Saturday, June 22, 2024
More
  હોમપેજગુજરાત'મારા ભાઈથી આખા સુરતની ફાટે છે, પોલીસને તે ખિસ્સામાં રાખે છે': પીયુષ...

  ‘મારા ભાઈથી આખા સુરતની ફાટે છે, પોલીસને તે ખિસ્સામાં રાખે છે’: પીયુષ ધાનાણીના ભાઈએ અમદાવાદના વેપારીને ધમકી આપી અપહરણ કરાવ્યું, કોર્ટે જામીન અરજી ફગાવી

  અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા સંજય બાલધા નામના વેપારીએ ગત 22 મેના રોજ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે સુરતના ચેતન ધાનાણીએ તેના માણસોને મોકલીને તેમનું BMW ગાડીમાં અપહરણ કરીને માર માર્યો હતો.

  - Advertisement -

  સુરતના સ્વઘોષિત સમાજ સેવક પીયુષ ધાનાણી આમ તો અવારનવાર વિવાદોમાં આવતા રહેતા હોય છે. હવે તેમના નાના ભાઈ ચેતન ધાનાણી તેના કરતા એક ડગલું આગળ નીકળી ગયા છ. આરોપ છે કે ચેતન ધાનાણીએ તેના મળતિયાઓ પાસે અમદાવાદના એક વેપારીનું અપહરણ કરાવીને તેમને ઢોર માર મારીને લૂંટવાનો પ્રયત્ન કર્યો. આ મામલે ચેતન સહિતના ઈસમોની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ તે તમામ જેલના સળિયા ગણી રહ્યા છે. પીયુષ ધાનાણીના ભાઈએ વેપારીનું અપહરણ કરાવ્યા હોવાના આરોપો બાદ કસ્ટડીમાં રહીને ધમકીઓ અપાવતા હોવાના આરોપ છે. કોર્ટે આરોપીઓની જામીન અરજી પણ ફગાવી દીધી હોવાનું સામે આવ્યું છે.

  મળતી માહિતી અનુસાર અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા સંજય બાલધા નામના વેપારીએ ગત 22 મેના રોજ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે સુરતના ચેતન ધાનાણીએ તેના માણસોને મોકલીને તેમનું BMW ગાડીમાં અપહરણ કરીને માર માર્યો હતો. તેમણે તેવો પણ આરોપ લગાવ્યો હતો કે આરોપીઓએ તેમનો ટેમ્પો અને રોકડ રકમ લૂંટવાનો પ્રયત્ન પણ કરેલો ફરિયાદ બાદ પોલીસે પીયુષ ધાનાણીના ભાઈ ચેતન ધાનાણી સહિત કૂલ 6 લોકોની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા. દરમિયાન આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરતા ફરીયાદી વેપારીએ વાંધા અરજી કરી હતી, જેને ધ્યાને લઈને કોર્ટે આરોપીઓની અરજી ફગાવીને જામીન રદ કર્યા હતા.

  ‘મારા ભાઈથી આખા સુરતની ફાટે છે, પોલીસ ખાતું તેના ખિસ્સામાં’: ચેતન ધાનાણી

  પીયુષ ધાનાણીના ભાઈએ વેપારીનું અપહરણ કર્યું તે મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ ફરીયાદી વેપારી સંજય બાલધાના વકીલ ધ્રુવેશ ત્રિવેદી સાથે વાત કરી હતી. તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “આ આખો કેસ હું અને પાર્થ પટેલ જોઈ રહ્યા છીએ. અમારા અસીલ નિકોલ ખાતે રહે છે એ તેમને અને ચેતન ધાનાણી વચ્ચે કંપનીની ડીલરશીપને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. વિવાદ વધતા અમારા અસીલે હિસાબ પૂર્ણ કરીને કામ બંધ કરવાની વાત કરી હતી, જે બાદ ચેતન ધાનાણીએ કહ્યું હતું કે જે ટેમ્પો કંપનીના નામે છે અને અમારા અસીલ ચલાવે છે તે પરત આપી દે. હવે એ ટેમ્પો લોન પર લીધેલો છે અને જેના તમામ હપ્તા અમારા અસીલે ભરેલા છે જેના ટ્રાન્જેક્શનના પુરાવા પણ અમારી પાસે છે. અમારા અસીલે માત્ર એટલું જ કહ્ય હતું કે ટેમ્પાના જે હપ્તા ભર્યા છે અને ડીલરશીપનો જે વ્યવહાર છે તે અમને આપી દે એટલે વિવાદનો અંત આવે.”

