રાજકોટ શહેરમાં એક હત્યાનો મામલો સામે આવ્યો છે. અહીં પાનનો ગલ્લો ચલાવતા એક હિંદુ યુવકે તેની દુકાન નજીક ગાંજો પીવાની ના પાડતાં ચાર શખ્સોએ તેની હત્યા કરી નાખી. આરોપીની ઓળખ અયાન આરીફ સોલંકી, અરમાન સલીમ બ્લોચ, રાહિલ શરીફ સાંધ અને શકીલ ઈમ્તિયાઝ પરમાર તરીકે થઇ છે. તમામની ધરપકડ કરી લેવાઈ છે.
મૃતકે આરોપીઓને તેમની દુકાન નજીક ગાંજો ન પીવાની અને ગાળાગાળી ન કરવાની વિનંતી કરી હતી. જેનાથી ઉશ્કેરાઈ ગયેલા આરોપીઓ તે દિવસે માત્ર ધમકી આપીને જતા રહ્યા હતા પરંતુ બીજા દિવસે આવીને છરી વડે હુમલો કરી દીધો હતો.
મૃતક યુવકની ઓળખ વિજયભાઈ બાબરીયા (30 વર્ષ) તરીકે થઇ છે. તેઓ દૂધસાગર રોડ પર રહેતા અને ઘરની નજીક જ પાનનો ગલ્લો ચલાવતા હતા. ગત 15 ઓગસ્ટ, 2023 (મંગળવાર)ની રાત્રે તેઓ ગલ્લા પર બેઠા હતા ત્યારે ત્યાં ચાર વ્યક્તિઓ આવી પહોંચ્યા, જેમની પાસે ગાંજો હતો.
વિજયે આ શખ્સોને ગાંજો પીવાની ના પાડતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેને ધમકી આપીને ‘આવતીકાલે તને જોઈ લઈશું’ તેમ કહીને ત્યાંથી જતા રહ્યા હતા. ત્યારબાદ વિજય બાબરીયા પણ ઘરે આવી ગયા હતા. પરંતુ બીજા દિવસે (બુધવારે) સવારે 11 વાગ્યાની આસપાસ ચાર શખ્સોએ આવીને વિજય પર છરી વડે હુમલો કરી દીધો હતો.
આરોપીઓએ વિજયના શરીર પર ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી દેતાં તે ત્યાં જ ઢળી પડ્યા. ઘટના વિશે જાણ થતાં જ તેમના ભાઈ અને પાડોશીઓ દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સને જાણ કરી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. મૃતકના શરીર પર ગળા, છાતી અને પેટના ભાગે સાતથી આઠ છરીના ઘા વાગ્યા હતા, જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
ઘટના બાદ પોલીસ ફરિયાદ થતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસને હત્યાના આરોપીઓનું પગેરું મળી ગયું અને ચાર શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી હતી. ટીવી9ના રિપોર્ટ અનુસાર, એક આરોપી ફરાર છે, જેની શોધખોળ હાલ ચાલી રહી છે. હાલ પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.