મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા અને લાઉડસ્પીકર વિવાદ અંગેનો મુદ્દો ચર્ચામાં છે અને જેના કારણે રાજકારણ પણ થતું જોવા મળી રહ્યું છે. અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રવિ રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાનું એલાન કર્યા બાદ મામલાએ વેગ પકડ્યો હતો અને જે બાદ મુંબઈ પોલીસે રાણા દંપતીની ધરપકડ કરી લીધી હતી.
દરમ્યાન, વિવાદ વચ્ચે મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારમાં મંત્રી અને કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે હનુમાન ચાલીસાના પાઠ કરવાની માંગ કરતા હિંદુઓ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ચંદ્રપુરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, સીએમ ઉદ્ધવ ઠાકરે પાસેથી હનુમાન ચાલીસાના પાઠ કરવાની માંગ કરનારા ‘નીચ’ અને ‘હ*મી’ છે.
અહેવાલ અનુસાર, ચંદ્રપુરના બલ્લાર પુરમાં પાર્ટી દ્વારા આયોજિત સ્વાસ્થ્ય શિબિરમાં મંત્રી વિજય વડેટ્ટીવાર ભાગ લેવા માટે આવ્યા હતા. ભાષણ દરમિયાન તેમણે હાલ ચાલી રહેલા લાઉડસ્પીકર વિવાદ અને રાણા દંપતી દ્વારા સીએમ ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રીની સામે હનુમાન ચાલીસાના પાઠ કરવા માટે કરવામાં આવેલા એલાન અંગે ઉલ્લેખ કર્યો હતો.
કોંગી નેતાએ કહ્યું, “કેટલાક લોકોએ સીએમ ઠાકરેને કહ્યું છે કે તેઓ હનુમાન ચાલીસાનો પાઠ કરે નહીં તો તેઓ માતોશ્રીની સામે પાઠ કરશે. અરે તારા બાપનું શું જાય છે? તું છે કોણ હ*મી?” આટલું જ નહીં, કોંગ્રેસ નેતાએ કહ્યું, “અરે તારે જ્યાં બોલવું હોય ત્યાં બોલ, જ્યાં પાઠ કરવા હોય ત્યાં કર પરંતુ આવું કરવા માટે કહેવું ખોટું છે.” આગળ કહ્યું, “અરે તારા બાપનો નોકર છે કે શું? આવા નીચ, નાલાયક અને હ*મી લોકો ભાગલા પાડવા માટે હનુમાન ચાલીસાનો ઉપયોગ કરતા આવ્યા છે. તમને બધાને જ ખબર છે કે હિંદુઓમાં લગ્ન પહેલાં હનુમાનના આશીર્વાદ લેવાની પરંપરા છે. હવે આ લોકો આપણને હનુમાન ચાલીસાના પાઠ કરવા કહેશે.”
આ નિવેદનને ટ્વીટર પર શેર કરીને મહારાષ્ટ્ર ભાજપની પ્રદેશ ઉપાધ્યક્ષ ચિત્રા વાઘે પ્રશ્ન કર્યો કે હનુમાન ચાલીસાના જાપ કઈ રીતે દેશદ્રોહી ગણી શકાય? તેમણે લખ્યું, “અમે વિરોધ માટે કોઈના ઘરે પહોંચી જવાનો વિરોધ કરીએ છીએ પરંતુ હનુમાન ચાલીસાના પાઠ કરવા દેશદ્રોહ કઈ રીતે હોય શકે? મહિલાઓ માટે આ પ્રકારની ભાષા વાપરનારા મંત્રીની હું નિંદા કરું છું.”
कुणाच्या घरावर जाऊन आंदोलन करणे याला आमचा विरोधचं..पण हनुमान चालिसाचे पठण करणे हा हिंदूस्थानात देशद्रोह कसा काय होऊ शकतो
— Chitra Kishor Wagh (@ChitraKWagh) April 25, 2022
तसेच महिलांबद्दल अशी गलिच्छ भाषा वापरण्याऱ्या मंत्र्यांचा मी निषेध करते अशांचं जोपर्यंत महिला खेटरं पुजन करणार नाही तोपर्यंत यांचा मेंदू ठिकाण्यावर येणार नाही pic.twitter.com/WgiJ74MYKc
રાણા દંપતીને હાઈકોર્ટ તરફથી રાહત ન મળી
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરનાર રાણા દંપતીની શનિવારે ધરપકડ કરી લેવામાં આવી હતી. જે બાદ તેમણે બોમ્બે હાઈકોર્ટ સમક્ષ એફઆઈઆર રદ કરવા માટે અપીલ કરી હતી. જોકે, આજે બોમ્બે હાઈકોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરતા રાણા દંપતીની અરજી ફગાવી દીધી હતી.
વિવાદ મુદ્દે ચર્ચા કરવા સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી, ફડણવીસ, રાજ ઠાકરે હાજર ન રહ્યા
મહારાષ્ટ્રમાં ચાલતા વિવાદને લઈને ચર્ચા કરવા માટે આજે મહાવિકાસ આઘાડી સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. જોકે, આ ભાજપના દેવેન્દ્ર ફડણવીસ અને મનસેના રાજ ઠાકરે આ બેઠકથી દૂર રહ્યા હતા.
મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ પાટીલે લાઉડસ્પીકર વિવાદ મામલે ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. જોકે, વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ બેઠકમાં ભાગ લીધો ન હતો. બીજી તરફ, દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય સરકાર પર પ્રહાર કરતા સરકાર પર રાજકારણીઓને હેરાન કરવા માટે પોલીસતંત્રનો દુરુપયોગ કરવા માટેનો આરોપ લગાવ્યો હતો.