વર્ષ 2019માં તારાપુરથી ભલભલાને કંપારી છુટાવી દે તેવો કિસ્સો સામે આવ્યો હતો. તારાપુરના ચુનારાવાસમાં રહેતી એકલી હિંદુ વિધવા મહિલાને ઇમરાન નામના મુસ્લિમ યુવકે જીવતી સળગાવી દીધી હતી. મહિલાનો ગુનો માત્ર એટલો જ હતો કે તે હત્યારા ઇમરાનના તાબે ન થઇ અને તેની શરીરની ભૂખ ન સંતોષી. આ ઘટનાથી આખા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ત્યારે હવે આ મામલે આણંદની કોર્ટે તારાપુરની મહિલાને જીવતી સળગાવનાર ઇમરાનને આજીવન કેદની સજા ફટકારી છે.
કોર્ટે મૃતક મહિલાનું અંતિમ નિવેદન, સાક્ષીઓ, દસ્તાવેજી પુરાવા અને પોલીસ તપાસના આધારે આરોપી ઇમરાન વ્હોરાને IPCની કલમો હેઠળ દોષી ઠેરવ્યો અને એક કલમ હેઠળ 5 વર્ષની અને બીજી હેઠળ આજીવન કેદની સજા ફટકારી હતી. બુધવારે (10 જાન્યુઆરી, 2024) ખંભાત કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો હતો.
શું હતી ઘટના?
ઘટનાની વધુ વિગતો એવી છે કે, તારાપુરના ચુનારા વાસમાં રહેતી હિંદુ વિધવાના પતિનું મૃત્યુ થયું હતું. પતિના મોત બાદ મૃતક પોતાની 2 દીકરીઓ સાથે એકલી જ રહેતી હતી. તેના ઘરની આસપાસ તેના પરિવારના લોકો રહેતા હોવાથી તે પોતાને સુરક્ષિત માનીને પોતાના બાળકોનું ભરણપોષણ કરતી હતી. તેવામાં એકલી અને વિવશ વિધવાને જોઇને તારાપુર મચ્છીમાર્કેટમાં રહેતા ઇમરાન ગુલામ વ્હોરાની દાનત બગડી હતી અને તે અવારનવાર તેને પોતાની સાથે પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો.
એકલી મહિલાએ અનેકવાર ઇમરાનને સંબંધ રાખવા ના પાડી, તેમ છતાં તે તેની પાછળ પડ્યો રહેતો. તેવામાં તારીખ 10 જૂન, 2019ની રાત્રે 2 વાગ્યાના અરસામાં ઇમરાન મહિલાના ઘરની પાછળના ભાગની બારીમાંથી ઘરમાં ઘૂસી ગયો હતો. બાળકો સાથે ઊંઘી રહેલી મહિલા કશું સમજે તે પહેલાં ઈમરાન તેની સાથે બળાત્કાર કરવાના ઈરાદે તેના પર તૂટી પડ્યો. પરંતુ મહિલા તેના તાબે ન થઇ, તેણે પૂરી તાકાતથી તેનો પ્રતિકાર કરતાં ઇમરાનને માથે કાળ ચઢ્યો.
મહિલા તાબે ન થતા ઈમરાને ઘરમાં પડેલો કેરોસીનનો કારબો ઉઠાવી તેના પર કેરોસીન છાંટી દીધું. તે કશું કરે તે પહેલાં જ ઇમરાને મૃતક પર દીવાસળી ચાંપી દીધી અને મહિલાને ભડકે બાળીને ત્યાંથી ભાગી છૂટ્યો. દરમ્યાન, મહિલાની નાની પુત્રી જાગી ગઈ અને તેણે પોતાની માને સળગતી જોઈ નજીકમાં રહેતા સગાસંબંધીઓને બોલાવી લાવી હતી. પરિવારજનો તરત દોડી આવ્યા અને ધાબળો નાંખીને પીડિતની આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો પરંતુ ત્યાં સુધી ખૂબ મોડું થઇ ગયું હતું.
મહિલા 90%થી વધારે દાઝી ગઈ હતી. તેના સગા તાત્કાલિક તેને રાપુર સી.એચ.સી ખાતે લઇ ગયા પરંતુ વધુ પદતા દાઝવાના કારણે તેને ત્યાંથી વડોદરા સયાજી હોસ્પિટલમાં રેફર કરવામાં આવી હતી. એસએસજી હોસ્પિટલમાં દસેક દિવસની સારવાર બાદ અંતે મહિલા મૃત્યુ પામી હતી. બીજી તરફ ઈમરાનની કરતૂતની જાણ થતાં જ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. મહિલાનું મોત થતા બાદમાં તેના વિરુદ્ધ હત્યાની કલમ (IPC-307) ઉમેરવામાં આવી હતી.
આ મામલે આણંદ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ઇમરાન વિરુદ્ધ IPCની કલમો 302, 307, 506 (2)ની કલમો અંતર્ગત કેસ ચલાવવામાં આવ્યો હતો. પછીથી આ કેસ ખંભાત કોર્ટને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો. કોર્ટે આખરે બુધવારે (10 જાન્યુઆરી, 2024) 13 સાક્ષી, 25 દસ્તાવેજ તેમજ પુરાવાને ધ્યાને રાખીને ઇમરાન ગુલામનબી વહોરાને IPC 506 હેઠળ 5 વર્ષની અને 302 હેઠળ આજીવન કેદની સજા ફટકારી હતી. આ સાથે જ કોર્ટે તેને 15 હજારનો દંડ પણ ફટકાર્યો હતો.