રાજકોટ ખાતે આવેલા રૈયા રોડ પર આઝાદ ચોકમાં ઈંડાની લારી ચલાવતા યુવકની હત્યા થઈ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ ઘટનામાં મૃતક યુવકના પિતા પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. મામલાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ હત્યા પૈસાની લેતીદેતી મામલે થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર રાજકોટના આઝાદ ચોક નજીક રહેતો 30 વર્ષીય યુવક ઈંડાની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. યુવકના પિતા પણ કેટલીકવાર તેની મદદ કરવા માટે લારી પર આવતા-જતા રહેતા હતા. બનાવની રાત્રે પણ પિતા પુત્ર રેકડી પર કામ કરી રહ્યા હતા. આ દરમિયાન આરોપી અરબાઝ રુસ્તમ શેખ અને રિયાઝ સુમરા અન્ય કેટલાક અજાણ્યા શખ્શો સાથે લારી પર આવી પહોચ્યા હતા.
આરોપીઓએ લારી પર આવીને અચાનક જ યુવક પર આડેધડ છરીના ઘા ઝીંકી દીધા હતા. આ દરમિયાન યુવકના પિતા પણ ત્યાં હાજર હોઈ તેઓ પુત્રને બચાવવા વચ્ચે પડ્યા હતા અને આરોપીઓએ તેમને પણ ઈજાગ્રસ્ત કર્યા હતા. તમામ આરોપીઓ યુવકને છરીના અનેક ઘા મારીને ભાગી છૂટ્યા હતા. અચાનક થયેલા આ હુમલામાં યુવક ત્યાં જ ઢળી પડ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ રાજકોટ ગાંધીગ્રામ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઘાયલ પિતા અને યુવકને બેભાન અવસ્થામાં રાજકોટ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન યુવકનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. હુમલાની આ ઘટના હત્યામાં ફેરવાતા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. જયારે રાજકોટ પોલીસે હત્યારા અરબાઝ અને રિયાઝ તેમજ તેમની સાથે રહેલા અજાણ્યા લોકોને ઝડપી લેવા તજવીજ શરુ કરી છે.