સર્વ હિંદુ સમાજ દ્વારા (ઉત્તરના) શ્રાવણના અંતિમ સોમવારે (28 ઓગસ્ટ, 2023) રોજ નૂંહમાં વ્રજમંડલ યાત્રા પૂર્ણ કરવાની ઘોષણા બાદ હરિયાણામાં પોલીસ પ્રશાસન સક્રિય થઈ ગયું છે. આ યાત્રા નૂંહ સ્થિત નલ્હડ મંદિર તરફ જવાની છે. એવામાં તંત્રે કલમ 144 લાગુ કરી દીધી છે. તેમજ સરહદો સીલ કરવામાં આવી રહી છે. મોબાઈલ ઈન્ટરનેટ અને SMS સેવા પણ 28 ઓગસ્ટ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. જોકે, સરકારે આ ધાર્મિક યાત્રા માટેની પરવાનગી આપી નથી. ધાર્મિક યાત્રા કાઢ્યા સિવાય માત્ર જળાભિષેક કરવાની પરવાનગી આપવામાં આવી છે. બીજી તરફ વિશ્વ હિંદુ પરિષદે યાત્રા માટે પરવાનગીની જરૂર ન હોવાનું કહ્યું છે.
હરિયાણા પોલીસે અન્ય રાજ્યો પાસે પણ સહયોગ માંગ્યો છે. 26 ઓગસ્ટ (શનિવાર)ના રોજ સર્વ હિંદુ સમાજે ન્યુ દિલ્હીમાં એક બેઠક બાદ વ્રજમંડલ યાત્રા પૂરી કરવાની ઘોષણા કરી હતી. મીડિયા રિપોર્ટસ અનુસાર, 27 ઓગસ્ટથી નૂંહ જિલ્લાની સરહદો સીલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. સુરક્ષાના દ્રષ્ટિકોણથી માત્ર સ્થાનિક પોલીસ જ નહીં પણ પેરામિલિટ્રીના જવાનોને પણ તૈનાત કરવામાં આવી રહ્યા છે. હરિયાણાના તમામ વહીવહી અધિકારીઓ નૂંહ જિલ્લામાં જ કેમ્પ કરી રહ્યા છે.
યાત્રાને પૂર્ણ કરવાની ઘોષણા બાદથી જ તમામ અધિકારીઓ નૂંહમાં મિટિંગ કરી રહ્યા છે. નૂંહ અને તેની આસપાસની શાળાઓ સાથે બેંકો પણ 28 ઓગસ્ટ સુધી બંધ રાખવામાં આવી છે. એવું જાણવામાં આવી રહ્યું છે કે યાત્રામાં ભાગ લેનાર લોકોને સરહદ પર રોકવામાં આવશે.
કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે 32 સ્પેશિયલ ડયુટી મેજિસ્ટ્રેટ તૈનાત કરવામાં આવ્યા છે. ગુપ્તચર વિભાગ LIUને પણ સંપૂર્ણ સક્રિય રહેવા સૂચના આપવામાં આવી છે. નૂંહના ડેપ્યુટી કમિશનર ધીરેન્દ્ર ખડગડાના જણાવ્યા અનુસાર, તમામ વહીવટી અધિકારીઓને 27 અને 28 ઓગસ્ટના રોજ તેમનું મુખ્યમથક ન છોડવા આદેશ આપવામાં આવ્યા છે. તેમજ આ આદેશનું પાલન નહીં કરનાર સામે કાર્યવાહી કરવાનું પણ કહેવાયું છે. વધુમાં તેમણે કહ્યું કે, અમે યાત્રા માટેની પરવાનગી આપી નથી છતાં પણ કેટલાક લોકો યાત્રાનું આયોજન કરવાનું કહી રહ્યા છે. આ યાત્રામાં કોઈ બહારનો વ્યક્તિ ભાગ લેવા આવશે તો તેને સરહદ પર રોકીને પરત મોકલી આપવામાં આવશે. વહીવટીતંત્રને આ યાત્રામાં હરિયાણાના અલગ-અલગ જિલ્લાઓમાંથી જ નહીં પણ દેશના અન્ય પ્રદેશોમાંથી પણ લોકો ભાગ લેશે તેવી શંકા છે.
હરિયાણાના મુખ્યમંત્રીએ આપ્યું હતું નિવેદન
Looking at the kind of incident that happened there (Nuh) at the beginning of the month, it is the govt’s duty to ensure that law and order in the area is maintained. Our Police and administration have taken this decision that instead of carrying out a yatra(Braj Mandal Shobha… pic.twitter.com/RzQW8o6ILD
— ANI (@ANI) August 27, 2023
નૂંહમાં યોજાનારી વ્રજમંડલ યાત્રા પર હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરનું નિવેદન પણ સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે વ્રજમંડલ યાત્રાની અનુમતિ આપવામાં આવી નથી. વધુમાં તેમણે કહ્યું હતું કે શ્રાવણનો મહિનો હોવાથી લોકોની શ્રદ્ધાને ધ્યાને લઈને મંદિરોમાં માત્ર જળાભિષેક માટેની પરવાનગી આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે બધા લોકો પોતાના સ્થાનિક મંદિરોમાં જળાભિષેક કરી શકશે. આ અગાઉ થયેલા ઘટનાક્રમને લઈને કાયદો અને વ્યવસ્થાને ધ્યાને રાખી યાત્રા માટે પરવાનગી આપવામાં આવી નથી તેમ જણાવવામાં આવ્યું છે.