સુરતથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રોફ જમાવવા માટે ભાઠેનાનો આમીર શેખ એક રિક્ષા ચાલક પર તૂટી પડ્યો હતો. આરોપીએ નજીવી બાબતે રિક્ષા ચાલક દીપકચંદ્રને જાહેરમાં ઢોર માર માર્યો હતો. સુરતના ભાઠેનામાં આમીર શેખે રિક્ષા ચાલકને પટ્ટા વડે ઢોર માર માર્યો હોવાની આ આખી ઘટના નજીકમાં લાગેલા CCTVમાં કેદ થઇ ગઈ હતી. રિક્ષા ચાલકને માર મારતા આમીરનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો હતો. વિડીયો વાયરલ થયા બાદ પોલીસે આરોપી આમીર શેખની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર પીડિત દીપક સુરતમાં ઉધના-ભાઠેના વિસ્તારમાં રિક્ષા ચલાવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. તેવામાં તેઓ નવકેતન રસ્તા પાસેથી આરોપી આમીર શેખની સોસાયટી પાસેથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન આરોપી મોપેડ લઈને સોસાયટીમાંથી બહાર આવી રહ્યો હતો. એ જ સમયે બંને વચ્ચે સામાન્ય ટક્કર થઇ હતી. આ સામાન્ય ટક્કરથી આરોપીં આમીર એ હદે ઉકળી ઉઠ્યો કે તેણે રિક્ષા ચાલક સાથે મોટી માથાકૂટ કરી નાંખી.
આરોપી આટલે જ ન અટક્યો, તેણે પોતાના ઘર પાસે રૂઆબ જમાવવા પોતે પહેરેલો પટ્ટો કાઢીને પીડિત રિક્ષા ચાલકને માર મારવા લાગ્યો હતો. આમીર આટલેથી ન ધરાયો હોય એમ પીડીતને ગાળો ભાંડી જ્યાં સુધી તે નીચે ન પડી ગયો ત્યાં સુધી તેને ગડદા-પાટુંનો માર માર્યો. આમીર શેખને રિક્ષા ચાલકને માર મારતો જોઈ રાહદારીઓનું ટોળું ભેગું થઇ ગયું હતું. તો બીજી તરફ પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક આવી પપહોંચી હતી. તેવામાં આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ દરમિયાન નજીકમાં લાગેલા CCTVમાં આ આખી ઘટના કેદ થઇ ગઈ હતી.
બીજી તરફ મુંઢ માર વાગવાના કારણે પીડિત રિક્ષા ચાલક દીપકને દવાખાને સારવાર લેવાની ફરજ પડી હતી. સારવાર બાદ પીડીતે આરોપી આમીર અબ્દુલ શેખ વિરુદ્ધ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે CCTVના આધારે આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ સુરતની ઉધના પોલીસે આમીરની દાદાગીરી અને રોફ જમાવવા કરેલી મારપીટ બદલ કાયદાનું ભાન કરાવ્યું હતું. સુરતના ભાઠેનામાં આમીર શેખે રિક્ષા ચાલકને પટ્ટા વડે ઢોર માર માર્યો તે બદલ પોલીસે આમીર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.