ધ્રાંગધ્રામાં રહેતી યુવતીની છેડતી કરનાર આરોપી અબ્દુલ કાદર ભટ્ટીને ધ્રાંગધ્રા સિટી પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે બાબતીના આધારે આખી કાર્યવાહી પાર પાડી હતી. આરોપી ધ્રાંગધ્રામાં રહેતી એક યુવતીને અવારનવાર પરેશાન કરી રહ્યો હતો. તેના ઘર પાસે બાઇક લઈને જતો હતો અને બાઇક પર બેસીને જ યુવતી સામે અભદ્ર ઇશારા કરતો હતો. જેનાથી યુવતીની માતાએ અબ્દુલને ઇશારા ન કરવાનું કહેતા અબ્દુલ ઉશ્કેરાય ગયો હતો અને મનફાવે તેવી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી ગયો હતો. જે બાદ પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હવે આરોપી અબ્દુલ ભટ્ટીને પોલીસે ઝડપી પાડ્યો છે.
આ ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં બની હતી. ધ્રાંગધ્રા જોગાસર રોડ ગણેશ સોસાયટીમાં રિદ્ધિ-સિદ્ધિ પાર્ક પાસે રહેતી 31 વર્ષીય યુવતી ઘરે રહીને ઘરકામ કરતી હતી. છેલ્લા ચારેક મહિનાથી ધ્રાંગધ્રાના ખાટકીવાડમાં રહેતો અબ્દુલ કાદર ભટ્ટી યુવતીની છેડતી કરી તેને પરેશાન કરી રહ્યો હતો. તે બાઇક લઈને આવતો હતો અને યુવતીના ઘર પાસે બાઇક ઊભી રાખી તેના પર બેસી જઈને યુવતીને અભદ્ર ઇશારા કરતો હતો. 18 માર્ચના રોજ સવારે ફોન કરીને અબ્દુલે યુવતીને ‘હું તારા ઘર પાસેથી નીકળીશ, તારાથી થાય તે કરી લેજે’ એવું કહ્યું હતું.
તે વાતના ઘણા દિવસો બાદ 28 માર્ચેના રોજ રાત્રે ફરી અબ્દુલ યુવતીના ઘરની બહાર ઊભો રહીને અભદ્ર ઇશારા કરી રહ્યો હતો. ઘણા સમય સુધી તેણે આવી હરકત કરી હતી. જે બાદ યુવતીની માતાએ તેને જોઈ લેતા તેને ઇશારા ન કરવા કહ્યું હતું. અબ્દુલ તે વાતથી ઉશ્કેરે ગયો હતો અને યુવતીની માતાને ગમેતેમ ગાળો બકવા લાગ્યો હતો. આ સાથે જ તેણે યુવતીને પણ અપશબ્દો કહ્યા હતા. ઉપરાંત તેણે માતા-પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ છેડતી અને ધમકીની ઘટના બાદ યુવતી અને તેની માતાએ ધ્રાંગધ્રામાં સ્થિત સિટી પોલીસ સ્ટેશનમાં અબ્દુલ ભટ્ટી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં આ કેસની તપાસ PSI ગોહિલ કરી રહ્યા હતા. કેસની તપાસ દરમિયાન જ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને આરોપી વિશેની બાતમી મળી હતી. જે બાદ પોલીસની ટીમ ખાટકીવાડ પહોંચી હતી અને આરોપી અબ્દુલ કાદર ભટ્ટીને ઝડપી પાડ્યો હતો. હવે પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઑપઇન્ડિયાએ આ મામલે ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા માટે પ્રયત્ન કર્યો હતો, પરંતુ સંપર્ક સ્થાપિત થઈ શક્યો નથી. હાલ માહિતી મળી રહી છે કે, પોલીસે આ કેસ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.