ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જિલ્લામાંથી સાંપ્રદાયિક હિંસાનો મામલો સામે આવ્યો છે. એક મંદિર પરિસરમાં ચાલી રહેલા બાઉન્ડ્રીના કામને લઈને બે સમુદાયો સામસામે આવી ગયા હતા. ત્યારબાદ તણાવ શાંત કરવા પહોંચેલી પોલીસ ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે મામલે પછીથી કાર્યવાહી કરતાં પોલીસે અબ્દુલ અને રહીસ નામના વ્યક્તિઓ સાથે કુલ 34 આરોપીઓની સામે FIR દાખલ કરી છે. જેમાંથી 5 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, આ સમગ્ર ઘટના મંગળવારે (19 ડિસેમ્બર, 2023) બનવા પામી હતી. ઘટનાક્રમ મુજબ મુરાદાબાદના રૌંડા સ્થિત ચામુંડા માતાનું મંદિર આવેલું છે. જે સ્થાનિક હિંદુ સમુદાયની આસ્થાનું કેન્દ્ર છે. મંદિર જુનું હોવાથી તેની દીવાલો જર્જરિત અવસ્થામાં હતી, જેને બનાવવા માટે શ્રદ્ધાળુઓ ઘણા સમયથી પ્રયાસો કરી રહ્યા હતા. આખરે 25 નવેમ્બર, 2023ના રોજ જ્યારે મંદિરના પરિસર ફરતે બાઉન્ડ્રીનું કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે ત્યાંના સ્થાનિક મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો અને અંતે સ્થળ પર પહોંચેલા પોલીસ પ્રશાસન દ્વારા કામને રોકી દેવામાં આવ્યું હતું.
જે પછી હિંદુ સમાજે ફરી 19 ડિસેમ્બરના રોજ મંદિરનું બાકીનું બાઉન્ડ્રીનું કામ ચાલુ કર્યું તે દરમિયાન ફરી એક વાર મુસ્લિમ સમાજના લોકોએ તેનો વિરોધ કર્યો. મંદિરનું કામ અટકાવવા આવેલા ટોળામાં પુરુષો સાથે મહિલાઓ પણ હતી. આ સાથે જ મુસ્લિમ સમુદાયે વિરોધ કરતા કહેવા માંડ્યું કે જો મંદિરમાં થતું કામ નહીં રોકવામાં આવે તો તેઓ પણ ત્યાં જ તેમનું મજહબી સ્થળ બનાવવાનું શરૂ કરી દેશે. જે પછી મામલો ગંભીર થઇ ગયો હતો. પોલીસ પ્રશાસનને ઘટનાની જાણ થતાં જ તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આરોપ છે કે, મામલો વધુ ઉગ્ર થતાં મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા પથ્થરમારો શરૂ કરી દેવાયો હતો. જેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં પોલીસ દ્વારા મામલાને શાંત કરવા બળપ્રયોગ કરતા પોલીસને પણ ઉપદ્રવીઓએ છોડ્યા ન હતા અને તેમના ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં એક મહિલા કોન્સ્ટેબલને ગંભીર ઈજા પહોચી હતી. જોકે, ત્યારબાદ પોલીસે સ્થિતિ નિયંત્રણમાં લઇ લીધી હતી અને પથ્થરમારો કરનાર 34 જેટલા આરોપીઓ સામે સ્થાનિક મથકમાં ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઘટનામાં મુખ્ય આરોપીઓ તરીકે અબ્દુલ્લા અને રહીસ નામના વ્યક્તિઓનાં નામ સામે આવી રહ્યાં છે. બંને સાથે કુલ 34 વ્યક્તિઓ પર સરકારી કાર્યમાં અવરોધ સર્જવો, ગેરવર્તણૂક અને ક્રિમિનલ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે અત્યાર સુધી મુખ્ય 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને જોતાં પોલીસ પ્રશાસન દ્વારા ઘટનાસ્થળ પર PACની ટુકડી ખડકી દેવામાં આવી છે.
स्थानीय थाना पुलिस द्वारा शांति व्यवस्था के दृष्टिगत दो पक्षो के विरूद्ध निरोधात्मक कार्यवाही की गई है। प्रकरण के संबंध में पुलिस द्वारा सतर्क दृष्टि रखी जा रही है।
— MORADABAD POLICE (@moradabadpolice) December 20, 2023
સ્થાનિક પત્રકાર સુમિત ટંડને ઑપઇન્ડિયાને મોકલેલા ઘટનાના વિડીયોમાં મુસ્લિમ ટોળું પોલીસ ઇન્સ્પેકટર સાથે ઝઘડો કરતું જોવા મળે છે. જેમાં ઘણી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. માથાકૂટ દરમિયાન ટોળામાં સામેલ લોકો ઈન્સ્પેક્ટર સામે પણ કાર્યવાહી કરવાની ધમકી આપતા જોવા મળે છે. આ મામલે મુસ્લિમ પક્ષ તરફથી જૈબુન્નીશા નામની મહિલા વકીલે આરોપ લગાવતા કહ્યું કે હિંદુ સમુદાય મંદિરના સમારકામનાં નામે મંદિરનો વિસ્તાર વધારી રહ્યા હતા, જેનાથી મુસ્લિમ સમુદાયને વાંધો હતો.