Monday, May 20, 2024
More
    હોમપેજગુજરાતભરૂચમાંથી ઝડપાયો પાકિસ્તાની જાસૂસ: સેનાની ગુપ્ત માહિતી પહોંચાડતો હતો કરાચી-ઇસ્લામાબાદ, 1 મહિના...

    ભરૂચમાંથી ઝડપાયો પાકિસ્તાની જાસૂસ: સેનાની ગુપ્ત માહિતી પહોંચાડતો હતો કરાચી-ઇસ્લામાબાદ, 1 મહિના સુધી વોચ રાખી CID ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

    પાકિસ્તાની જાસૂસ ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાન આર્મીના હેન્ડલર અને ઇસ્લામાબાદ અને કરાચી સ્થિત પાકિસ્તાની જાસૂસી સંસ્થાને આપતો હતો. તે આ આખું કાવતરું સોશિયલ મીડિયાના માધ્યમથી કરી રહ્યો હતો.

    - Advertisement -

    ભરૂચમાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગાંધીનગર CID ક્રાઇમ બ્રાન્ચે ભરૂચના ઝઘડિયામાંથી તેની ધરપકડ કરી છે. તે અનેક ગુપ્ત માહિતીઓ પાકિસ્તાની આર્મીના હેન્ડલરોને મોકલતો હોવાનું સામે આવ્યું છે. તે ભારતીય સેનાની ગુપ્ત માહિતીઓ મેળવતો હતો અને પાકિસ્તાન મોકલતો હતો. CID ક્રાઈમ બ્રાન્ચે એક મહિના સુધી તેના પર વોચ રાખી હતી, જે બાદ હવે તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

    TV9 ગુજરાતી અનુસાર, ભરૂચમાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જાસૂસે મિસાઇલ અને ડ્રોન ટેકનોલોજીની મહત્વની જાણકારી પાકિસ્તાન સુધી પહોંચાડી હોવાના સમાચાર છે. તે ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાન આર્મીના હેન્ડલર અને ઇસ્લામાબાદ અને કરાચી સ્થિત પાકિસ્તાની જાસૂસી સંસ્થાને આપતો હતો. તે આ આખું કાવતરું સોશિયલ મીડિયાના માધ્યમથી કરી રહ્યો હતો. ખાસ કરીને તે ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડતો હતો.

    ગાંધીનગર CID ક્રાઈમ બ્રાન્ચને તે યુવક પર શંકા જતાં તેના પર એક મહિના સુધી વોચ રાખવામાં આવી હતી. જેના દ્વારા એ જાણી શકાયું હતું કે, ભરૂચમાં રહેતો તે યુવક સોશિયલ મીડિયામાં એક પાકિસ્તાની યુવતીની પ્રોફાઇલ સાથે સંપર્કમાં રહેતો હતો અને તેના કહેવા પર તે બધી ગતિવિધિઓ કરતો હતો. યુવતીની પ્રોફાઇલ પર રહેલા વ્યક્તિ દ્વારા માહિતી માંગવામાં આવતી હતી અને તે માહિતી યુવક તે યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલતો હતો.

    - Advertisement -

    ત્યારબાદ CID ક્રાઈમ દ્વારા વધુ તપાસ કરતાં ઘટસ્ફોટ થયો હતો કે, પાકિસ્તાની યુવતીની પ્રોફાઇલ પર ISI અને લશ્કરના એજન્ટો કાર્યરત હતા અને યુવક પાસેથી ઘણીબધી ગુપ્ત માહિતીઓ માંગી રહ્યા હતા. CID ક્રાઈમ બ્રાન્ચે તમામ પુરાવાઓના આધારે યુવકની ધરપકડ કરી લીધી છે અને હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તે કોની સાથે સંપર્કમાં હતો અને અન્ય કેટલા લોકો તેની સાથે જોડાયેલા હતા તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ગાંધીનગર CID ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ટૂંક સમયમાં પ્રેસ કૉન્ફરન્સ કરીને આ વિશેની જાણકારી પણ આપી શકે છે. હાલ આ મામલે પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ વધુ તપાસ કરી રહી છે. યુવકના સોશિયલ મીડિયા હેન્ડલથી લઈને તમામ પાસાઓ પર તપાસ હાથ ધરવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં