દેશના નવા સંસદ ભવનમાં કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે અને આ જ ભવનને અધિકારીક રીતે ‘ભારતનું સંસદ ભવન’ ઘોષિત કરી દેવામાં આવ્યું છે. જ્યારે હવે જૂનું સંસદ ભવન નવા નામથી ઓળખાશે. પીએમ મોદીએ જૂના ભવનના સેન્ટ્રલ હોલમાં મળેલી અંતિમ સભામાં આ ભવનનું નામ ‘સંવિધાન સદન’ કરવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો, જેને લોકસભા સ્પીકર અને રાજ્યસભા ચેરમેન બંનેએ સ્વીકારી લીધો છે. હવે સંસદનું જૂનું ગોળાકાર ભવન ‘સંવિધાન સદન’ તરીકે ઓળખાશે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આ ઘોષણા કરી હતી.
Old Parliament House renamed as Samvidhan Sadan: Lok Sabha Speaker Om Birla pic.twitter.com/ALPpIiRSJB
— DeshGujarat (@DeshGujarat) September 19, 2023
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂના સંસદ ભવનના અંતિમ સંયુક્ત સત્રને સંબોધિત કર્યું. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, “આજે આપણે બધા મળીને નવા સંસદ ભવનના શ્રી ગણેશ કરવા જઈ રહ્યા છીએ, આપણે અહીંથી વિકસિત ભારતનો સંકલ્પ દોહરાવવા, સંકલ્પબદ્ધ થવા અને તેને પરિપૂર્ણ કરવા માટે એકજૂટ થઈને નવા ભવન તરફ પ્રસ્થાન કરવા જઈ રહ્યા છીએ. પરંતુ આ જૂના ગૃહની ગરિમા ક્યારેય ઘટવી ન જોઈએ.” આ વિશેષ સત્રમાં પીએમ મોદીએ જૂના સંસદ ભવનને ‘સંવિધાન સદન’ નામ આપવામાં આવે તેવો વિચાર પણ રજૂ કર્યો હતો.
સાથે જ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, “આપણે હવે જ્યારે નવા સદનમાં જઈ રહ્યા છીએ ત્યારે આ જૂના ભવનની ગરિમા ક્યારેય ઓછી ન થવી જોઈએ, આને માત્ર જૂની પાર્લામેન્ટ કહીને છોડી દઈએ તેવું ન થવું જોઈએ. એટલા માટે મારી પ્રાર્થના છે કે ભવિષ્યમાં જો આપ બંને મહાનુભાવો (લોકસભા સ્પીકર અને રાજ્યસભા ચેરમેન) સહમતી આપો તો આને સંવિધાન સદનના રૂપમાં ઓળખવામાં આવે. કારણ કે ત્યારબાદ તે હંમેશા માટે આપણી જીવંત પ્રેરણા બની રહેશે. જ્યારે તેને સંવિધાન સદન કહીશું ત્યારે એ મહાપુરૂષોની યાદ આની સાથે જોડાઈ જશે જેઓ એક સમયે સંવિધાન સભામાં અહીં બેસતા હતા. એટલા માટે જ ભાવિ પેઢીને એક ભેટ આપવાનો મોકો આપણે જવા ન દેવો જોઈએ.”
#WATCH | Special Session of Parliament | PM Narendra Modi says, "I have a suggestion. Now, when we are going to the New Parliament, its (Old Parliament building) dignity should never go down. This should not be left just as the Old Parliament building. So, I urge that if you… pic.twitter.com/T8izb46MfO
— ANI (@ANI) September 19, 2023
પીએમ મોદીએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે, “આ ભવન અને તેમાં પણ આ સેન્ટ્રલ હોલ એક પ્રકારે આપણી ભાવનાઓથી ભરેલો છે. આ આપણને ભાવુક પણ કરે છે અને કર્તવ્ય માટે પ્રેરિત પણ કરે છે. સ્વતંત્રતા પહેલાં આ ભવન એક લાઈબ્રેરી તરીકે ઉપયોગમાં લેવાતો હતો. સ્વતંત્રતા બાદ અહીં સંવિધાન સભાની બેઠકો થઇ, જેમાં ગહન ચર્ચાઓ બાદ આપણા સંવિધાને અહીં જ આકાર લીધો. આ જગ્યા પર જ 1947માં અંગ્રેજોએ સત્તા હસ્તાંતરણ કરી. આ હોલ તે પ્રક્રિયાનો પણ સાક્ષી બન્યો.”
વડાપ્રધાન મોદીએ કયું કે, “આ જ સેન્ટ્રલ હોલમાં આપણા ત્રિરંગા, રાષ્ટ્રગાનને અપનાવવામાં આવ્યાં. સ્વતંત્રતા બાદ અનેક ઐતિહાસિક અવસરો આવ્યા જ્યારે બંને ગૃહે મળીને ભારતના ભાગ્યને ઘડવા માટે અહીં જ નિર્ણયો લીધા. 1952થી લગભગ 52 રાષ્ટ્રાધ્યક્ષો અને આપણા રાષ્ટ્રપતિ દ્વારા લગભગ 86 વાર અહીં આ ભવનમાં સંબોધન કરવામાં આવ્યું. બંને ગૃહે મળીને લગભગ 4000 કાયદાઓ પાસ કર્યા.” તેમણે ઉમેર્યું કે, “આ ભવનમાં ટ્રાન્સજેન્ડરોને પણ સદભાવના અને સન્માન સાથે નોકરી, શિક્ષા, સ્વાસ્થ્ય અને અન્ય સુવિધાઓ આપવા તરફ પગલા લેવામાં આવ્યા. આ જ ગૃહમાં અનુચ્છેદ-370થી મુક્તિ મેળવવા, ઉગ્રવાદ અને આતંકવાદ વિરુદ્ધ લડાઈ લડવાના મહત્વપૂર્ણ પગલાં લીધાં. આ કામમાં સાંસદો અને સંસદની બહુ મોટી ભૂમિકા છે.”
વિશેષ સત્રમાં બોલતાં વડાપ્રધાને તે પણ યાદ આપવ્યું કે આજે વિશ્વમાં ભારતનો યુવા કેવી રીતે આગળ વધી રહ્યો છે અને કેવી રીતે તે આખા વિશ્વ માટે આકર્ષણ તેમજ સ્વીકૃતિનું કેન્દ્ર બની રહ્યો છે. સાથે જ સંકલ્પ લીધો કે અમૃતકાળના 25 વર્ષોમાં ભારતને હવે મોટા કેનવાસ પર કાર્ય કરવું પડશે અને આત્મનિર્ભર ભારત બનાવવાના લક્ષ્યને સહુથી પહેલાં પરિપૂર્ણ કરવું પડશે.