ઉત્તર પ્રદેશના બરેલીમાં એક આશ્ચર્યજનક ઘટના બની હતી. જેમાં એક મુસ્લિમ યુવકના કપાળે અન્ય મુસ્લિમ વ્યક્તિએ જ અણીદાર વસ્તુથી જય ભોલેનાથ લખી નાખ્યું હતું. આ ઘટનામાં જેના માથે ભગવાન શંકરનું નામ લખવામાં આવ્યું તે દાનિશ ઉર્ફે બાબુ માનસિક રીતે વિકલાંગ છે. બીજી તરફ આ કારસ્તાન કરનાર આરોપીનું નામ શાદાબ ઉર્ફે શોભી છે અને તે વીજળી વિભાગમાં કામ કરે છે. તેણે દાનિશના કપાળે ‘જય ભોલેનાથ’ લખવા માટે અણીવાળી વસ્તુનો ઉપયોગ કર્યો હતો. જે બાદ માનસિક વિકલાંગ યુવકના પરિવારે ફરિયાદ કરતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ ઘટના ગત 3 સપ્ટેમ્બર એટલે કે રવિવારની છે. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના બરેલીમાં આવેલા પ્રેમનગર પોલીસ સ્ટેશનના હદમાં આવતા શાહબાદ મહોલ્લાની છે. અહીં દાનિશ તેના પરિવાર સાથે જે મકાનમાં રહે છે તે આરોપીનું જ છે. આરોપી મોહમ્મદ શાદાબ વીજળી વિભાગનો અસ્થાઈ કર્મચારી છે. ભોગ બનનાર દાનિશ માનસિક વિકલાંગ છે, તેના પરિવારનો આરોપ છે કે રવિવારે શાદાબે કોઈ અણીવાળી વસ્તુથી દાનિશના માથે ‘જય ભોલેનાથ’ લખી નાંખ્યું હતું. ત્યારબાદ દાનિશના પરિજનોએ હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.
દાનિશના પરિવારનો આરોપ છે કે આરોપી શાદાબે યુવકની દયનીય પરિસ્થિતિ અને ગરીબીની ઠેકડી ઉડાવી છે. તો બીજી તરફ જાણ થતાં જ આસપાસના લોકો શાદાબના ઘરે ઘેરો ઘાલ્યો હતો. આ ઉપરાંત ટોળાએ નજીકના ચાર રસ્તા પર પણ હોબાળો મચાવ્યો અને આરોપી પર કાર્યવાહીની માંગ કરી હતી. આ હોબાળો કરનારા લોકોમાં કેટલીક મહિલાઓ પણ હતી, જેમાંથી કેટલીક દાનિશની પરિચિત હતી. કહેવામાં આવી રહ્યું છે કે માનસિક વિકલાંગ દાનિશની અમ્મી આરોપીના ઘરમાં વાસણ-કચરો-પોતાં કરવાનું કામ કરે છે.
આરોપ છે કે આરોપી શાદાબની અમ્મીએ આ આખી ઘટનાને સામાન્ય મજાક કહી હતી, જે વાત પર દાનિશનો પરિવાર ઉકળી ઉઠ્યો હતો. આટલું જ નહીં, લોકોએ વધુ હોબાળો કરતા આરોપીના પરિવારે તે તમામને “જાઓ, થાય તે કરી લો” કહ્યું હતું. દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં શાદાબ પર ધાર્મિક ભાવનાઓએ ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હાલ બરેલી પોલીસે આરોપી શાદાબની ધરપકડ કરી તેની પૂછપરછ કરી રહી છે.