શુક્રવારે (12 જુલાઈ) સવારે 10 કલાકે ભુસાવલ-નંદુરબાર પેસેન્જર ટ્રેન પર જલગાંવ નજીક પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. તે ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જુમ્માના દિવસે જ કટ્ટરપંથી ટોળાંએ એક પેસેન્જર ટ્રેનને ટાર્ગેટ બનાવી હતી. પથ્થરમારો કરનારા લોકોમાં બુરખાધારી મહિલાઓ પણ જોવા મળી રહી હતી. તે સાથે જ ઇસ્લામિક ટોપી પહેરેલા ઘણા શખ્સો પણ પથ્થરમારો કરતાં નજરે પડ્યા હતા. મહારાષ્ટ્રના જલગાંવનો તે વિડીયો વાયરલ થયા બાદ રેલવે પોલીસે ‘અજ્ઞાત આરોપીઓ’ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વિડીયો વાયરલ થયા બાદ જ પથ્થરમારાની આ ઘટના પ્રકાશમાં આવી હતી. X પર એક સોશિયલ મીડિયા પોસ્ટના જવાબમાં ડિવિઝનલ રેલવે મેનેજરે જણાવ્યું હતું કે, “રેલવે યાત્રિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. અમલનેરના RPF ઇન્ચાર્જે રેલવે એક્ટ 154 હેઠળ અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. જરૂરી કાયદાકીય કાર્યવાહી માટે અમલનેર GRPને પણ ઘટનાની જાણકારી આપવામાં આવી છે.”
Railway is committed to ensuring the safety and security of passengers. In the said incident, the RPF in-charge of Amalner started an inquiry by registering AN CR 473/2024 against an unknown person under Railway Act 154. Amalner GRP has also been informed about the incident for…
— DRM – Mumbai Central, WR (@drmbct) July 13, 2024
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક અનુસાર, શુક્રવારે સવારે મોટી સંખ્યામાં લોકો એક ધાર્મિક આયોજનમાં ભાગ લેવા માટે ભુસાવળથી ભોરટેક ગયા હતા. ટ્રેનમાં RPFના જવાનો પણ હાજર હતા. તે જ ટ્રેન પર જલગાંવ નજીક પથ્થરમારો થયો હોવાનો વિડીયો વાયરલ થયા બાદ તે અજ્ઞાત વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, આ ઘટનામાં કોઈપણ યાત્રી તરફથી લેખિત ફરિયાદ મળી નથી કે ઘટનામાં કોઈ ઘાયલ થયું હોય તેવા સમાચાર પણ સામે આવ્યા નથી. RPF આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરીને એક રિપોર્ટ તૈયાર કરશે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા તે વિડીયોમાં ટ્રેનની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયેલા જોવા મળે છે. જેમાં ઇસ્લામિક ટોપી પહેરેલા શખ્સો પણ જોઈ શકાય છે. એટલું જ નહીં, પરંતુ બુરખાધારી મહિલાઓ પણ પથ્થરમારો કરતી નજરે પડી રહી છે. પથ્થરમારો થયા બાદ યાત્રિકોમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ગભરામણના કારણે યાત્રિકોએ ટ્રેનના બારી-દરવાજા પણ બંધ કરી દીધા હતા. હાલ પોલીસ આ ઘટના વિશે તપાસ કરી રહી છે. જોકે, હજુ સુધી પથ્થરમારાનું કારણ જાણી શકાયું નથી.