Saturday, October 12, 2024
More
    હોમપેજક્રાઈમઅમદાવાદ: વાડજમાં રોડ વચ્ચે ઉભી કરેલી રિક્ષા હટાવવાનું કહેતા GSRTCના ડ્રાઈવર-કંડક્ટર પર...

    અમદાવાદ: વાડજમાં રોડ વચ્ચે ઉભી કરેલી રિક્ષા હટાવવાનું કહેતા GSRTCના ડ્રાઈવર-કંડક્ટર પર છરો હુલાવ્યો, ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ

    બસના ડ્રાઈવર અમૃતભાઈએ તેમને રોડની સાઈડ પર હટીને રોડ ખુલ્લો કરવાનું કહેતા રસ્તા પર ઉભેલા ત્રણ ઈસમોએ તેમને અને કંડકટર જશવંત પટેલને અભદ્ર ગાળો આપી હતી.

    - Advertisement -

    અમદાવાદના વાડજમાં સાવ નજીવી તકરારમાં GSRTCના ડ્રાઈવર-કંડકટર પર ધારદાર છરાથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. રોડ વચ્ચે રિક્ષા ઉભી રાખી તકરાર કરી રહેલા શખ્સોને સાઈડમાં હટવાનું કહેતા આ હુમલો થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હુમલામાં ડ્રાઈવર અને કંડક્ટર બંને ગંભીર રીતે ઘાયલ થઈ જતા તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દરમિયાન એકની તબિયત વધુ લથડતાં જણાતા અપોલો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

    મળતી માહિતી અનુસાર, ગાંધીનગરથી અમદાવાદ ગીતામંદિર સેન્ટ્રલ બસ સ્ટેન્ડ જઈ રહેલી બસમાં કંડકટર જશવંત પટેલ અને ડ્રાઈવર અમૃતભાઈ ફરજ પર હતા. દરમિયાન બસ GSRTS બસ વાડજ પહોંચી, ત્યારે રામદેવપીર ટેકરા પાસે મુખ્ય રસ્તા પર કેટલાક લોકો ઝઘડો કરી રહ્યા હતા. તે લોકોએ આખો રોડ બ્લોક કરતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. દરમિયાન GSRTC બસ પણ ટ્રાફિકમાં ફસાઈ હતી અને બંને કર્મચારીઓ બસ સાથે ટ્રાફિકમાં ફસાયા હતા.

    તેવામાં તેમણે જોયું કે રસ્તા વચ્ચે એક સ્કુટર ચાલક અને રિક્ષા ચાલક ઝઘડો કરી રહ્યા છે. બસના ડ્રાઈવર અમૃતભાઈએ તેમને રોડની સાઈડ પર હટીને રોડ ખુલ્લો કરવાનું કહેતા રસ્તા પર ઉભેલા ત્રણ ઈસમોએ તેમને અને કંડકટર જશવંત પટેલને અભદ્ર ગાળો આપી હતી. અજાણ્યા લોકોએ ગાળો આપતા કંડકટર તેમને સમજાવવા બસમાંથી નીચે ઉતર્યા હતા.

    - Advertisement -

    જેવા કંડકટર જશવંત નીચે ઉતર્યા, ગાળો આપનાર ત્રણેય લોકો તેમની પાસે આવી ગયા અને ધારદાર છરાથી હુમલો કરી દીધો હતો. આ જોઈ ડ્રાઈવર અમૃતભાઈ પણ નીચે આવતા હુમલાખોરોએ તેમને પણ છરો મારી દીધો હતો. હુમલાખોરોએ કંડકટરને કમરના ભાગે અને ડ્રાઈવરને માથાના ભાગે છરાના ઘા માર્યા હતા. આ દ્રશ્યો બસના યાત્રીઓએ જોતાં તેઓ ડ્રાઈવર અને કંડકટરની મદદે દોડી આવ્યા હતા.

    બસમાંથી યાત્રીઓનું ટોળું ઊતરતાં જ જીવલેણ હુમલો કરનાર ત્રણેય હુમલાખોરો તેમની રિક્ષામાં બેસીને નાસી છૂટ્યા હતા. બીજી તરફ છરાથી હુમલો થયા બાદ ડ્રાઈવર અને કંડકટર બંને લોહીલુહાણ થઈ ગયા હતા. બંનેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં બસના કંડકટરે અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં