જ્યારથી સરકારે વિશેષ સત્ર બોલાવવાનું નક્કી કર્યું છે ત્યારથી દેશભરમાં નવી-નવી અટકળો ચાલી રહી છે. તેવામાં 5 સપ્ટેમ્બર 2023ના રોજ ભારતના રાષ્ટ્રપતિની એક પત્રિકા પણ વાયરલ થઈ હતી જેમાં ‘પ્રેસિડન્ટ ઑફ ભારત’ લખેલું જોવા મળ્યું હતું. જેને લઈને અટકળો વધુ જોર પકડી રહી છે. દેશભરમાં એવી ચર્ચાઓ થઈ રહી છે કે વિશેષ સત્ર દરમિયાન કદાચ ઈન્ડિયા નામની જગ્યાએ ભારત નામ દેશનું ઓફિશિયલ નામ ઘોષિત થઈ શકે છે. આ બધી અટકળોની વચ્ચે હવે PM નરેન્દ્ર મોદીની પણ એક પત્રિકા સામે આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે ‘પ્રાઈમ મિનિસ્ટર ઑફ ભારત’, આ પત્રિકાને લઈને પણ દેશભરમાં ચર્ચા જોર પકડી રહી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6-7 સપ્ટેમ્બરના રોજ ઈન્ડોનેશિયાની મુલાકાત લઈ રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ PM મોદીની મુલાકાતની એક પત્રિકા X પર જાહેર કરી છે. PM મોદીની ઈન્ડોનેશિયા મુલાકાતના સમારોહ પત્રમાં તેમને ‘ભારતના વડાપ્રધાન’ના રૂપે સંબોધિત કરાયા છે. એ સિવાય પણ G20 શિખર સંમેલન દરમિયાન ભારતીય અધિકારીઓના ઓળખ પત્રમાં પણ હવે ઈન્ડિયન અધિકારીની જગ્યાએ ‘ભારત અધિકારી’ લખેલું જોવા મળશે. આ બધી અટકળોને લઈને લોકોમાં કુતૂહલ પેદા થયો છે કે આખરે વિશેષ સત્રમાં થશે શું?
‘The Prime Minister Of Bharat’ pic.twitter.com/lHozUHSoC4
— Sambit Patra (@sambitswaraj) September 5, 2023
નોંધનીય છે કે PM નરેન્દ્ર મોદી 6 સપ્ટેમ્બર 2023ના રોજ 20માં આસિયાન ભારત શિખર સંમેલન અને 18માં પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ઈન્ડોનેશિયા જઈ રહ્યા છે. આ દરમિયાન PM નરેન્દ્ર મોદીની ઈન્ડોનેશિયા મુલાકાતની એક પત્રિકા વાયરલ થઈ છે જેમાં ‘પ્રાઈમ મિનિસ્ટર ઑફ ઈન્ડિયા’ની જગ્યાએ ‘પ્રાઈમ મિનિસ્ટર ઑફ ભારત’ લખવામાં આવ્યું છે. આ પત્રિકા ઝડપથી વાયરલ થઈ રહી છે.
5 સપ્ટેમ્બરે વધી હતી અટકળો
ઉલ્લેખનીય છે કે 5 સપ્ટેમ્બર 2023ના રોજ G20 સમિટ 2023 ડિનર ઇન્વાઇટનો એક ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ફરતો થયો હતો જેમાં આ આમંત્રણ ઇન્ડિયાના રાષ્ટ્રપતિ દ્વારા નહીં પરંતુ ‘ભારતના રાષ્ટ્રપતિ’ દ્વારા આપવામાં આવ્યું છે તેવું કહેવાયું હતું. એવું પહેલીવાર બન્યું હતું કે જ્યારે ઇન્ડિયાને બદલે ‘ભારત’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હોય અને આનાથી રાષ્ટ્રના નામ બદલવા પર મોટો પ્રશ્ન ઊભો થયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રથમ વખત કોઈ સત્તાવાર કાર્યક્રમ માટે ઇન્ડિયાનું નામ બદલવામાં આવ્યું હતું. G20 સમિટ 2023 ડિનર ઇન્વાઇટનો ફોટો પત્રકાર રાજદીપ સરદેસાઇ સહિત ઘણા લોકોએ શેર કર્યો હતો.
ટાઈમ્સ નાઉના અહેવાલ બાદ આ સમગ્ર ચર્ચાએ જોર પકડ્યું હતું. મીડિયા ચેનલે પોતાના X એકાઉન્ટ પોસ્ટ કરીને પોતાના સૂત્રોને ટાંકીને લખ્યું હતું કે, “ઇન્ડિયાનું નામ બદલીને ‘ભારત’ રાખવામાં આવે તેવી શક્યતા છે.” એ દરમિયાન આ સમગ્ર ચર્ચાને વધુ જોર ત્યારે મળ્યું જ્યારે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ પોતાની X પ્રોફાઈલ પર આ બાબતે પોસ્ટ કરી હતી. જેમાં તેઓએ લખ્યું હતું કે, “પ્રજાસત્તાક ભારત (REPUBLIC OF BHARAT) – આનંદ અને ગર્વ છે કે આપણી સભ્યતા અમૃત કાલ તરફ હિંમતભેર આગળ વધી રહી છે.”