Saturday, May 4, 2024
More
    હોમપેજક્રાઈમખેડા: પ્રેમસંબંધ રાખવાની ના પાડતાં હિંદુ મહિલાનું ‘સર તન સે જુદા’ કરવાના...

    ખેડા: પ્રેમસંબંધ રાખવાની ના પાડતાં હિંદુ મહિલાનું ‘સર તન સે જુદા’ કરવાના પ્રયાસ, આરોપી ફારૂક સામે ગુનો: ગંભીર ઈજા બાદ પીડિતા હોસ્પિટલમાં દાખલ- પરિવારે ઑપઇન્ડિયાને જણાવી આપવીતી

    પરિજને ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “છેલ્લા દોઢ મહિનાથી ફારૂક ટૉર્ચર કરતો હતો પરંતુ પીડિત તાબે ન થતાં તેણે હુમલો કરી દીધો હતો. તેણે ગળું કાપવાના પ્રયાસ કર્યા હતા, પણ હાથ વચ્ચે આવી જતાં મહિલાનો હાથ કપાઈ ગયો હતો."

    - Advertisement -

    ખેડા જિલ્લાના એક ગામમાં પ્રેમ સંબંધ રાખવાની ના પાડતાં એક મુસ્લિમ યુવકે હિંદુ મહિલા પર જીવલેણ હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. ઇજાગ્રસ્ત હાલતમાં પીડિતાને અમદાવાદની SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યારે આરોપી ફરાર છે. તેની ઓળખ ફારૂક પઠાણ તરીકે થઈ છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના આધારે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. 

    મામલો ખેડાના ગળતેશ્વર તાલુકાના સનાદરા ગામનો છે. અહીં રહેતી 33 વર્ષીય પીડિતાનાં લગ્ન 2010માં નજીકના ગામમાં એક વ્યક્તિ સાથે થયાં હતાં પરંતુ પતિ સાથે અણબનાવના કારણે છેલ્લાં ત્રણેક વર્ષથી પિતાના ઘરે સનાદરા રહે છે. સંતાનોમાં તેને એક 8 વર્ષનો પુત્ર છે.

    પીડિત મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, છેલ્લા બેએક મહિનાથી તેના જ ગામમાં રહેતો ફારૂક અબ્બાસ પઠાણ તેની પાછળ પડ્યો હતો અને પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. પરંતુ તેણે ના પાડી દીધી હતી. જોકે, તેમ છતાં ફારૂકે પીછો છોડ્યો ન હતો અને સતત દબાણ કરતો રહેતો હતો. 

    - Advertisement -

    ગત ગુરુવારે (14 ડિસેમ્બર) સવારે સાત વાગ્યાના અરસામાં ફારૂક અચાનક પીડિતા પાસે આવી ચડ્યો હતો અને મનફાવે તેમ ગાળાગાળી કરવા માંડ્યો હતો અને જાતિ વિશે પણ અપશબ્દો કહ્યા હતા. ફારૂક પોતાની સાથે ધારિયું લઈને આવ્યો હતો, જે પીડિતાને ગળા પર મારવા જતાં તેણે હાથ આડો કરી દીધો હતો, જેના કારણે હાથના કાંડા પર હથિયાર વાગતાં હાથ કપાઈ ગયો હતો અને ગંભીર ઈજાઓ થઈ હતી.

    હુમલો થયો તે સમયે પીડિતા સાથે તેની ભાભી પણ હતી. ફારૂકે તેને પણ ધમકી આપીને માર મારવાના પ્રયાસ કર્યા હતા અને પીડીતાને તેની સાથે વાત કરવાની ના પાડવા પર તેને, તેના દીકરા અને પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ પરિજનો પણ દોડી આવ્યા અને તેમણે પીડિતાને હોસ્પિટલ ખસેડી હતી. જ્યાંથી આગળ રિફર કરતાં બાવળા અને ત્યાંથી પણ આગળ લઇ જવાનું કહેતાં અમદાવાદની SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલ તે હોસ્પિટલમાં દાખલ છે અને સારવાર લઇ રહી છે.

    સમગ્ર મામલે સેવાલિયા પોલીસે IPCની કલમ 326 (હથિયાર વડે જાણીજોઇને ઈજા પહોંચાડવી), 504 (શાંતિભંગના ઇરાદે અપમાન) અને 506(2) (ગુનાહિત ધમકી), ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 અને ST/SC એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં આરોપી ફારૂક પઠાણની ધરપકડ થઈ હોવાનું જાણવા મળ્યું નથી. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.

    શાળાએ જતા પુત્રને ઉપાડી લઈને મારી નાખવાની ધમકી

    ઘટનાને લઈને ઑપઇન્ડિયા સાથે વાતચીત કરતાં પીડિતાના એક પરિજને કહ્યું કે, “છેલ્લા દોઢ મહિનાથી ફારૂક ટૉર્ચર કરતો હતો પરંતુ પીડિત તાબે ન થતાં તેણે હુમલો કરી દીધો હતો. તેણે ગળું કાપવાના પ્રયાસ કર્યા હતા, પણ હાથ વચ્ચે આવી જતાં મહિલાનો હાથ કપાઈ ગયો હતો. બીજી વખત ધારિયું મારવા જતાં તેનો અંગૂઠો પણ કપાતાં-કપાતાં રહી ગયો હતો.” તેમના જણાવ્યા અનુસાર, ફારૂકે પીડિતાના પુત્રને શાળાએ જતી વખતે ઉપાડી લઇ જઇને મારી નાખવાની અને સાથે આખા પરિવારને કાપીને મારી નાખવાની ધમકી આપી હતી. પરિવારે હાલ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

    હિંદુ સંગઠનો પણ મદદે પહોંચ્યાં

    બીજી તરફ, ઘટનાની જાણ થતાં હિંદુ સંગઠનો પણ પીડિત પરિવારની મદદે દોડ્યા હતા. અમદાવાદના બજરંગ દળ કાર્યકર ભાવેશ કંસારાએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “ઘટનાની જાણ થતાં અમારા કાર્યકરો સાથે અમે હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં પરિવાર પાસેથી વિગતો મેળવીને હવે આગળ શું કરવું તેની ચર્ચા કરી રહ્યા છીએ. અમારો એક જ ધ્યેય છે કે પરિવારને ન્યાય મળવો જોઈએ અને આ મુદ્દે લોકોમાં જાગૃતિ આવે અને હિંદુ દીકરીઓ ફસાતી બચે.” તેમણે ઉમેર્યું હતું કે, ફારૂકના પરિવારે પીડિત પરિવારનો સંપર્ક કરીને સમાધાનની પણ વાત કરી હતી, પરંતુ તેમણે સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં