પાટણમાં હિંદુ સગીરાને બ્લેકમેલ કરી બળાત્કાર અને પ્રેમીના નામે બ્લેકમેલ કરી લાખો રૂપિયા પડાવી લીધા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બાળકીને તે હદ સુધી પ્રતાડિત કરવામાં આવી કે તે ચોરી કરવા સુધી મજબુર હતી. સગીરા સોસાયટીમાં મોબાઈલ ફોનની ચોરી કરતા ઝડપાઈ જતા આ આખી ઘટનાનો ખુલાસો થયો હતો. આરોપીઓ છેલ્લા 7 મહિનાથી આ સગીરા પર અત્યાચાર ગુજારી રહ્યા હતા. હાલ પોલીસે પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી ત્રણની ધરપકડ કરી છે, જ્યારે 2 આરોપીઓ હજુ પણ ફરાર છે.
મળતી માહિતી અનુસાર પાટણમાં એક સગીરા મોબાઈલની ચોરી કરતા CCTVમાં રંગે હાથે ઝડપાઈ હતી, જે બાદ રહીશોએ તેના માતાપિતાને જાણ કરી હતી. માતાપિતાએ સગીરાને આ બાબતે પૂછપરછ કરતા તે ભાંગી પડી હતી અને છેલ્લા 7 મહિનાથી તેની સાથે થઇ રહેલી બર્બરતા જણાવી હતી, જે સાંભળી તેના માતાપિતા પણ ચોંકી ઉઠ્યા હતા. સગીરાએ તેના માતાપિતાને જણાવ્યું હતું કે કેટલાક લોકો છેલ્લા ઘણા સમયથી તેને પ્રેમીના નામે બ્લેકમેલ કરીને તેનું શોષણ કરી રહ્યા છે. આરોપી પૈકીના એકે તેના પર બળાત્કાર પણ ગુજાર્યો હતો અને અન્યોએ તેના આપત્તિજનક ફોટા અને વિડીયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી સગીરા પાસે 2 લાખથી વધુ રૂપિયા પડાવ્યા હતા.
અહેવાલોમાં જણાવ્યા અનુસાર સગીરાને એક યુવક સાથે પ્રેમસબંધ હતા, જેની જાણ આસિફખાનને થતા તેણે પીડિતાને તેના માતાપિતાને જાણ કરી દેવાની ધમકી આપીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. અને અન્ય એક આરોપી દિલીપ રાજપૂતે શારીરિક અડપલાં કર્યા હતા. આ દરમિયાન આરોપીઓએ પીડિતાના આપત્તિજનક ફોટા અને વિડીયો બનાવી લીધા હતા અને પીડિતાને તે ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને 2 લાખ 30 હજારથી વધુની રકમ પડાવી લીધી હતી.
આબરૂ બચાવવા સગીરા ચોરી કરવા મજબુર બની
આ ઘટના બાદ આરોપીઓ પૈકીના જાહીદખાન જહુરખાન બલોચ અને સાજિદખાન હુસૈનખાન બલોચ સહિતના ચાર આરોપીઓએ સગીરાને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું હતું. સગીરાને ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને તેની પાસે પૈસાની માંગ કરી હતી. જેથી મજબુર બનેલી સગીરાએ પોતાના ઘરમાં રહેલા સોનાના દાગીના વેચીને આરોપીઓને પૈસા આપ્યા હતા. જે બાદ પણ આરોપીઓની ધમકીઓ બંધ ન થતા પીડિતાએ તેની માતાનું મંગળસૂત્ર અને અન્ય દાગીનાઓ પણ વેચીને આરોપીઓને રૂપિયા આપ્યા હતા. જે બાદ સગીરાએ વધુ પૈસા આપવાની ના પડી હતી. તેમ છતાં આરોપીઓએ તેના પર પૈસા આપવા દબાણ બનાવતા મજબુર સગીરાએ પોતાના પડોશમાં રહેતા પરિવારનો મોબિલ ચોરી કર્યો હતો.
પણ આ વખતે મોબાઈલની ચોરી કરતી સગીરા સોસાયટીના CCTV કેમેરામાં કેદ થઈ હતી. જેથી પાડોશીઓએ સગીરાનાં માતા-પિતાને આ ચોરી અંગે જાણ કરી હતી. જે બાદ સગીરાની પૂછપરછ કરતાં તે ભાંગી પડી હતી અને તેની સાથે છેલ્લા 7 મહિનાથી ચાલી રહેલી ક્રુરતા પરિવારજનોને જણાવી હતી. સગીરા પે બળાત્કાર થયો હોવાની અને તેને ચોરી કરવા મજબુર કરાઈ હોવાની જાણ થતાં જ પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો અને અંતે તેમણે પોલીસ ફરિયાદ કરી હતી.
ફરિયાદ દાખલ થતાંની સાથે જ પાટણમાં સગીરાને બ્લેકમેલ કરી બળાત્કાર કરનાર અને રૂપિયા પડાવનાર આરોપીઓ વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસે ઇપીકોની કલમો 376 (1), 354 (એ) (1), 384, 506 (1), 508, 114 તથા પોક્સો એકટ કલમ 3 (એ) 4,7,8, 17,18 મુજબ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ આસિફખાન લાલખાન બલોચ, જાહિદખાન જહુરખાન બલોચ અને સાજિદખાન હુસૈનખાન બલોચને ઝડપી લીધા હતા. જયારે અન્ય બે ફરાર આરોપીઓને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ ઝડપાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તમામના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.