G20 સમિટમાં ભાગ લેવા માટે ભારત આવેલા અમેરિકી રાષ્ટ્રપતિ જૉ બાયડન સાથે PM નરેન્દ્ર મોદીની એક બેઠક યોજાઈ હતી. G20 સમિટ પહેલાં યોજાયેલી આ દ્વિપક્ષીય બેઠકમાં PM મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જૉ બાયડન વચ્ચે 52 મિનિટ વાતચીત થઈ હતી. બાયડન એરપોર્ટથી સીધા વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા હતા. PM મોદીના નિવાસસ્થાને જ બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. આ મુલાકાત દરમિયાન ભારત-અમેરિકાની ભાગીદારી વધારવી, AI ટેકનોલોજી દ્વારા સહયોગ, સ્પેસને લગતી ચર્ચાઓ, ટેક્નોલોજી સહિતના અન્ય મુદ્દાઓ પર વાતચીત થઈ હતી.
આ બેઠક 8 સપ્ટેમ્બરના રોજ PM મોદીના નિવાસસ્થાન પર યોજવામાં આવી હતી. PM મોદી અને જૉ બાયડનની મુલાકત બાદ એક સંયુક્ત નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું હતું. સંયુક્ત નિવેદનમાં ભારત-અમેરિકાની ભાગીદારીમાં વધારો કરવાની વાત થઈ હતી. સાથે જ અમેરિકા UNSCમાં ભારતના સ્થાયી સદસ્યતાના પક્ષમાં પણ જોવા મળ્યું હતું. આ દરમિયાન બાયડને G20ની અધ્યક્ષતાને લઈને ભારતની ભરપૂર પ્રશંસા પણ કરી હતી. એ સિવાય ચંદ્રયાન-3ની સફળતા માટે પણ ભારતને અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે PM મોદીએ બાયડનને ક્વોડ સંમેલન-2024 માટે આમંત્રણ પણ આપ્યું હતું.
આ ઉપરાંત સંયુક્ત નિવેદનમાં કહેવાયું હતું કે, બંને દેશના નેતાઓએ સ્વતંત્રતા, લોકતંત્ર, માનવાધિકાર, સમાવેશન તથા નાગરિકોને માટે સમાન તકને લઈને મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી.
મુલાકાતમાં મુખ્ય મુદ્દાઓ પર થઈ ચર્ચા
રાષ્ટ્રપતિ જૉ બાયડન અને PM મોદી વચ્ચે થયેલી મુલાકાતને લઈને અમેરિકાએ ભારતમાં આવનાર 5 વર્ષમાં 400 મિલિયન અમેરિકી ડોલરનું રોકાણ કરવાની ઘોષણા પણ કરી હતી. એ સિવાય AI ટેક્નોલોજીને લઈને પણ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી મુલાકાત દરમિયાન સ્પેસ અને AI વિસ્તારમાં સહયોગના માધ્યમથી ભારત-અમેરિકાની સુરક્ષા ભાગીદારીને વધારવાની અને તેને વિવિધતાપૂર્ણ બનાવવાની પ્રતિબદ્ધતાને લઈને મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. PM મોદી અને જૉ બાયડને બંને દેશો વચ્ચે રણનીતિક ભાગીદારીને વધારવામાં ટેકનોલોજીની નિર્ણાયક ભૂમિકાને લઈને ચર્ચા થઈ હતી. સાથે જ બંને નેતાઓએ ખુલ્લી, સુલભ, સુરક્ષિત અને લચીલી ટેકનોલોજી માટે એવું ઇકોસિસ્ટમ બનાવવાની વાત કરી કે જેમાં બંને દેશો વચ્ચે ટેકનોલોજીનું સરળ આદાન-પ્રદાન થઈ શકે. આ સિવાય પણ અન્ય ઘણા મુદ્દાઓ પર બંને દેશોની સંયુક્ત ભાગીદારી પર ચર્ચા કરવામાં આવી હતી.
Happy to have welcomed @POTUS @JoeBiden to 7, Lok Kalyan Marg. Our meeting was very productive. We were able to discuss numerous topics which will further economic and people-to-people linkages between India and USA. The friendship between our nations will continue to play a… pic.twitter.com/Yg1tz9kGwQ
— Narendra Modi (@narendramodi) September 8, 2023
PM મોદીએ આ મુલાકાતને લઈને X પર પોસ્ટ કરી કહ્યું હતું કે, “રાષ્ટ્રપતિ બાયડનનું સ્વાગત કરીને ખૂબ ખુશ છું. અમારી મિટિંગ સાર્થક રહી. અમે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી, ભારત- અમેરિકાના સંબંધો કઈ રીતે મજબૂત બને, તેના પર વાતચીત થઈ, દુનિયાની ખુશી માટે ભારત અને અમેરિકાની મિત્રતા હંમેશા રહે.”