી દીધો હતો.

    - Advertisement -

    જે બાદ આમીન પાસેથી છરો લઈને સમીરે પણ શહેબાઝ પર હુમલો કરી દીધો હતો અને ઘટનાને અંજામ આપીને બંને ત્યાંથી ભાગી ગયા હતા. તે દરમિયાન શહેબાઝના પેટમાંથી આંતરડા પણ બહાર નીકળી ગયા હોવાનું ફરિયાદમાં કહેવાયું છે. ઘટના બાદ તરત જ શહેબાઝના પરિજનો તેને અને ફૈઝલને એપલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ડોકટરોએ તપાસ કરતાં શહેબાઝને મૃત જાહેર કરવામાં આવ્યો છે, તથા ફૈઝલને પણ ગંભીર ઇજા થઈ હોવાથી, તેની પણ સારવાર ચાલી રહી છે.

    ફરિયાદીએ શહેબાઝના મિત્ર આમિરને ટાંકીને કહ્યું છે કે, સમીર અને આમીને તેની બહેન સાથે શહેબાઝનો પ્રેમસંબંધ ચાલતો હોવાની શંકા રાખીને તમામ ઘટનાને અંજામ આપ્યો હતો અને હત્યા કરીને નાસી છૂટ્યા હતા. લિંબાયત પોલીસે આ મામલે IPCની કલમ 302, 326, 324 અને 114 સાથે GPA અધિનિયમ 135(1) હેઠળ ગુનો નોંધ્યો છે અને હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

    ઑપઇન્ડિયાએ મૃતકના ભાઈ અરબાઝખાનનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું કે, “બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. અમારા પરિવારની માંગ છે કે, તેમને સખત સજા આપવામાં આવે. બધા પરિવારજનો રડે છે.” આ સાથે તેમણે એવું પણ કહ્યું કે, હત્યા કર્યા બાદ સમીર તેમની માફી માંગવા માટે પહોંચ્યો હતો, પરંતુ અરબાઝખાને માફી આપવાનો ઇનકાર કરી દીધો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં