Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસત્તા ડૂબી રહી હોવાના સમયે ઉદ્ધવ ઠાકરેએ ભાવુક થઈને આખરી દાવ...

    સત્તા ડૂબી રહી હોવાના સમયે ઉદ્ધવ ઠાકરેએ ભાવુક થઈને આખરી દાવ ખેલી જોયો, કહ્યું- હું રાજીનામું આપવા તૈયાર, પણ સામે આવીને કહો

    ઉદ્ધવ ઠાકરેએ આજે ફેસબુક પર લાઈવ આવીને છેલ્લો પાસો ફેંક્યો હતો. તેમણે ભાવુક પ્રવચન કરીને જેમને પણ તેમની સાથે કે તેમની કાર્યશૈલી સાથે વાંધો છે તે સામે આવીને વાત કરે તેમ કહ્યું હતું.

    - Advertisement -

    મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે ફેસબુક લાઈવના માધ્યમથી મહારાષ્ટ્રની જનતા સમક્ષ આવ્યા હતા. તેમણે મહારાષ્ટ્રમાં ચાલતા હાલના ઘટનાક્રમ અંગે વાત કરી હતી અને કહ્યું કે જો કોઈ બળવાખોર ધારાસભ્ય સામે આવીને કહેશે તો તેઓ રાજીનામું આપવા પણ તૈયાર છે. આ ઉપરાંત, તેમણે ભાવુક વાતો કરીને એક આખરી દાવ ખેલી જોયો હતો. 

    તેમણે કહ્યું કે, જો મારી પાર્ટીના નેતાઓને લાગતું હોય કે હું પદ માટે યોગ્ય નથી તેઓ આવીને મારી સામે કહે. હું રાજીનામું આપવા તૈયાર છું અને પત્ર પણ તૈયાર રાખ્યો છે. મારા માટે સીએમ પદ છોડવું સહેલું છે, હું કોઈપણ પડકાર માટે તૈયાર છું. મારી સામેના તમામ આરોપોના જવાબ આપવા તૈયાર છું. 

    ઉદ્ધવ ઠાકરે શિવસેના અને હિંદુત્વ મુદ્દે પણ વાત કરતા કહે છે કે, શિવસેના અને હિંદુત્વ એક જ છે અને શિવસેના હિંદુત્વ છોડી જ ન શકે કારણ કે હિંદુત્વ એ શિવસેનાનો શ્વાસ છે. આ ઉપરાંત તેમની બીમારી અંગે પણ વાતો કરી હતી. 

    - Advertisement -

    બીજી તરફ, પોતાની સાથે 30 થી વધુ ધારાસભ્યોને લઈને ઉપડી ગયેલા શિવસેના નેતા એકનાથ શિંદે ગઈકાલે મોડી રાત્રે ધારાસભ્યોને લઈને સુરતથી આસામના ગુવાહાટી પહોંચ્યા હતા. જેઓ આજે સાંજે સાત વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે તેવી જાણકારી મળી રહી છે.

    કેબિનેટ બેઠક બાદ શિવસેનાએ તમામ ધારાસભ્યોને વ્હિપ જારી કરીને સાંજે પાંચ વાગ્યે મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠકમાં હાજર રહેવા માટે જણાવ્યું  હતું. સાથે જણાવવામાં આવ્યું હતું કે જો તેઓ નહીં આવે તો એવું માનવામાં આવશે કે તેઓ પાર્ટી છોડવા માંગે છે. શિવસેના તરફથી ચીફ વ્હીપ સુનિલ પ્રભુએ આ આદેશ જારી કર્યો હતો. 

    જોકે, બીજી તરફ બળવાખોર નેતા એકનાથ શિંદેએ શિવસેના દ્વારા જારી કરવામાં આવેલ વ્હીપને ગેરલાયક ઠેરવીને પોતાના સમર્થક ધારાસભ્ય ભરત ઘોઘાવાલેને ચીફ વ્હીપ નીમ્યા હતા. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, “શિવસેના ધારાસભ્ય ભરત ઘોઘાવાલેને પાર્ટીના ચીફ વ્હીપ નીમવામાં આવે છે. તેથી આજની ધારાસભ્યોની બેઠક મામલે સુનિલ પ્રભુ દ્વારા કરવામાં આવેલ આદેશ ગેરલાયક ઠરે છે.”

    મીડિયા સાથેની વાતચીતમાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે, તેમની પાસે શિવસેના અને અપક્ષ ધારાસભ્યો મળીને કુલ 46 ધારાસભ્યોનું સમર્થન છે. સમય જતાં આ આંકડો વધી શકે તેમ પણ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, “હજુ સુધી ભાજપ તરફથી અમને કોઈ પ્રસ્તાવ આપવામાં આવ્યો નથી, કે અમે તેમની સાથે કોઈ વાતચીત કરી રહ્યા નથી.”

    એકનાથ શિંદેએ કહ્યું કે, “જ્યાં સુધી વર્તમાન રાજકીય પરિસ્થિતિનો સવાલ છે, અમે બાળાસાહેબના શિવસૈનિકો છીએ અને રહીશું. હાલની સ્થિતિએ શિવસેના કે મુખ્યમંત્રી સાથે અમારી કોઈ પણ વાતચીત ચાલી રહી નથી. આગળ શું કરવું તે પણ હજુ નક્કી કરવામાં આવ્યું નથી.”

    એકનાથ શિંદેના સમર્થક ધારાસભ્યોએ મહારાષ્ટ્રના રાજ્યપાલ અને વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને પત્ર લખીને લખીને કહ્યું છે કે એકનાથ શિંદેને 2019 માં ધારાસભ્ય દળના નેતા નીમવામાં આવ્યા હતા, જેઓ હજુ પણ યથાવત રહેશે. આ પ્રસ્તાવ ઉપર 34 ધારાસભ્યોએ હસ્તાક્ષર કર્યા છે.

    પત્રમાં શિવસેના ધારાસભ્યોએ કહ્યું કે, “પાર્ટીના સ્થાપક બાળાસાહેબની સંકલ્પના હતી કે હિંદુત્વના સિદ્ધાંતો સાથે સમાધાન કર્યા વગર મહારાષ્ટ્રના લોકોને સ્વચ્છ છબી ધરાવતી અને પ્રમાણિક સરકાર આપવામાં આવે. જે વિરોધી વિચારધારા ધરાવતી પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું તે જ દિવસે તૂટી ગઈ હતી. તેમજ તેમણે એનસીપી અને કોંગ્રેસની કાર્યપધ્ધતિ પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને અનિલ દેશમુખ, નવાબ મલિક વગેરે નેતાઓના કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે તેનાથી પાર્ટી અને સરકારની છબીને ખૂબ નુકસાન પહોંચ્યું છે. 

    રવિવારે વિધાન પરિષદની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પાંચેય ઉમેદવારોની જીત બાદ રવિવારે એકનાથ શિંદે પોતાની સાથે ધારાસભ્યોને લઈને સુરત પહોંચતા મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું હતું. જે બાદ ગઈકાલે ધારાસભ્યોને સુરતથી ગુવાહાટી લઇ જવામાં આવ્યા હતા. જે બાદ એકનાથ શિંદે સમર્થક ધારાસભ્યોનો આંકડો સતત વધી રહ્યો છે, બીજી તરફ મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે શિવસેના સંકટમાં મૂકાયાં છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં