રાજકોટના જેતપુરમાં સાજીદ બલોચ નામના બોગસ ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી છે. સાજીદ કોઈ પણ ડિગ્રી વગર ગેરકાયદેસર તબીબી પ્રેકટીસ કરાતી હોવાની બાતમી જેતપુર પોલીસને મળી હતી. બાતમી મળ્યા બાદ પોલીસે દરોડો પડતા તેની પાસેથી દવાઓ તેમજ ઈન્જેકશનનો ઢગલો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હાલ સાજીદની ધરપકડ કરીને તેને જેલના સળિયા ગણતો કરી દેવામાં આવ્યો છે.
અહેવાલો અનુસાર જેતપુર સીટી પોલીસને બાતમી મળી હતી કે ભોજધાર મેઈન ચોકમાં એક બોગસ ડૉક્ટર છેલ્લા ઘણા સમયથી સારવારના નામે લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ક્લિનિકમાં સાજીદ અયુબ બલોચ મળી આવ્યો હતો. પોલીસે તપાસ આદરતા જાણવા મળ્યું હતું કે સાજીદ કોઈ પણ જાતની ડિગ્રી વગર ડૉક્ટર બની બેઠો હતો અને સર્વરના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો.
રાજકોટના જેતપુરમાંથી ઝડપાયો વધુ એક બોગસ ડૉક્ટર, મેડિકલ ડિગ્રી વિના જ કરતો હતો પ્રેક્ટિસ#Gujarat #Rajkot #News pic.twitter.com/0xdL4zFNvb
— Zee 24 Kalak (@Zee24Kalak) November 21, 2023
ધરપકડ બાદ પોલીસે સાજીદની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે ઘણા લાંબા સમયથી ડિગ્રી વગર જ ડૉક્ટર બનીને લોકોની સારવાર કરી રહ્યો હતો. પોલીસે તેના ક્લિનિકની તપાસ કરતા તેમાં અલગ અલગ પ્રકારની દવાઓ તેમજ ઈન્જેકશનનો ઢગલો મળી આવ્યો હતો. સાજીદ પાસે રહેલા દવાના જથ્થાને જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે આ ડમી ડૉક્ટરના દવાખાનામાંથી અલગ અલગ પ્રકારની દવાઓ, ઈન્જેકશન, નિડલ્સ, તબીબી સારવાર માટે ઉપયોગમાં લેવાતા સાધનો સહિત 7300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી. હાલ પોલીસે સાજીદને જેલ હવાલે કરી દીધો છે.
ઉલ્લેખીય છે કે જેતપુરમાં તાજેતરમાં જ અન્ય એક બોગસ ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે થોડા સમય અગાઉ ઈરફાન નામના બોગસ ડૉક્ટરની ધરપકડ કરી હતી. પોલીસને આ ઈરફાન પાસેથી દવા, ઈન્જેકશન, મેડિકલ પ્રેક્ટિસ, જુદા જુદા રોગોની એન્ટીબાયોટિક સહિતની સામગ્રી મળી આવી હતી. આ ઈરફાન પણ ભોજધાર મેઈન ચોકમાં જ પોતાનું ક્લિનિક ચલાવતો હતો. તેની પાસેથી પણ પોલીસે દવાઓ અને સાધનો સહિત 7145 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેવામાં જેતપુરમાં ફરી એક વાર બોગસ ડૉક્ટર ઝડપાતા પોલીસ સાબદી બની છે. ભવિષ્યમાં આવા તત્વો સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન કરે તે માટે રાજકોટ પોલીસ આવા બનાવટી ડૉક્ટરોને ઝડપી લેવા કમર કસી રહી છે.