અમદાવાદના એક કાફેમાં નાસ્તો કરવા ગયેલી હિંદુ યુવતીઓને કડવો અનુભવ થયો છે. નવરંગપુરા વિસ્તારમાં આવેલા મોકા (mocha) કાફેમાં ચાર યુવતીઓએ ઓર્ડર કરેલા વેજ બર્ગરમાં ચીકન પીરસવામાં આવ્યું હતું. ઘટના બાદ યુવતીઓમાં રોષ ફાટી નીકયો હતો. જયારે કાફે સંચાલકોએ ઘટનામાં છટકબારી ગોતવા નોનવેજ બર્ગરને સગેવગે કરી નાખ્યું હતું, પરંતુ આક્રોશિત યુવતીઓએ ઘટનાનો વિડીયો બનાવી લેતા મામલો પ્રકાશમાં આવ્યો હતો. ઘટના બાદ AMCએ કાફેને ₹5000નો દંડ ફટકાર્યો છે.
મળતી માહિતી અનુસાર અમદાવાદની વિતાસ્તા વ્યાસ, આર્જવી શાહ, રૂચિતા શાહ તેમજ વેલા પંડ્યા નામની યુવતીઓ નવરંગપુરા વિસ્તારમાં ગુલબાઈ ટેકરા રોડ ખાતે આવેલા મોકા કાફેમાં નાસ્તો કરવા ગઈ હતી. આ દરમિયાન ચારેય મિત્રોએ વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હરતો. ઓર્ડરના થોડા જ સમયમાં તેમને બર્ગર પીરસવામાં આવ્યા, પરંતુ બર્ગર ખાધા બાદ તેનો સ્વાદ અલગ લગતા શંકા ગઈ. બર્ગરને સરખું તપાસતા જ ચારેય યુવતીઓ ચોંકી ગઈ હતી.
Customer orders veg burger gets non-veg at Cafe Mocha; complaint filedhttps://t.co/IEK8dlof1P pic.twitter.com/L7EaZJdOBF
— DeshGujarat (@DeshGujarat) April 11, 2024
વાસ્તવમાં કાફે દ્વારા તેમને વેજ બર્ગરના નામે આપેલા બર્ગરમાં ચીકન નાખવામાં આવ્યું હતું. પોતે ચીકનવાળું બર્ગર ખાધું હોવાનું જાણીને તમામ ઉશ્કેરાઈ ગઈ હતી અને કાફે સંચાલકોને ફરિયાદ કરી હતી. જોકે સંચાલકોએ નિંભર થઈને તેમની વાત પર ધ્યાન ન આપી ચીકન ન પીરસાયા હોવાનું રટણ રટે રાખ્યું હતું. પણ યુવતીઓ પોતાની વાત પર મક્કમ રહેતા સંચાલકોએ ચીકન પીરસ્યું હોવાનું સ્વીકાર્યું હતું. આ આખી ઘટનાનો એક વિડીયો પણ યુવતીઓ દ્વારા બનાવવામાં આવ્યો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
અમે બ્રાહ્મણ છીએ, ચૈત્રી નવરાત્રીમાં નોનવેજ ખવડાવ્યું
આ મામલે મીડિયા સાથે વાત કરતા યુવતીઓ પૈકી એકે જણાવ્યું હતું કે, “અમે વેજીટેબલ ટીક્કીવાળા બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. તેમણે અમને ચીકન પેટીવાળું બર્ગર આપ્યું. ખાધા બાદ અમને શંકા ગઈ અને તપાસ કરી તો અમારા બર્ગરમાં ચીકન હોવાનું સામે આવ્યું. અમે સ્ટાફને જણાવ્યું તો તેમણે બર્ગર લઈને તેને કચરાપેટીમાં નાખી દીધું અને માનવા તૈયાર નહતા કે તેમણે અમને ચીકન ખવડાવ્યું. અમે લાંબી માથાકૂટ કરી બાદમાં તેમણે સ્વીકાર્યું કે તેમનાથી ચીકન અપાઈ ગયું હતું.”
યુવતીએ વધુમાં જણાવ્યું હતું કે, “અમે બ્રાહ્મણ પરિવારમાંથી આવીએ છીએ અને અમે નોનવેજ નથી ખાતા. તેમ છતાં કાફેની ભૂલના કારણે અમારાથી નોનવેજ ખવાઈ ગયું. અત્યારે ચૈત્રી નવરાત્રી પણ ચાલી રહી છે. અમે આ મામલે AMCના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી, અમને જાણવા મળ્યું છે કે વિભાગે કાફેને માત્ર ₹5000નો દંડ ફટકાર્યો છે.”
આગળ યુવતીઓએ જણાવ્યું કે તેમને આ દંડથી સંતોષ નથી થયો. તેઓએ માંગણી કરી છે કે તેમની ફરીયાદ અંતર્ગત આ કાફેને ઓછામાં ઓછું 2 દિવસ સીલ મારવામાં આવે અને ઉંચો દંડ ફટકારવામાં આવે જેથી આ પ્રકારની ગંભીર ભૂલ ફરી ના થાય.