  - Advertisement -

  તેમણે આગળ જણાવ્યું કે, “આ સાંભળી ચેતન ધાનાણી ઉશ્કેરાઈ ગયા હતા અને અમરા અસીલને ધમકી આપી હતી કે, ‘તું મને ઓળખે છે કે હું કોણ છું? તું અને તારો પરિવાર ક્યાં ખોવાઈ જશો તે ખબર પણ નહીં પડે. બીજી વાર જો પૈસા પરત લેવાની વાત કરી તો જમીનમાં દાટી દઈશ.’ આ દરમિયાન તેમણે તેમના સગા મોટા ભાઈ પીયુષના નામનો ઉલ્લેખ કરીને પણ અમારા અસીલને ધમકાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘મારા ભાઈ પીયુષ ધાનાણીને તો ઓળખે છે ને? આખા સુરતની તેનાથી ફાટે છે, આખું પોલીસ ખાતું તેના ખિસ્સામાં છે. તું ફરિયાદ કરીશ તો પણ સહુથી પહેલા મારા ભાઈને ફોન આવી જશે. તું ભૂલથી પણ પોલીસ પાસે ગયો તો તું ક્યાં રહે છે તે મને ખબર છે, હું મારા માણસો મોકલાવીને તારા બંને છોકરાઓને ઘરમાંથી રોડ વચ્ચે મારી-મારીને ભૂત બનાવી દઈશ.'”

  ફરિયાદીના વકીલની દલીલો સાંભળીને કોર્ટે નામંજૂર કર્યા જામીન

  ઉલ્લેખનીય છે કે આ વાતચીત દરમિયાન એડવોકેટ ધ્રુવેશે ઑપઇન્ડિયાને તે પણ જણાવ્યું કે આરોપીઓના જેલમાં હોવા છતાં તેના મળતિયાઓ સંજય બાલધાના ઘરે જઈને કેસ પરત લેવા દબાણ કરી રહ્યા છે. ધ્રુવેશે કહ્યું કે, “ઉપર જે ધમકી ચેતને આપી અને તેના માણસોએ જે રીતે અમારા અસીલના ઘરે જઈને કેસ પરત ખેંચવા દબાણ કર્યું તે તમામ બાબતો અમે આરોપીઓની જામીન અરજી વિરુદ્ધની વાંધા અરજીમાં નોંધી છે. અમે નામજોગ કહ્યું છે કે આ આખા કેસમાં ક્યાં વ્યક્તિનો ક્યાં કેટલો અને શું રોલ છે. જો તેઓ ન્યાયિક કસ્ટડીમાં રહીને પણ આ પ્રકારનું પ્રેશર બનાવી શકતા હોય તો બહાર આવીને તેઓ શું ન કરે?”

  ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે કોર્ટે ફરીયાદી વેપારીની વાંધા અરજી અને તેમના વકીલની દલીલોને ધ્યાને લઈને પીયુષ ધાનાણીના ભાઈ ચેતન ધાનાણી અને તેના સાગરીતોની જામીન અરજી ફગાવી દીધી છે.

  ઑપઇન્ડિયાએ કર્યો પીયૂષ ધાનાણીનો સંપર્ક, સવાલ સાંભળતા જ કાપી દીધો ફોન

  નોંધનીય છે કે અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પીયુષ ધાનાણી જાહેર જનતાને અટકાવીને કાયદામાં રહેવાનું જ્ઞાન આપતા ફરતા જોવા મળતા હોય છે. અનેક વાર તેઓ સામાન્ય જનતા સાથે ઘર્ષણમાં પણ ઉતરી આવે છે અને આ પ્રકારના અનેક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. ત્યારે તેમના જ નાના ભાઈએ કાયદાનું ઉલંઘન કરીને ગંભરી ગુનો કર્યો હોવાના ગંભીર આરોપો મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે. આ મામલે પીયુષ ધાનાણીનો પક્ષ લેવા ઑપઇન્ડિયાએ તેમનો પણ સંપર્ક કર્યો હતો. દરમિયાન તેમણે ફરીયાદીએ તેમના ભાઈ પર લગાવેલા આરોપો નકારીને વધુ સવાલોના જવાબ આપવાનું ટાળ્યું હતું.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં