દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં બે દિવસથી BRICSનું 15મું શિખર સંમેલન ચાલી રહ્યું છે. જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રાધ્યક્ષો પોતપોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ સમિટમાં ભાગ લેવા માટે આફ્રિકા પહોંચ્યા છે. આ સંમેલનમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામફોસાએ અગત્યનું એલાન કર્યું. BRICS સમિટમાં હવે નવા છ દેશોનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેમાં ઈરાન, ઇથોપિયા, આર્જેન્ટિના, ઇજિપ્ત, યુએઈ અને સાઉદી અરબનો સમાવેશ કરવામાં આવ્યો.
આ BRICS સમિટના મુખ્ય એજન્ડા હતા- સમૂહનું વિસ્તરણ કરવું અને એકબીજા દેશો વચ્ચે પોતાના ચલણમાં કારોબાર કરવા અંગે ચર્ચા કરવી. આ સંમેલનના પાંચેય સભ્યોએ સમિટના વિસ્તરણ માટે સમર્થન વ્યક્ત કર્યું હતું. કુલ 40 દેશોએ આ સમૂહનો ભાગ બનવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી. જેમાંથી 23 દેશોએ સદસ્યતા મેળવવા માટે અરજી કરી હતી. જે વૈશ્વિક અર્થતંત્રના ત્રણ અબજથી વધુ લોકોનું પ્રતિનિધત્વ કરી રહ્યા છે. જેમાંથી પ્રથમ તબક્કામાં ઇજિપ્ત, ઈરાન, યુએઈ, સાઉદી અરબ, આર્જેન્ટિના અને ઇથોપિયાને સમૂહમાં સામેલ કરવામાં આવ્યા છે.
#WATCH | President of South Africa Cyril Ramaphosa announces outcomes of the 15th BRICS Summit, Johannaesburg
— ANI (@ANI) August 24, 2023
"We've reached an agreement to invite Argentina, Egypt, Ethiopia, Iran, Saudi Arabia and UAE to become full members of BRICS. The membership will come into effect from… pic.twitter.com/Qo5B1jcPOW
હવે BRICSમાં નવા 6 દેશોનો સમાવેશ થવાથી હવે કુલ 11 સભ્યોનો પરિવાર બન્યો છે. તેથી તેને BRICS PLUS તરીકે ઓળખવામાં આવશે. 1 જાન્યુઆરી, 2024ના રોજથી આ નવા છ સભ્યોની સદસ્યતા લાગુ કરવામાં આવશે. જેથી હવે બ્રિક્સ સમૂહમાં આટલા દેશો સમાવેશિત હશે- બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, સાઉથ આફ્રિકા, ઈરાન, ઇજિપ્ત, આર્જેન્ટિના, ઇથોપિયા, સાઉદી અરબ અને UAE.
દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિએ BRICS વિસ્તરણની સત્તાવાર જાહેરાત કરી
આ નવા સભ્યોને જોડવાની જાહેરાત યજમાન દેશ સાઉથ આફ્રિકાના વડા રાષ્ટ્રપતિ રામાફોસાએ કરી. તેમણે કહ્યું, “BRICS સમૂહના વિસ્તરણ માટે પાંચેય સભ્યોની સર્વસંમતિ જોવા મળી છે. આ વિસ્તરણમાં અમે ઈરાન, ઇથોપિયા, આર્જેન્ટિના, ઇજિપ્ત, યુએઈ અને સાઉદી અરબને સભ્યપદ આપવાનો નિર્ણય કર્યો છે. આ નવનિયુક્ત દેશોની સદસ્યતા 1 જાન્યુઆરી, 2024થી લાગુ કરવામાં આવશે.”
ભારતે BRICS વિસ્તરણનું સમર્થન કર્યું
વડાપ્રધાન મોદીએ ગુરુવારે (24 ઓગસ્ટ, 2023) BRICSના પૂર્ણ સત્રને સંબોધિત કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, “ભારત BRICS સમૂહના વિસ્તરણને સમર્થન કરે છે.” આ દરમિયાન વડાપ્રધાને સ્પેસ રિસર્ચ સહિત અનેક ક્ષેત્રોમાં બ્રિક્સ દેશો વચ્ચેના આંતરિક સહયોગને વધુ મજબૂત કરવા અંગે 5 સૂચનો પણ કર્યાં હતાં. આ ઉપરાંત મોદીએ દક્ષિણ આફ્રિકામાં યોજાયેલ BRICS સમિટના સફળતાપૂર્વક આયોજન માટે રાષ્ટ્રપતિ રામફોસાને અભિનંદન પાઠવ્યા હતા.
