ભારતમાં G20 સમિટ 10 સપ્ટેમ્બરના રોજ સુવ્યવસ્થિત અને સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. દેશ-વિદેશથી આવેલા મહેમાનો અને વિશ્વનેતાઓ પોતાના દેશ જવા માટે રવાના થઈ ગયા છે. પરંતુ કેનેડાના PM જસ્ટિન ટ્રુડો પોતાના દેશમાં પરત જઈ શક્યા નથી. તેનું કારણ કોઈ દ્વિપક્ષીય બેઠક કે અન્ય કોઈ રાજકીય સમારોહ નથી. કેનેડાના PMનું ભારત રહેવા માટેનું કારણ છે તેમનું વિમાન. કેનેડા વાપસીના થોડા સમય પહેલા જ તેમના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જે હજુ સુધી ઠીક થઈ શકી નથી. એટલું જ નહીં પણ PM ટ્રુડોને લેવા માટે કેનેડાથી વૈકલ્પિક પ્લેન પણ આવી રહ્યું હતું જે સોમવારે (11 સપ્ટેમ્બરે) દિલ્હી પહોંચવાનું હતું એ હજુ સુધી પહોંચી શક્યું નથી. તેવામાં PM ટ્રુડોની ચિંતામાં વધારો થવો સ્વાભાવિક છે.
This is getting bizarre. The Canadian backup aircraft has reportedly been diverted to London. PM Justin Trudeau likely has to stay in Delhi for THIRD unscheduled night tonight. All due courtesies & protocol being extended by GOI, as is proper. https://t.co/eUk1uxh4c9
— Shiv Aroor (@ShivAroor) September 12, 2023
કેનેડાના PM જસ્ટિન ટ્રુડોની મુસીબત ઓછી થવાનું નામ નથી લઈ રહી. G20 સમિટના પૂર્ણ થયા બાદ PM ટ્રુડો કેનેડા પરત ફરવાના હતા પણ તેમના વિમાનમાં કોઈ ખામી સર્જાતાં તે જઈ શક્યા નહોતા. એ ઉપરાંત કેનેડાથી એરફોર્સનું વિમાન CC-150 પોલારિસને દિલ્હી મોકલવા માટે રવાના કરાયું હતું. પરંતુ કેનેડાથી આવનારા આ વિમાનને લંડન ડાયવર્ડ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે કેનેડાથી આવતું વિમાન રોમ થઈને આવે છે. પણ આ આ વિમાન લંડન થઈને આવી રહ્યું છે. આવું શા માટે કરાયું તેનું કોઈ કારણ જણાવવામાં આવ્યું નથી. પણ PM ટ્રુડોની સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
છેલ્લા 48 કલાકથી તેઓ ભારતમાં કોઈ કારણ વગર ફસાઈ રહ્યા છે! કેનેડાની મીડિયા અનુસાર મંગળવારે (12 સપ્ટેમ્બરે) સવારે વિમાન લંડનથી રવાના થશે અને પછી દિલ્હી લેન્ડ કરશે. એવામાં સ્પષ્ટ છે કેનેડાના PM ટ્રુડોને 12 સપ્ટેમ્બરના રોજ પણ ભારતમાં રાત્રિ રોકાણ કરવું પડશે. PM ટ્રુડોની ભારતમાં આ ત્રીજી રાત્રિ હશે.
કેનેડામાં PM ટ્રુડોની થઈ આલોચના
કેનેડાના PM ટ્રુડોના 36 વર્ષ જૂના પ્લેનમાં ખામી સર્જાતાં તેને દિલ્હી રાખવામાં આવ્યું છે. પ્લેનના ખરાબ થઈ ગયેલા પાર્ટસને બદલવા માટે એક સ્પેશ્યલ ટેક્નિશિયન મોકલવામાં આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે જો આ વિમાન ઠીક થઈ જશે તો તે જ વિમાનમાં PM ટ્રુડોની કેનેડા વાપસી થશે. આ ઘટનાને લઈને કેનેડાની મીડિયામાં PM જસ્ટિન ટ્રુડોની ખૂબ આલોચના થઈ છે. આ સાથે કેનેડાની મીડિયાએ સરકારની રણનીતિ પર પણ સવાલો ઉઠાવ્યા છે. જસ્ટિન ટ્રુડોનું આ પ્લેન 36 વર્ષ જૂનું હોવાથી ખરાબ થઈ રહ્યું છે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે.
PM ટ્રુડોના વિમાનમાં ખામી સર્જાવાની આ પહેલી ઘટના નથી. 2016માં પણ તેમનું વિમાન ખરાબ થયું હતું. ફ્લાઇટને ટેક ઑફની 30 મિનિટ બાદ ઓટાવા જવું પડ્યું હતું. આ ઘટના ત્યારે બની હતી જ્યારે તેઓ બેલ્જિયમની મુલાકાતે જઈ રહ્યા હતા. એટલું જ નહીં 2019માં નાટો સમિટ દરમિયાન પણ આવું જ થયું હતું. કેનેડાના વિપક્ષી પાર્ટી કંજરવેટિવ પાર્ટીના નેતા પિયરેએ કહ્યું કે હવે PM ટ્રુડોને ખ્યાલ આવ્યો હશે કે વિમાન ખરાબ થવાથી અને ફ્લાઇટ લેટ થવાથી શું થાય છે. આ એવું જ થયું જેવુ તેમણે કેનેડાના લોકો માટે એયરપોર્ટના સંચાલનમાં કર્યું છે.