Thursday, May 2, 2024
More
    હોમપેજદુનિયાIPL રમી ચૂકેલા નેપાળી ક્રિકેટરને કોર્ટે રેપ કેસમાં દોષી ઠેરવ્યો, આગામી સુનાવણીમાં...

    IPL રમી ચૂકેલા નેપાળી ક્રિકેટરને કોર્ટે રેપ કેસમાં દોષી ઠેરવ્યો, આગામી સુનાવણીમાં સજાનું એલાન

    23 વર્ષીય સંદીપ લામિછાને વિરુદ્ધ એક 17 વર્ષીય સગીરાએ કાઠમાંડુની એક હોટેલમાં બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો. જે અંગે ફરિયાદ થયા બાદ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને ક્રિકેટરની ધરપકડ પણ કરવામાં આવી હતી.

    - Advertisement -

    નેપાળની નેશનલ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ચર્ચિત ક્રિકેટર સંદીપ લામિછાનેને કાઠમાંડુની કોર્ટે એક રેપ કેસમાં દોષી ઠેરવ્યો છે. ક્રિકેટર લામિછાને પર એક 17 વર્ષીય સગીર પર બળજબરીપૂર્વક બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે ચાલતા કેસમાં કાઠમાંડુની કોર્ટે શુક્રવારની (29 ડિસેમ્બર, 2023) સુનાવણીમાં સંદીપ લામિછાનેને દોષી ઠેરવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોર્ટ આગલી સુનાવણીમાં ક્રિકેટરની સજા નક્કી કરશે.

    સંદીપ લામિછાને નેપાળના હાઈપ્રોફાઈલ ક્રિકેટરોમાંથી એક છે અને ભારતમાં રમાતી IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ)માં રમનારો એકમાત્ર નેપાળી ખેલાડી છે. વર્ષ 2018માં તે દિલ્હી કેપિટલ્સ માટે IPLમાં રમ્યો હતો. તે નેપાળની નેશનલ ક્રિકેટ ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે.

    23 વર્ષીય સંદીપ લામિછાને વિરુદ્ધ એક 17 વર્ષીય સગીરાએ કાઠમાંડુની એક હોટેલમાં બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો. જે અંગે ફરિયાદ થયા બાદ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને ક્રિકેટરની ધરપકડ પણ કરવામાં આવી હતી. જોકે પછીથી તેણે જામીન માટે અરજી કરતાં 12 જાન્યુઆરી, 2023ના રોજ હાઈકોર્ટની 2 જજની સંયુક્ત બેન્ચે 20 લાખના બોન્ડ સાથે જામીન આપી દીધા હતા. જે પછી તેઓ હાલ જેલની બહાર છે.

    - Advertisement -

    સગીર યુવતી પર રેપના મામલે કાઠમાંડુની જિલ્લા કોર્ટ દ્વારા 4 નવેમ્બર, 2022ના રોજ સંદીપ લામિછાનેને સુંધરા સ્થિત સેન્ટ્રલ જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. જેને ક્રિકેટરે ત્યાંની હાઈકોર્ટમાં પડકાર્યો હતો. 6 સપ્ટેમ્બરના રોજ પીડિતે બળાત્કારનો કેસ દાખલ કરાવ્યો હતો. જે પછી 6 ઓક્ટોબરના રોજ ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કેરેબિયન પ્રીમીયમ લીગ રમીને પરત ફરી રહેલા સંદીપ લામિછાનેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

    પીડિત સગીરાના વકીલ દ્વારા કોર્ટમાં પીડિતા પર થયેલા શારીરિક અને માનસિક શોષણ માટે લામિછાને વિરુદ્ધ વળતરનો દાવો કરવામાં આવ્યો હતો. જે અંગેની ચાર્જશીટ દાખલ થયા બાદ કોર્ટ દ્વારા ક્રિકેટરનું બેંક એકાઉન્ટ અને અન્ય પ્રોપર્ટી પણ ફ્રીઝ કરી દેવામાં આવી હતી. ધરપકડનું વૉરન્ટ બહાર પડ્યા બાદ નેપાળ ક્રિકેટ એસોસિયેશન દ્વારા (CAN) ક્રિકેટરને નિલંબિત કરી દેવામાં આવ્યો હતો.

    સંદીપ લામિછાને એક આંતરરાષ્ટ્રીય નેપાળી ક્રિકેટર છે. ભારતમાં આઈપીએલ (IPL)ની સાથે, ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ (BBL), પાકિસ્તાનમાં રમાતી પાકિસ્તાન સુપર લીગ (PSL) સાથે ઘણી ક્રિકેટ લીગમાં રમી ચૂક્યો છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 50 ODI વિકેટ ઝડપનાર વિશ્વનો બીજો સૌથી ઝડપી બૉલર છે અને T20Iમાં 50 વિકેટ ઝડપનાર ત્રીજા સૌથી ઝડપી બોલર હોવાનો વિક્રમ ધરાવે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વનડેમાં 112 અને T20માં 98 વિકેટો લીધી છે. ભારતમાં રમાયેલી IPLમાં સંદીપ લામિછાનેએ 9 મેચોમાં 13 વિકેટો પોતાના નામે કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં