Monday, April 29, 2024
More
    હોમપેજગુજરાતચાર વર્ષ પહેલાં જેલમાં બનાવ્યો પ્લાન, ત્રીજા પ્રયત્ને પાર પાડ્યો: મહેસાણામાં થયેલી...

    ચાર વર્ષ પહેલાં જેલમાં બનાવ્યો પ્લાન, ત્રીજા પ્રયત્ને પાર પાડ્યો: મહેસાણામાં થયેલી 45 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, સોહેલ-વાજિદ સહિત 3 પકડાયા, 5 ફરાર

    પોલીસ માટે લૂંટારાઓનું પગેરું શોધું કપરું એટલા માટે હતું, કારણ કે તેમણે મોબાઈલ ફોન બંધ રાખીને ગુનો આચર્યો હતો. પોલીસ પાસે તેમને ઝડપી લેવા તે કાર એક માત્ર લીડ હતી જેમાં આરોપીઓ બેસીને આવ્યા હતા. અઢળક CCTV તપાસ્યા બાદ તે સફેદ રંગની કિયા સેલ્ટોસ કાર પાલનપુર ખાતે હોવાની માહિતી મળતા ભેદ ઉકેલાયો.

    - Advertisement -

    અંદાજે 3 મહિના પહેલાં મહેસાણાના જોટાણા ગામે લાખોની લૂંટ કરવામા આવી હતી. ઘટનામાં એક પરિવારને બંધક બનાવી પાંચ લૂંટારાઓએ પિસ્તોલ અને તિક્ષ્ણ હથિયારની અણીએ 44.92 લાખની લૂંટ ચલાવી હતી. ત્યારે LCB સહિતની પોલીસે ત્રણ મહિના બાદ અંતે આરોપીઓએ વાપરેલી કારના આધારે લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે. હાલ પોલીસે સોહેલ, વાજીદ અને હાજી કુરેશી નામના આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય પાંચ આરોપીઓ હજુ પણ ફરાર છે.

    આખા ઘટનાક્રમ પર નજર કરીએ તો જોટાણા ખાતે પેટ્રોલ પંપ ધરાવતા એક વેપારીના ઘરે ગત 25 સપ્ટેમ્બર, 2023ના રોજ લૂંટ ચલાવવામાં આવી હતી. આ લૂંટ સમયે વેપારીના પત્ની, માતા, દાદી તેમજ બાળકો ઘરમાં હાજર હતાં. હથિયારધારી લૂંટારાઓએ આ તમામને બંધક બનાવીને સોના ચાંદીના ઘરેણાં તેમજ રોકડ રકમ મળીને કુલ 44.92 લાખથી વધુની લૂંટ ચલાવી હતી. આ લૂંટ બાદ આરોપીઓ ઘરની બહાર પાર્ક કરી રાખેલી કારમાં નાસી છૂટ્યા હતા. આ ઘટના બાદ વેપારીના પત્નીની ફરિયાદના આધારે સાંથલ પોલીસે તપાસ શરૂ કરી હતી. ફરિયાદ દાખલ થયા બાદ એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સહિત પોલીસની અલગ-અલગ ટીમ આ કેસનું કોકડું ઉકેલવામાં લાગી ગઈ હતી.

