હરિયાણાના નૂંહમાં અધૂરી રહી ગયેલી શોભાયાત્રા પૂર્ણ કરવાના હિંદુ સંગઠનોના એલાન બાદ હવે વિશ્વ હિંદુ પરિષદે તેને પ્રતીકાત્મક રીતે પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો છે. નૂંહથી અમુક કિલોમીટર દૂર પાટનગર દિલ્હીમાં આ અઠવાડિયે યોજાનાર G20 સમિટ માટે તૈયારીઓ ચાલી રહી છે અને સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી રહી છે ત્યારે પરિસ્થિતિ જોતાં હિંદુ સંગઠનોએ આ નિર્ણય કર્યો હતો.
મીડિયા સાથે વાત કરતાં VHP પ્રવક્તા વિનોદ બંસલે નૂંહમાં આયોજિત વ્રજમંડળ શોભાયાત્રા પ્રતીકાત્મક રાખવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, “અમારા નેતા નલ્હડ મંદિર પહોંચી રહ્યા છે, તેઓ ત્યાં જળાભિષેક કરશે. હિંદુ સમુદાયના અન્ય પ્રતિનિધિઓ પણ તેમની સાથે રહેશે. અડચણોને ધ્યાનમાં રાખતાં સરકાર દ્વારા થતી G20ની તૈયારીઓ વચ્ચે અમે યાત્રાને પ્રતીકાત્મક તરીકે પૂર્ણ કરવા માટેનો નિર્ણય કર્યો છે.”
#BREAKING | VHP leader Vinod Bansal speaks on VHP's Nuh Yatra: "Our leader (Alok Kumar) is about to reach Nalhar Mandir and he will perform 'Jal Abhishek' there. Representatives from the Hindu community will accompany him… Keeping in mind the difficulties of Govt and G20… pic.twitter.com/bkNfm1qNcW
— Republic (@republic) August 28, 2023
નૂંહમાં હાલ બિલકુલ શાંતિ છે. પોલીસતંત્ર ખડેપગે છે અને ઠેરઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હરિયાણા રાજ્ય સરકારે સુરક્ષાનું કારણ આપીને આ યાત્રાને પરવાનગી આપી ન હતી. સીએમ મનોહરલાલ ખટ્ટરે કહ્યું હતું કે, યાત્રામાં જોડાવાની જગ્યાએ લોકો પોતાનાં વિસ્તારમાં સ્થિત મંદિરોમાં જઈને જળાભિષેક કરી શકે છે. તેમણે કાયદો-વ્યવસ્થાની જાળવણી કરવી એ રાજ્ય સરકારની જવાબદારી ગણાવી હતી.
હરિયાણાનાં ADG- લૉ એન્ડ ઓર્ડર મમતા સિંહે મીડિયાને જણાવ્યું હતું કે, “માહોલ બિલકુલ ઠીક અને શાંતિપૂર્ણ છે. બહારથી કોઈ આવીને માહોલ ખરાબ ન કરે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, ઠેરઠેર પોલીસબળ તહેનાત છે, નાકાબંધી કરવામાં આવી રહી છે, ચેકિંગ પણ ચાલી રહ્યું છે. આજ રાત સુધી ઇન્ટરનેટ બંધ રહેશે તેમજ ધારા 144 લાગુ કરવામાં આવી છે. અમને તમામ સમુદાયોનો પણ સહયોગ મળી રહ્યો છે.”
#WATCH | Nuh: Haryana Mamata Singh, ADG, Law & Order says, "The situation is normal in the area. Force deployment has been done in the area to maintain a peaceful environment…The Internet services have been suspended in the area…We will remove all restrictions once everything… pic.twitter.com/U63my1YshD
— ANI (@ANI) August 28, 2023
યાત્રા અને જળાભિષેકને લઈને તેમણે કહ્યું હતું કે, “જળાભિષેક માટે કોઈ વિશેષ પરવાનગીની જરૂર નથી અને એ નિયમિત રીતે દર સોમવારે થાય જ છે. નલ્હડ મંદિરે પણ જેમ દર સોમવારે થાય છે તેમ આજે પણ કરવામાં આવી રહ્યો છે. અમે સુરક્ષા વ્યવસ્થા પણ જળવાય રહે અને લોકોની ધાર્મિક ભાવનાને પણ ઠેસ ન પહોંચે તે રીતે જળાભિષેક કરાવી રહ્યા છીએ. પરંતુ બહારથી લોકો ન આવે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને માત્ર સ્થાનિકો જ તેમાં ભાગ લે તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે.”