RBIને મંગળવારે (26 ડિસેમ્બર 2023) એક ધમકી ભર્યો ઇ-મેઇલ મળ્યો છે. જેમાં બેંકના ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાંની માંગ કરવામાં આવી હતી. ઇ-મેઇલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, RBIની ઓફિસ, HDFC બેંક અને ICICI બેંકની મુંબઈ સ્થિત ઓફિસમાં બોમ્બ મુકવામાં આવેલાં છે. બોમ્બ બ્લાસ્ટનો સમય પણ 1:30નો આપવામાં આવ્યો હતો.
આ ઇ-મેઇલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, RBI સાથે પ્રાઇવેટ સેકટરની બેંકોએ મળીને દેશનો સૌથી મોટો કૌભાંડ આચર્યો છે. આ સાથે જ આ કૌભાંડમાં RBI ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ સામેલ હોવાની વાત કરી હતી. આ બંને ઉપરાંત નાણાં વિભાગના અમુક મોટા અધિકારીઓ અને દેશના મોટા નેતા પણ આમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ઇ-મેઇલમાં જણાવવામાં આવ્યું હતું કે, ત્રણ મહત્વની જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે. જેમાં RBI ન્યુ સેન્ટ્રલ ઓફીસ બિલ્ડીંગ કોર્ટ, HDFC હાઉસ ચર્ચગેટ અને ICICI બેંક ટાવર્સ BKCનો ઉલ્લેખ કર્યો હતો. RBIને મળેલાં આ ધમકી ભરેલાં ઇ-મેઇલમાં એમ પણ કહેવામાં આવ્યું કે, RBIના ગવર્નર શક્તિકાંત દાસ અને નાણામંત્રી સીતારમણ એક પ્રેસ રીલીઝ કરી આ સમગ્ર ‘કૌભાંડ’નું સત્ય લોકોને જણાવે. સાથે જ આ કથિત કૌભાંડમાં સહભાગી બધા જ લોકોને કાયદાકીય સજા આપવાની પણ માંગ કરી હતી. ઇ-મેઇલમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતા લખ્યું હતું કે જો માંગ પૂરી કરવામાં નહિ આવે તો એક એક કરી કુલ 11 બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે. ઇ-મેઇલમાં મળેલી ધમકીની જાણ RBIએ પોલીસને કરી હતી
RBIને મળેલા આ ધમકી ભરેલા ઇ-મેઇલ પછી પોલીસ પ્રશાસને કાર્યવાહી ચાલુ કરી છે. ઇ-મેઇલમાં દર્શાવેલા બધા જ ઠેકાણાઓ પર પોલીસ સઘન તપાસ કરી રહી છે. જોકે, અત્યાર સુધીની તપાસમાં પોલીસને કશું શંકાસ્પદ મળ્યું નથી. આ મામલે MRS માર્ગ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. આ પહેલાં CP કાર્યાલયમાંથી જારી કરાયેલાં એક આદેશમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે ક્રિસમસ અને નવા વર્ષના દિવસોમાં આતંકવાદી અને રાષ્ટ્રવિરોધી તત્વો માહોલ બગાડવા ડ્રોન, રીમોટથી ચાલતા માઈક્રો લાઈટ વિમાન અને પેરા-ગ્લાઇડર જેવ યંત્રોનો ઉપયોગ કરી શકે છે.