પોતાને મજબૂત લોકતાંત્રિક ગણાવતા અને પોતાના નાગરિકોને તમામ સ્વતંત્રતા આપવાના દાવા કરતા અમેરિકામાં છેલ્લા 48 કલાકમાં બનેલી 2 ઘટનાઓ ચિંતાનો વિષય બની છે. હજુ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પર આડેધડ ગોળીબારની ચર્ચાઓનો અંત નથી આવ્યો, ત્યાં જ અમેરિકાના અલાબામાના બર્મિંગહામમાં એક નાઈટ ક્લબમાં અને એક ઘર પર અંધાધુંધ ગોળીબાર કરવામાં આવ્યો. આ બંને હુમલામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. એક જ સ્થળે બે અલગ અલગ ઘટેલી આ ઘટના બાદ ફરી એક વાર અમેરિકાના ગન કલ્ચર (Gun Culture) પર સવાલો ઉભા થઈ રહ્યા છે.
અમેરિકન સરકાર ગન કલ્ચરને ડામવામાં નિષ્ફળ હોવાનું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે. વર્તમાન ઘટનામાં બર્મિંગહામ (Birmingham) પોલીસ વિભાગના અધિકારીએ માહિતી આપી હતી કે, ઘટના 27th સ્ટ્રીટ નોર્થના 3400ની છે. અહીં આવેલા એક નાઈટ ક્લબ બહાર અજાણ્યા વ્યક્તિ દ્વારા ધાણીફૂટ ગોળીબાર કરવામાં આવ્યો હતો. એક અધિકારીના જણાવ્યા અનુસાર પોલીસને સ્થાનિક સમય અનુસાર 11 વાગ્યે ઘટનાની જાણ થઈ હતી. આ હુમલામાં બે મહિલાઓ સહિત 4 લોકોના મોત નીપજ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાની માહિતી મળતાની સાથે જ બર્મિંગહામ પોલીસ તેમજ મેડિકલ ડિપાર્ટમેન્ટ અને ફાયર એન્ડ ઈમરજન્સી રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘટનામાં નાઈટ ક્લબની અંદરથી બે મહિલાઓની લાશ મળી આવી હતી, જયારે એક વ્યક્તિની લાશ બહાર ફૂટપાથ પરથી મળી આવી હતી. બીજી તરફ હોસ્પિટલમાં જ્યાં ઘાયલોની સારવાર ચાલી રહી હતી, ત્યાં પણ એક વ્યક્તિએ દમ તોડી દેતા મૃત્યુઆંક 4 થયો હતો. આ ઘટનામાં કૂલ 9 લોકો ઘાયલ થયા હતા.
બીજી તરફ આ ઘટનાની થોડા જ સમય પહેલા બર્મિંગહામના જ એક ઘર બહાર ફાયરીંગની ઘટના ઘટી હતી. સ્થાનિક સમય 5:20 વાગ્યે ઇન્ડીયન સમર ડ્રાઈવ વિસ્તારના બ્લોક નંબર 1700માં એક ઘર બહાર ગોળીબાર કરવામાં આવ્યો. આ ઘટનામાં નજીક ઉભેલી એક ગાડીમાં સવાર એક 5 વર્ષના બાળક, એક મહિલા અને એક પુરુષ મળીને કુલ ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. આ મામલે લોકલ પોલીસનું કહેવું છે કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને ઘરમાં લાગેલા CCTV તપાસવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે પેન્સીલવેનિયામાં (Pennsylvania) પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર કરીને જીવલેણ હુમલો કરવાની ઘટનાના થોડા જ કલાકો બાદ, અમેરિકાના જ બર્મિંગહામમાં ગોળીબાર થવાની આ બંને ઘટનામાં કુલ 7 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કુલ 3 મહિલા, એક બાળક અને ત્રણ પુરુષો ફરી એક વાર અમેરિકાના ગન કલ્ચરનો શિકાર બની ગયા. જોકે પોતાને મહાસત્તા ગણાવતા દેશમાં આ પ્રકારની ઘટનાઓ હવે સામાન્ય બનતી જઈ રહી છે.