Saturday, May 4, 2024
More
    હોમપેજગુજરાતસુરતના રાંદેરમાં MD ડ્રગ્સ વેચતા વધુ એક 'મિયાં-બીવી' ઝડપાયા: અયુબખાન પઠાણ અને...

    સુરતના રાંદેરમાં MD ડ્રગ્સ વેચતા વધુ એક ‘મિયાં-બીવી’ ઝડપાયા: અયુબખાન પઠાણ અને ફરઝાના પઠાણની ધરપકડ, જુબેદા અને તબસ્સુમ ફરાર

    આ બંને શૌહર-બીવી મુંબઈથી મોટા પ્રમાણમાં ડ્રગ લાવીને રીટેલમાં વેચતા હતા. બંને આરોપીઓ સુરતના અલગ અલગ વિસ્તારમાં અવાવરું જગ્યામાં મેફેડ્રોન ડ્રગ્સનો (MD) વેપલો કરતા હોવાની બાતમી પોલીસને મળી હતી.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ઠેક-ઠેકાણેથી ડ્રગ્સનો વેપલો કરતા લોકો ઝડપાઈ રહ્યા છે. પોતાના જીવનને સુખ-સાહેબીમાં વ્યતીત કરવા માટે થઈને અન્યોના જીવતર સાથે ચેડાં કરતા આવા લોકોને ડામવા સુરત પોલીસ પણ કમર કસી રહી છે. તેવામાં ફરી એક વાર સુરતના રાંદેરમાં ડ્રગ્સ વેચતા એક મિયાં-બીવી ઝડપાયા છે. અયુબખાન પઠાણ અને ફરઝાના પઠાણ પોતાના મોજ-શોખ પુરા કરવા માટે ડ્રગ્સનો વેપાર કરતા હતા. પોલીસે બાતમીના આધારે બંનેની ધરપકડ કરીને જેલના સળિયા ગણતા કરી દીધા છે.

    અહેવાલો અનુસાર આ બંને શૌહર-બીવી મુંબઈથી મોટા પ્રમાણમાં ડ્રગ લાવીને રીટેલમાં વેચતા હતા. બંને આરોપીઓ સુરતના અલગ અલગ વિસ્તારમાં અવાવરું જગ્યામાં મેફેડ્રોન ડ્રગ્સનો (MD) વેપલો કરતા હોવાની બાતમી પોલીસને મળી હતી. મળેલી બાતમીના આધારે રાંદેર પોલીસે તાડવાડી ગોમતીનગર મકાન નંબર બી-22માં રહેતા અયુબખાન પઠાણને ત્યાં દરોડા પડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસને ડ્રગ્સનો જથ્થો પણ મળી આવ્યો હતો.

    ડ્રગ્સનો જથ્થો મળી આવ્યા બાદ રાંદેર પોલીસે અયુબખાન રશિદખાન પઠાણ અને તેની બીવી ફરઝાનાબીબી અયુબખાન પઠાણને ઝડપી લીધા હતા. આ બંને પાસેથી પોલીસે 1 લાખ કરતા વધુની કિંમતનું MD ડ્રગ્સ જપ્ત કર્યું હતું. બંને પેડલર્સની ધરપકડ બાદ પોલીસે તેમની પૂછપરછ આદરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે મુંબઈ ખાતે રહેતી જુબેદા ખાતુન મેમણ નામની મહિલા તેમને ટકલા નામના વ્યક્તિ દ્વારા આ ડ્રગ્સનો જથ્થો પૂરો પાડતી હતી. આ બંને લોકો ડ્રગ્સ મેળવ્યા બાદ પોતાની ગાડીમાં તેનો વેપલો કરતા હતા.

    - Advertisement -

    પૂછપરછમાં બે નવા નામ સામે આવતા પોલીસે ટકલા તેમજ જુબેદા ખાતુનને ભાગેડુ જાહેર કરીને બંનેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન પોલીસે ઝડપાયેલા પેડલરોની ગાડી પણ જપ્ત કરી લીધી છે. પોલીસ તપાસમાં અન્ય એક તબસ્સુમ ઉર્ફે ઝોયા તાહિર દિવાન નામની મહિલાનું પણ નામ ખુલ્યું હતું, પોલીસે તેને પણ વોન્ટેડ જાહેર કરી છે. આ તમામ લોકો મોજશોખ પુરા કરવા અને લકઝરીયસ લાઈફ જીવવા માટે મોતના સમાનનો વેપલો કરી રહ્યા હતા. હાલ પોલીસે ઝડપાયેલા દંપત્તિ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે જયારે વોન્ટેડ જાહેર કરાયેલા ટકલા નામના વ્યક્તિ ઉપરાંત જુબેદા ખાતુન અને તબસ્સુમ ઉર્ફે ઝોયા તાહિર દિવાનને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

    આ પહેલા પણ રાંદેરમાં ડ્રગ્સનો વેપલો કરતા મિયાં-બીવી ઝડપાયા હતા

    ઉલ્લેખનીય છે કે થોડા સમય આગાઉ પણ સુરતના રાંદેરમાં ડ્રગ્સ વેચતા મિયાં-બીવી ઝડપાયા હતા. પેડલર યુગલને ઝડપી લેવા રાંદેર પોલીસે ખાસ વેશપલટો કરીને ‘મુસ્લિમ’ બનવું પડ્યુ હતુ. પોલીસે વોચ રાખીને સમીર મનફ મલિક અને તેની બીવી સાનિયા મલિકને મેફેડ્રોન ડ્રગ્સ (MD) સાથે દબોચી લીધા હતા. આ પેડલર યુગલ પાસેથી પોલીસે ડ્રગ્સ ઉપરાંત ત્રણ જેટલા મોબાઈલ ફોન, એક મોપેડ સ્કુટર સહિત ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં