Sunday, April 14, 2024
More
  હોમપેજક્રાઈમસુરત: હિંદુના નામે અકાઉન્ટ બનાવીને યુવતીઓને ફસાવતો હતો રેહાન, મોડેલિંગની લાલચ આપી...

  સુરત: હિંદુના નામે અકાઉન્ટ બનાવીને યુવતીઓને ફસાવતો હતો રેહાન, મોડેલિંગની લાલચ આપી ફોટા મેળવીને બ્લેકમેલ કરતો; બજરંગ દળ કાર્યકર્તાઓએ પકડીને પોલીસને સોંપ્યો

  પરિવારે બજરંગ દળને જાણ કર્યા બાદ સંગઠનના કાર્યકર્તાઓએ છટકું ગોઠવીને પકડી લીધો હતો. મોબાઇલમાંથી અનેક હિંદુ અકાઉન્ટ મળ્યા બાદ પૂછપરછ કરતાં ઉશ્કેરાઈ ગયો હતો. પછીથી પોલીસને સોંપી દેવામાં આવ્યો.

  - Advertisement -

  સુરતમાં હિંદુ યુવતીઓ અને સગીરાઓ અનેકવાર લવ જેહાદ અને તેના જેવાં જ દુષણોનો ભોગ બની હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, તેવામાં ફરી એકવાર આવી જ એક ઘટના બની છે. અહીં રેહાન શેખ નામના એક યુવક સામે હિંદુ નામ રાખીને મોડેલિંગનું કામ અપાવવાની લાલચ આપી અનેક હિંદુ યુવતીઓ પાસેથી ફોટા મંગાવીને તેના આધારે બ્લેકમેલ કરવાનો આરોપ લાગ્યો છે. હિંદુ સંગઠનોને તેની જાણ થતાં ઝડપી પાડીને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. પોલીસે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  મળતી માહિતી અનુસાર, સુરતમાં રહેતા રેહાન શેખે હિંદુ નામ રાખીને અનેક સોશિયલ મીડિયા અકાઉન્ટ બનાવ્યાં હતાં. જ્યાં તે હિંદુ યુવતીઓને મેસેજ કરીને તેમને કામ આપવાના નામે ફોસલાવતો હતો. યુવતી જ્યારે તેની જાળમાં ફસાઈ જતી, ત્યારે તે તેના બીભત્સ ફોટા મંગાવતો અને તે ફોટાના આધારે બ્લેકમેલ કરતો હતો. આ મામલે અડાજણ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

  વધુ વિગતો અનુસાર, આરોપી હિંદુ નામના અકાઉન્ટમાંથી હિંદુ યુવતીઓને ‘કામ જોઈએ છે?’ તેવા મેસેજ કરતો હતો. કોઈ જરૂરિયાતમંદ પરિવારની યુવતી આ મેસેજનો રિપ્લાય આપે કે તરત જ આરોપી તેનો સંપર્ક કરતો અને તેને મોડેલિંગનું કામ કરવાની ઓફર સાથે 50 હજારથી 1 લાખ રૂપિયાની કમાણી કરાવી આપવાની વાત કરી યુવતી પાસે આપત્તિજનક ફોટા મંગાવતો. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી આ ફોટા કોઈ ગેરકાનૂની વેબસાઈટ પર અપલોડ કરી કમાણી કરતો અને તેના જ આધારે યુવતીને બ્લેકમેલ પણ કરતો. રેહાન શેખે આવી જ રીતે એક હિંદુ યુવતીને પોતાની જાળમાં ફસાવી હતી. જોકે બાદમાં તેણે પરિવારને જાણ કરતા તેને બચાવી લેવાઈ હતી.

  - Advertisement -

  પીડિત પરિવારની મદદે આવ્યું બજરંગ દળ, છટકું ગોઠવીને આરોપીને ઝડપ્યો

  સમગ્ર ઘટના વિશે માહિતી મેળવવા ઑપઇન્ડિયાએ સુરતના રાંદેર વિભાગ બજરંગ દળ સંયોજક રવિ ગુપ્તાનો સંપર્ક કર્યો. વાતચીતમાં રવિએ જણાવ્યું હતું કે, “આજથી ચાર અઠવાડિયાં પહેલાં આ આખું ષડ્યંત્ર અમારા ધ્યાને આવ્યું હતું. આ આખી ચેઈન છે. રેહાનના બ્લેકમેલિંગથી ત્રાસીને પીડિતાએ તેના પરિવારને આ વિશે જણાવ્યું હતું અને ત્યારબાદ પરિવારે અમારા કાર્યકર્તાનો સંપર્ક કરીને મદદ માંગી હતી. આખી ઘટના જાણ્યા બાદ અમારી ટીમે એક છટકું ગોઠવીને આરોપીને મળવા બોલાવ્યો અને તેને રંગેહાથ ઝડપી લીધો હતો.”

  હિંદુ નામથી અનેક અકાઉન્ટ, અનેક હિંદુ યુવતીઓ સંપર્કમાં

  રવિએ આગળ જણાવ્યું હતું કે, “જેવો આરોપી સ્થળ પર પહોંચ્યો અમે તેને પકડી લીધો હતો. અમે તેની સાથે વાતચીત અને પૂછપરછ ચાલુ કરી હતી. તેના ફોનમાં સોશિયલ મીડિયાના 8 જુદાં-જુદાં અકાઉન્ટ્સ મળી આવ્યાં હતાં. આ તમામ અકાઉન્ટ હિંદુના નામે હતાં અને તેમાંથી અનેક હિંદુ યુવતીઓને મેસેજ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેના ફોનમાં કેટલીક યુવતીઓના બીભત્સ ફોટા મળી આવતાં અમે તેના વિશે પૂછ્યું હતું. પરંતુ પૂછપરછ શરૂ કરતાં જ તે ઉશ્કેરાઈ ગયો હતો. પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે અમે તાત્કાલિક પોલીસ બોલાવીને આરોપીને સોંપી દીધો હતો.”

  ઇન્ટરનેશનલ સ્કેન્ડલ હોવાની સંગઠનને આશંકા

  રવિના જણાવ્યા અનુસાર આરોપી હિંદુ યુવતીને ફોસલાવીને ચહેરો ન આવે તે રીતે આપત્તિજનક ફોટા પડાવી લેતો હતો અને ભારતમાં પ્રતિબંધિત અને અમેરિકા તેમજ કેનેડા જેવા દેશોમાંથી ઓપરેટ થતી વેબસાઈટો પર અપલોડ કરતો. આ ફોટા અપલોડ કર્યા બાદ તે યુવતીને બદનામ કરવાની બીક આપી બ્લેકમેલ કરતો. રવિએ કહ્યું કે, “આ પ્રકારની ઘટનાથી યુવતીઓની માનસિક હાલત પર વિપરીત અસર પડે છે, હાલ જે પીડિતાને ઉગારી લેવામાં આવી તેના બેગમાંથી પરિવારને ડિપ્રેશનની અનેક દવાઓ મળી આવી હતી.”

  હાલ પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતાં અડાજણ પોલીસે રેહાન શેખ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. બીજી તરફ હિંદુ સંગઠનોએ આ પ્રકારની ઘટનાઓને અટકાવવા કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, તેમજ સંગઠનો હિંદુ બહેનોની સુરક્ષામાં હંમેશા તૈયાર હોવાનું પણ જણાવ્યું છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં