કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદીઓને સમર્થન આપીને જે આગ લગાવી છે તેની જ્વાળાઓ હવે તેજ થઈ રહી છે. સોમવારે (25 સપ્ટેમ્બરે) કેનેડાના ઓટાવા, ટોરેન્ટો અને વાનકુવરમાં ખાલિસ્તાન સમર્થકોએ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન ભારત અને વડાપ્રધાનનું અપમાન પણ કરવામાં આવ્યું હતું.
ભારતીય હાઈ કમિશનની બહાર ઓટાવામાં ખાલિસ્તાન લખેલા ઝંડા ફરકાવવામાં આવ્યા હતા. ટોરેન્ટોમાં તિરંગાને આગ ચાંપવામાં આવી હતી. બીજી તરફ વાનકુવરમાં પણ ભારતીય કોન્સ્યુલેટની બહાર 100 થી વધુ ખાલિસ્તાનીઓએ પ્રદર્શન કર્યું હતું.
સોમવારે (25 સપ્ટેમ્બરે) ખાલિસ્તાન સમર્થકોના એક જૂથે ઓટાવામાં ભારતીય હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે લગભગ 100 ખાલિસ્તાની સમર્થકોએ હાઈ કમિશનની બહાર ‘ખાલિસ્તાન’ શબ્દ લખેલા પીળા ઝંડા ફરકાવ્યા હતા. પ્રદર્શન કરનાર રેશમા સિંઘ બોલીનાસે જસ્ટિન ટ્રુડો પ્રતિ આભાર વ્યક્ત કરી અને કેનેડાને વિનંતી કરી કે તે આ જઘન્ય કૃત્ય પાછળનું સત્ય બહાર લાવવામાં કોઈ કસર ના છોડે અને ભવિષ્યમાં નિર્દોષ લોકોની હત્યા રોકવા માટે ભારત પર દબાણ કરે.
રાષ્ટ્રધ્વજનું અને વડાપ્રધાન મોદીનું કર્યું અપમાન
લગભગ 200 ખાલિસ્તાની સમર્થકોએ વાનકુવરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર એકઠા થઈને પ્રદર્શન કર્યું હતું. ટોરેન્ટોમાં પણ લગભગ 100 ખાલિસ્તાન સમર્થકોએ ભારતનો રાષ્ટ્રધ્વજ સળગાવી દીધો હતો. તે લોકોએ PM મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટ-આઉટ પર ચપ્પલ પણ માર્યા હતા.
એ સિવાય તિરંગાનું મોટું બેનર બનાવવામાં આવ્યું હતું. જેને ખાલિસ્તાની સમર્થકોએ જમીન પર પાથર્યું હતું અને તેના પર ખાલિસ્તાની સમર્થકો ઊભા પણ રહ્યા હતા.
આતંકી પન્નુએ ઉશ્કેર્યા હતા તેના સમર્થકોને
રિપોર્ટ અનુસાર, આતંકી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) સાથે જોડાયેલા એક પ્રદર્શનકારીએ આરોપ લગાવ્યો છે કે ભારતે ‘કેનેડાની સંપ્રભુતા (સાર્વભૌમત્વ) સાથે સમાધાન કર્યું’. આ ભારત વિરોધી પ્રદર્શન SFJના વડા ગુરપતવંત સિંઘ પન્નુએ તેના સમર્થકોને ઉશ્કેર્યા પછી થયું હતું. જોકે, આ પ્રદર્શનો આતંકી સંગઠની અપેક્ષા મુજબ ન થયા. પન્નુએ જે અનુમાન લગાવ્યું હતું એ પ્રકારનો મેળાવડો જોવા ન મળ્યો. પરંતુ વિરોધ પ્રદર્શનના જે ફોટા અને વિડીયો સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે તિરંગાનું અને ભારતીય વડાપ્રધાનનું અપમાન કર્યું હોવા છતાં કેનેડાના પોલીસકર્મીઓ મૂકદર્શક બનીને બધુ જોતા રહ્યા.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કર્યા બાદ આ વિરોધ ફાટી નીકળ્યો છે. ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ છે. ટ્રુડો વૈશ્વિક સ્તર પર અલગ પડી ગયા છે. ઘરેલુ મોરચે પણ તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ, આનાથી કેનેડામાં આશરો લઈ રહેલા ખાલિસ્તાની તત્વોના ઈરાદાઓને બળ મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં બ્રિટિશ કોલંબિયામાં ગુરુદ્વારાની બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારતે કેનેડિયન પીએમના આરોપોને ‘વાહિયાત અને પ્રેરિત’ ગણાવીને ફગાવી દીધા હતા. બંને દેશોએ રાજદ્વારીઓને પણ નિષ્કાસિત કર્યા હતા. કેનેડા અંદાજે 7,70,000 શીખોનું ઘર છે, જે પંજાબની બહાર સૌથી વધુ શીખ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. તાજેતરના વર્ષોમાં, અહીં ભારત વિરોધી ગતિવિધિઓમાં સતત વધારો થયો છે.