ભારતનું નવું સંસદ ભવન બનીને તૈયાર થઈ ગયું છે. 19 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીના દિવસે નવા સંસદ ભવનના શ્રીગણેશ થવા જઈ રહ્યા છે. નવું સંસદ ભવન ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરાઓને ઉજાગર કરવામાં મહત્વનો ફાળો પૂરો પાડશે. તેવામાં એક નવા સમાચાર સામે આવી રહ્યા છે. 18 થી 22 સપ્ટેમ્બર સુધી બોલાવવામાં આવેલ વિશેષ સત્રમાં સંસદના તમામ કર્મચારીઓ નવા પોશાકમાં જોવા મળશે. આ દરમિયાન નવો ડ્રેસકોડ લાગુ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. સંસદના બંને બંને ગૃહોના અધિકારી નવા સંસદ ભવનમાં જતા સમયે નવા યુનિફોર્મમાં જોવા મળશે.
અહેવાલોના જણાવ્યા અનુસાર નવા સંસદ ભવનનું નિર્માણકાર્ય સંપન્ન થઈ ચૂક્યું છે. 19 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે નવા સંસદ ભવનની શુભ શરૂઆત કરવામાં આવશે. જ્યારે 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી સરકારે વિશેષ સત્ર પણ બોલાવ્યું છે. વિશેષ સત્રની શરૂઆત જૂના સંસદ ભવનમાં થશે જ્યારે તેનું સમાપન નવા સંસદ ભવનમાં થશે. તેવામાં હવે એ વાત સામે આવી રહી છે કે નવા સંસદ ભવનના તમામ કર્મચારીઓ નવા ડ્રેસકોડ સાથે જોવા મળશે. લોકસભાના અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું છે કે નવા ડ્રેસકોડમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની ઝલક જોવા મળશે.
સંસદના કર્મચારીઓ નવા પોશાકમાં
કાયદાકીય કાર્યોથી જોડાયેલા કર્મચારીઓને ક્રીમ રંગના જેકેટ, ગુલાબી કમળના પ્રિન્ટવાળા શર્ટ અને ખાખી પેન્ટ આપવામાં આવશે. બંને ગૃહોના કર્મચારીઓ માટે એકસમાન ડ્રેસ રાખવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે નવો યુનિફોર્મ તમામ 271 કર્મચારીઓને સોંપી દેવામાં આવ્યો છે, જેમાં ચેમ્બર અટેન્ડેન્ટ અને રિપોર્ટિંગ સેવા માટેના કર્મચારીઓ પણ સામેલ છે.
Employees of the Parliament will soon be seen in new uniforms for their respective departments, from the five-day special session of Parliament. The session begins on September 18: Sources pic.twitter.com/1X5oKC5ZgR
— ANI (@ANI) September 13, 2023
હાજર સંસદ સુરક્ષા સેવા (સંચાલન)ના સુરક્ષા અધિકારી લીલા રંગના સફારી સૂટની જગ્યાએ સેનાના યુનિફોર્મ જેવા પોશાકમાં નજરે પડશે.
સાથે એ પણ જાણવા મળી રહ્યું છે કે નવા ડ્રેસકોડમાં બંને ગૃહના માર્શલોના માથા પર મણિપુરી ટોપી પણ જોવા મળશે. તેમજ ટેબલ ઓફિસ, નોટિસ કાર્યાલય અને સંસદીય રિપોર્ટિંગ સેકશનના અધિકારીઓ માટે કમળની પ્રિન્ટવાળા શર્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મહિલા અધિકારીઓને નવી ડિઝાઇનની સાડીઓ આપવામાં આવશે.
અધ્યક્ષના આસન પાસે ઊભા રહેતા માર્શલના ડ્રેસકોડમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. નવા ડ્રેસકોડમાં માર્શલ સફારી સૂટની જગ્યાએ ક્રીમ કલરના કુર્તા અને પાયજામા પહેરશે અને તેમના માથા પર મણિપુરી ટોપી જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે નવા ડ્રેસકોડમાં લાગુ કરવામાં આવેલી પોશાક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેકનોલોજી (NIFT) દ્વારા તૈયાર કરવામાં આવી છે. વિશેષ સત્રમાં સંસદના તમામ કર્મચારીઓ નવા પારંપરિક પોશાકમાં જોવા મળશે જે ભારત અને ભારતીય પરંપરા માટે ગૌરવપૂર્ણ કહી શકાય.