ખેડાના મહેમદાવાદમાં એક મુસ્લિમ યુવકના ત્રાસના કારણે એક હિંદુ પરિણીતાએ આત્મહત્યા કરી હોવાની વાત સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો. આ ખુલાસો મહિલાની સ્યુસાઇડ નોટમાંથી થયો હતો. ઘટનાની જાણ થતા જ મહેમદાવાદ પોલીસ સ્થળ પાર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અહેવાલો અનુસાર ખેડાના મહેમદાવાદમાં એક હિંદુ પરિણીતા પોતાના પતિ સાથે રહેતી હતી અને તેમને બે દીકરીઓ પણ હટી. થોડા સમય અગાઉ મહેમદાવાદના જ વાવ ફળિયામાં રહેતા તોસીફ પઠાણ નામના મુસ્લિમ યુવકે કોલ અને મેસેજ કરીને તેને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. તે અવારનવાર તેની છેડતી કરતો હતો અને એકવાર તો ઘરમાં પણ ઘુસી ગયો હતો.
મહિલા દ્વારા ઘણો પ્રતિકાર કરવા છતાંય તોસીફ તેને હેરાન કર્યા કરતો હતો. જો તેનો નંબર બ્લોક કરી દે તો તે નવા નવા નંબરો પરથી કોલ અને મેસેજ કરીને હેરાન કરતો હતો. સાથે જ તે અલગ અલગ બહાનાઓથી મહિલા પાસે પૈસા પણ માંગતો હતો. છેલ્લે તેણે મહિલાને ધમકી આપી હતી કે, “જો તું મારી સાથે નહિ બોલે તો તારા પતિને મારી નાખીશ અને તને સમાજમાં બદનામ કરી દઈશ.” આ ધમકી બાદ તે મહિલા ખુબ ચિંતામાં રહેતી હતી. જે બાદ તેણે આ અંતિમ પગતું લીધું હતું.
‘તોસીફ હજુ હેરાન કરે છે… મારે મારવાનો વારો આવશે’
નોંધનીય છે કે આટલા મહિનાઓથી તોસીફ દ્વારા થતી સતામણી સતત વધી રહી હતી. આ જ મહિનાની છઠ્ઠી તારીખે (6 ઓગસ્ટ) જયારે આ મહિલા પોતાના પતિ અને બે દીકરીઓ સાથે અમદાવાદ પોતાના ભાઈના ત્યાં આવી ત્યારે પણ માતાપિતા સહિત પરિવારને આ બાબતે વાકેફ કર્યા હતા.
તેણે પરિવારને જણાવ્યું હતું કે,”તોસીફ મને હજુ પણ હેરાન કરે છે અને મારો પીછો નથી છોડી રહ્યો. હજુ પણ વોટ્સએપ મેસેજ અને કોલ કરીને મને ત્રાસ આપે છે. હું તેનાથી કંટાળી ગઈ છું. આવું જ ચાલ્યા કરશે તો મારે મારવાનો વારો આવશે.” ત્યારે મહિલાના ભાઈએ અને પરિવારે તેને સમજાવી હતી અને સાંત્વના આપી હતી અને બાદમાં તેઓ મહેમદાવાદ પરત આવી ગયા હતા.
સ્યુસાઇડ નોટમાં શું લખ્યું?
મહિલાએ અંતિમ પગલુ ભરતા પહેલા પોતાની તમામ આપવીતી એક કાગળમાં ઉતારી હતી અને આરોપી તોસીફ પઠાણને કડકમાં કડક સજા કરાવવા માટે માંગ કરી હતી.
મહિલાએ આત્મહત્યા પહેલા લખેલી સ્યુસાઇડ નોટમાં લખેલું છે કે, “આ તોસીફ પઠાણે મારી જિંદગી બરબાદ કરી દીધી છે. કોલ કરીને બ્લેકમેલ કરીને પૈસાની માંગણી કરે છે અને જો હું વાત ના સ્વીકારું તો મારા પતિને પતાવી દેવાની વાત કરે છે. આ તોસીફ પઠાણનો કેસ બંધ ના કરશો અને તેને સજા અપાવશો. મારી આત્મહત્યાનું કારણ તોસીફ પઠાણ જ છે.”
માર્ચ મહિનામાં જ નોંધાવી હતી છેડતીની ફરિયાદ
નોંધનીય છે કે 5 મહિના પહેલા જયારે આ જ તોસીફ પઠાણે મહિલાને ઘરમાં એકલી ભાળીને ઘરમાં ઘુસીને તેની છેડતી કરી હતી ત્યારે જ આ પરિવારે તેના વિરુદ્ધ મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાવી હતી.
જો તે જ સમયે મહેમદાવાદ પોલીસ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા હોત તો આજે આ મહિલા જીવિત હોત અને બે દીકરીઓએ પોતાની માતાની છત્રછાયા ના ઘુમાવી હોત.
હાલમાં મૃતક મહિલાના ભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે અને આરોપી તોસીફ પઠાણને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.