#WATCH | PM Modi's remarks at the 15th BRICS Summit in Johannesburg pic.twitter.com/yn5rKZWObK
— ANI (@ANI) August 24, 2023
તેમણે ઉમેર્યું કે, “ભારત હંમેશા માને છે કે BRICS સમૂહમાં નવા સભ્યોનો ઉમેરો થવાથી વધુ મજબૂત સંગઠન તરીકે એક નવી ઓળખ પ્રાપ્ત કરશે. આપણા સૌના સહિયારા પ્રયાસથી આ બ્રિક્સ સમૂહમાં નવી ગતિ અને નવી ઊર્જા પણ જોવા મળશે. આ ઉપરાંત BRICS સભ્યો સાથે ભારતના ખૂબ ઊંડા અને ઐતિહાસિક સંબંધો પણ છે, જેથી દ્વિપક્ષીય સહયોગથી નવાં પરિણામો પણ જોવા મળશે.”
શું છે BRICS સમૂહ?
BRICS એ ખરેખર વિશ્વની પાંચ ઉભરતી અર્થવ્યવસ્થાઓનો એક સમૂહ છે. જેમાંનો દરેક અક્ષર જે-તે દેશના નામનો પહેલો અક્ષર સૂચવે છે.
B- બ્રાઝિલ
R- રશિયા
I- ભારત (ઇન્ડિયા)
C- ચીન
S- સાઉથ આફ્રિકા
વર્ષ 2001માં બ્રિટિશ અર્થશાસ્ત્રી જિમ ઓ’નીલે સૌપ્રથમ ‘બ્રિક’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમના દ્રષ્ટિકોણથી તેમને ચાર ઉભરતી અર્થવ્યવસ્થાઓ નજરે પડતી હતી. વર્ષ 2006માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીનના વિદેશમંત્રીઓની એક બેઠક મળી હતી. આ બેઠકમાં એક સમૂહ બનાવવાનું નક્કી થયું અને આ સમૂહને ‘BRIC’ નામ આપવામાં આવ્યું. બ્રિક દેશોની સૌપ્રથમ બેઠક વર્ષ 2009માં રશિયાના યેકાટેરિંગબર્ગ ખાતે મળી હતી. ત્યારબાદ વર્ષ 2010માં બ્રાઝિલના બ્રાઝીલિયામાં બીજી બેઠક મળી હતી. તે દરમિયાન આ સમૂહમાં દક્ષિણ આફ્રિકા પણ જોડાયું અને જે BRIC હતું એ બન્યું ‘BRICS’. ત્યારથી આ સમૂહને આ જ નામથી ઓળખવામાં આવે છે.
આજે BRICS એ દુનિયાની સૌથી ઝડપી અર્થવ્યવસ્થા ધરાવતો સમૂહ છે. બ્રિક્સ સમૂહના પાંચેય સભ્ય દેશો હાલમાં દુનિયાની સૌથી ઉભરતી અર્થવ્યવસ્થાઓમાંના એક છે. જેમની સમગ્ર વિશ્વની GDPમાં 31.5%ની ભાગીદારી છે. આ પાંચેય દેશો દુનિયાની 41% વસ્તી ધરાવે છે. આ ઉપરાંત વૈશ્વિક કારોબારીમાં પણ 16% હિસ્સો ધરાવે છે.
દર વર્ષે બ્રિક્સ સમૂહની એક સમિટ યોજાય છે, જેમાં દરેક દેશના વડા ભાગ લે છે અને એજન્ડા પર ચર્ચા કરે છે. યજમાની વારાફરતી તમામ દેશ કરતા રહ્યા છે. ભારતે સૌપ્રથમ વખત વર્ષ 2012માં યજમાની કરી હતી. ત્યારબાદ 2016માં ફરી ભારતમાં આ સમિટ યોજાઈ હતી. વર્ષ 2021માં સમિટનું યજમાન ભારત હતું પરંતુ કોરોનાના કારણે તે વિડીયો કોન્ફરન્સિંગથી યોજવામાં આવી હતી.
આ સમૂહના ઘણા ઉદ્દેશ્ય છે. જેમકે, અન્ય દેશો સાથે આર્થિક મદદ અને સુરક્ષાના વ્યવહાર જાળવી રાખવા, દેશો વચ્ચેના વિવાદોનો ઉકેલ લાવવો, અંદરોઅંદર રાજનીતિક વ્યવહારો જાળવવા, વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચે સામંજસ્ય જાળવી રાખવું..વગેરે. બ્રિક્સના ત્રણ સ્તંભો છે- રાજકારણ અને સુરક્ષા, આર્થિક અને નાણાકીય બાબતો અને સંસ્કૃતિ અને લોકો વચ્ચે આદાનપ્રદાન.