જાણીતા મોટિવેશનલ સ્પીકર વિવેક બિંદ્રા પર પત્ની સાથે મારપીટ કરવાનો આરોપ લાગ્યો છે. આરોપ છે કે લગ્નના બીજા જ દિવસે તેમણે પત્નીને નિર્દયતાથી માર માર્યો હતો, જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે. આ મામલે પત્નીના ભાઈએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ વિવેક બિંદ્રા સામે FIR દાખલ કરવામાં આવી છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે.
વિવેક બિંદ્રા અને યાનિકાનાં લગ્ન ગત 6 ડિસેમ્બરના રોજ થયાં હતાં. જ્યારે કેસ 14 ડિસેમ્બરે નોંધવામાં આવ્યો હતો. વિવેકના સાળા વૈભવ ક્વાત્રાએ નોઇડા સેક્ટર 126 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે IPCની કલમો 323, 504, 427 અને 325 હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસનું કહેવું છે કે હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.
ફરિયાદમાં વૈભવે જણાવ્યું છે કે લગ્નના બીજા દિવસે એટલે કે 7 ડિસેમ્બરે સવારે લગભગ 3 વાગ્યે વિવેક બિંદ્રા તેમની માતા સાથે કોઇ વાતે ઉગ્ર ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે યાનિકા વેચ પડતાં વિવેકે તેને રૂમમાં બંધ કરીને ગાળાગાળી કરી હતી અને ત્યારબાદ મારપીટ કરી, જેના કારણે આખા શરીરે ઈજા પહોંચી હતી. આરોપ એવો પણ છે કે બિંદ્રાએ પત્નીનો મોબાઈલ પણ તોડી નાખ્યો હતો.
તેમણે જણાવ્યું કે, યાનિકાને એટલી ઈજા પહોંચી છે કે તેને સંભળાવાનું પણ બંધ થઈ ગયું છે. મારપીટ બાદ વિવેકે તેના વાળ પણ ખેંચ્યા હોવાનો આરોપ છે. ઈજા બાદ યાનિકાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે, “મારી બહેન હાલ ડિપ્રેશનમાં છે. 2 દિવસ સુધી અમને ઘટના વિશે જાણ કરવામાં આવી ન હતી. તેમનાં તાજેતરમાં જ લગ્ન થયાં હતાં અને અમે બધાં બહુ ખુશ હતાં. પરંતુ હાલ તે એકદમ તણાવમાં છે. ઈજા પામ્યા બાદ ઘણા દિવસો સુધી તે હોસ્પિટલમાં દાખલ રહી.” વૈભવે કહ્યું કે, “પોલીસ અમને નિવેદન નોંધાવવા દેતી નથી. મારી બહેન જે વિગતો જણાવી છે તેના આધારે અમે નવી ફરિયાદ દાખલ કરીશું.”
ઉલ્લેખનીય છે કે વિવેક બિંદ્રા તાજેતરમાં જ વિવાદમાં આવ્યા હતા જ્યારે અન્ય એક મોટિવેશનલ સ્પીકર સંદીપ માહેશ્વરીએ આરોપ લગાવ્યો હતો કે બિંદ્રાના એન્ટ્રપ્રેન્યોરશિપ કોર્સ એક સ્કેમ છે. સંદીપે એક વીડિયો બનાવ્યો હતો, જેમાં આ આરોપ લગાવ્યા હતા. તેમણે વીડિયોમાં અમુક યુવાનોનાં નિવેદનો ટાંક્યાં હતાં, જેમાં તેમણે આરોપ લગાવ્યા કે તગડી ફી આપ્યા પછી તેમને આ પ્રોગ્રામ અન્યોને વેચવા માટે કહેવામાં આવ્યું હતું અને કોઇ એન્ટ્રપ્રેન્યોરશિપ શીખવવામાં નહીં આવી. જોકે, બિંદ્રાએ આ તમામ આરોપો લગાવી દીધા હતા.