    આ આખી ઘટનામાં પોલીસ માટે લૂંટારાઓનું પગેરું શોધું કપરું એટલા માટે હતું, કારણકે તેમણે મોબાઈલ ફોન બંધ રાખીને ગુનો આચર્યો હતો. પોલીસ પાસે તેમને ઝડપી લેવા તે કાર એક માત્ર લીડ હતી જેમાં આરોપીઓ બેસીને આવ્યા હતા. અઢળક CCTV તપાસ્યા બાદ તે સફેદ રંગની કિયા સેલ્ટોસ કાર પાલનપુર ખાતે હોવાની માહિતી મળતાં જ પોલીસે નજીકના વિસ્તારોમાં બાતમીદારો સક્રિય કરીને, મોબાઈલ ટાવરોના ડેટા એનાલિસીસ સહિતની સઘન તપાસ કરી મૂળ ઉત્તર પ્રદેશના સોહેલઅલી ઉર્ફે ડોક્ટર સિદ્દીકી, વાજીદ ઉર્ફે ભુરા કુરેશી અને જમશેદઅલી ઉર્ફે હાજી કુરેશીને ઝડપી લીધા હતા. આ તમામને પકડી મહેસાણા એલસીબી કચેરીએ લાવી પૂછપરછ કરતાં તેમણે અન્ય પાંચ સાથીઓ સાથે મળીને પાલનપુર રોકાઈ ત્યાંથી કિયા સેલ્ટોસ કાર લઈ જોટાણા આવી આ લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.

    - Advertisement -

    ધરપકડમાં સફળતા મળ્યા બાદ પોલીસે આરોપીઓ પાસેથી 1 લાખ 10 હજાર રોકડા તેમજ લૂંટમાં વાપરેલી 2 રાઉન્ડ લોડ કરેલી પિસ્ટલ, 4 મોબાઈલ, તેમજ છરી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

    ચાર વર્ષ પહેલાં ઘડાયો હતો મહેસાણાના જોટાણા ગામે લૂંટનો પ્લાન

    ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા આરોપીઓ પૈકી જમશેદઅલી કુરેશી બારેક વર્ષથી ચામડના વેપારમાં કમિશન એજન્ટ તરીકે કામ કરતો હતો. પોતાના કામને લઈને તેને અવારનવાર અમદાવાદ, નંદાસણ, ડાંગરવા તથા જોટાણા આવવા જવાનું થતું હતું. ભોગ બનેલા વેપારીના પરિવારના કેટલાક સભ્યો પણ આ જ વ્યવસાય સાથે સંકળાયેલા છે, જેથી આરોપી જમશેદઅલી તેમના પરિવારજનો તથા તેઓની દિનચર્યાથી વાકેફ હતો. આજથી સાડા ચારેક વર્ષ પહેલાં પણ તેણે યુપીથી માણસો બોલાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો પરંતુ અસફળ રહ્યો હતો.

    આ દરમિયાન તેનો સાથી શાનુ યુપીની જેલમાં ગયો હતો જ્યાં આ લૂંટનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. શાનુ સાથે જેલમાં રહેલો સોહેલઅલી, કપડાની ફેરી કરતા વાજીદ સહિતને ભેગા કરી લૂંટ થઈ તેના દોઢેક મહિના પહેલાં પણ બધા સ્વિફ્ટ કારમાં પાલનપુર આઈ પહોંચ્યા હતા. તે વખતે પણ બપોરના સમયે કાર સાથે જોટાણા આવી લૂંટનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળ ન થતાં તમામ યુપી પરત ચાલ્યા ગયા હતા. ત્યારબાદ ફરીથી લૂંટ કરવાનું નક્કી કરી જમશેદઅલી તથા વાજીદ કુરેશી અગાઉથી પાલનપુર આવી ભાડાના મકાનની વ્યવસ્થા કરી હતી. સોહેલઅલી, શાનુ તથા મુજીબ બસમાં પાલનપુર આવ્યા હતા અને ફરમાન તથા પહેલવાન નામના બે માણસો હથિયાર સાથે કિયા સેલ્ટોસ લઈને પાલનપુર આવ્યા હતા.

    મહેસાણાના જોટાણા ગામે લૂંટનો ગુનો આચરવ બદલ હાલ પોલીસે શોહેલઅલી સિદ્દીકી, વાજીદ કુરેશી અને જમશેદ અલીની ધરપકડ કરી છે, જયારે શાનુ ઉર્ફે મુલ્લા કુરેશી, મુજીબ કુરેશી અને પહેલવાન તરીકે ઓળખાતા 2 શખ્સ એમ કુલ 5 આરોપીઓ હાલ ફરાર છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં