સાળંગપુર મંદિરનો વિવાદ શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. હવે હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ ચીતરવા બદલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સામે કાર્યવાહીની માંગ સાથે સિહોર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે. આ અરજી સનાતન ધર્મ સેવા સમિતિના સભ્યો દ્વારા આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે સંગઠનના સભ્યોએ જ્યારે આ વિવાદ બાબતે મંદિરના નિલકંઠ ભગત તેમજ અન્ય સંતોની મુલાકાત કરી ત્યારે પણ તેમણે હનુમાનજી અને ભગવાન શિવ વિશે વિવાદિત ટીપ્પણી આપી હતી. જે બાદ સાળંગપુર મંદિરનો વિવાદ વધુ વકર્યો હતો અને હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ બતાવવા બદલ સંપ્રદાય વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી.
સનાતન ધર્મ સેવા સમિતિના સભ્યો દ્વારા સિહોર પોલીસ સ્ટેશનમાં કાર્યવાહીની માંગ સાથે અરજી આપવામાં આવી છે. આ મામલે સંગઠને જણાવ્યું હતું કે, સાળંગપુર ખાતે બનાવવામાં આવેલી હનુમાનજીની વિરાટ પ્રતિમા નીચે લગાવવામાં આવેલી પેટા પ્રતિમાઓમાં ભગવાન હનુમાનજી મહારાજને સહજાનંદ સ્વામી ઉર્ફે નીલકંઠવર્ણીના (સહજાનંદ સ્વામીનું બાળસ્વરૂપ) દાસના સ્વરૂપમાં ચીતરવામાં આવ્યા હતા.
આ તક્તીઓના ફોટા વાયરલ થઇ જતાં સંગઠન અને સનાતન ધર્મની લાગણી દુભાતાં આ મામલે ખુલાસો માંગવા તેમણે સાળંગપુર મંદિરના સ્વામી નિલકંઠ ભગત અને સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય કેટલાક સાધુઓની મુલાકાત કરી હતી. જોકે, રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર આ મુલાકાત દરમિયાન પણ આ વિવાદ વિશે પ્રશ્ન પૂછતાં સંતોએ જણાવ્યું હતું કે, “ભગવાન સહજાનંદ સ્વામીની સેવામાં મહાદેવ અને મહાબલી હનુમાનજી 24 કલાક ખડેપગે હાજર રહેતા હતા.” આ સાંભળી સનાતન ધર્મ સેવા સમિતિના સભ્યો પણ ચોંકી ઉઠ્યા હતા અને તેમણે સિહોર પોલીસ સ્ટેશન ખાતે અરજી આપીને આ પ્રકારના નિવેદનો આપનાર સાળંગપુર મંદિરના નિલકંઠ ભગત અને હાજર અન્ય સેવકો વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.
નોંધનીય છે કે સંગઠને અરજીમાં તેમ પણ કહ્યું છે કે, જે મુજબ હનુમાનજી મહારાજનું અપમાન કરવામાં આવ્યું છે અને તેમને સહજાનંદના દાસ બતાવવામાં આવ્યા છે તે યોગ્ય નથી. શાસ્ત્રો, પુરાણો કે ઉપનિષદોમાં આ પ્રકારના કોઈ પણ પુરાવા નથી. હનુમાનજીના આ પ્રકારના ચિત્રણથી સનાતન સંસ્કૃતિમાં માનનારા લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે. આ સાથે જ સંગઠને જવાબદાર વ્યક્તિઓ, સંતો અને તાજેતરમાં નિવેદન આપનાર સંત અને તેમના સહયોગી વિરુદ્ધ ફરિયાદ આપી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.
શું છે આખો વિવાદ?
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં સોશિયલ મીડિયામાં સાળંગપુર મંદિર સ્થિત હનુમાનજીની વિરાટ પ્રતિમા નીચે લાગેલા કેટલાક ભીંતચિત્રોના ફોટા વાયરલ થયા હતા. વાયરલ થયેલા તે ફોટામાં ભગવાન હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું હતું. આ સિવાય અન્ય એક ભીંતચિત્રમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) એક આસન પર બેઠા નજરે પડે છે, જ્યારે હનુમાનજી નીચે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં બેઠા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે.
નોંધનીય છે કે હનુમાનજી સનાતન આસ્થામાં અગત્યનું સ્થાન ધરાવે છે. ધર્મની માન્યતાઓ અનુસાર, 7 ચિરંજીવીઓમાં હનુમાનજીનો પણ સમાવેશ થાય છે. હનુમાનજીને ભગવાન શંકરનો અંશાવતાર પણ માનવામાં આવે છે. સાથે જ તેઓ ભગવાન રામના અનન્ય ભક્ત પણ છે. તો બીજી તરફ સહજાનંદ સ્વામીનો જન્મ ઈ.સ 1781માં થયો હતો જ્યારે તેમનો દેહાંત 1830માં થયો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના સહજાનંદ સ્વામીએ કરી હતી, જેમને સ્વામિનારાયણ ભગવાન તરીકે પણ ઓળખવામાં આવે છે. જોકે, અમુક વર્ષો પછી સંપ્રદાયમાં ફાંટા પડી ગયા હતા અને BAPS, વડતાલ, સોંખડા જેવી સંસ્થાઓ અસ્તિત્વમાં આવી હતી. હાલ જે વિવાદમાં આવી છે એ વડતાલ સ્થિત સંસ્થા છે.