અમદાવાદના ઇસનપુર વિસ્તારના ચંડોળા તળાવ પાસે આવેલા મિલ્લતનગરમાં રહેતા એક મુસ્લિમ યુવક દ્વારા મણિનગરની હિંદુ યુવતીની છેડતી કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં પીડિત યુવતીની ઉમર માત્ર 21 વર્ષની છે, જ્યારે આરોપી આફતાબ પઠાણ 35 વર્ષનો છે. પીડિતનો આરોપ છે કે આફતાબ છેલ્લા ઘણા સમયથી તેને હેરાન કરી રહ્યો છે, જેના કારણે તેનું ઘરથી બહાર નીકળવું અઘરું થઇ પડ્યું હતું. અંતે પીડિતાએ ત્રાસીને આ વિશે પોતાના પરિવારને માહિતી આપતા પરિવારના સભ્યો અને અન્ય કેટલાક લોકોએ આફતાબને છેડતી કરતા રંગે હાથે ઝડપીને પોલીસને સોંપી દીધો છે.
મળતી માહિતી અનુસાર મણિનગરમાં પરિવાર સાથે રહેતી 21 વર્ષીય હિંદુ યુવતી પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરવા આસપાસના વિસ્તારમાં ઘરકામ કરવા જતી હતી. આ દરમિયાન ઇસનપુરના ચંડોળા તળાવ પાસે આવેલા મિલ્લતનગરમાં રહીને રિક્ષા ચલાવતો આફતાબખાન પઠાણ આ પીડિતાને અવારનવાર રસ્તે આવતા જતા જોતો હતો. છેલ્લા થોડા સમયથી આફતાબે પીડિતાને બીભત્સ ઈશારા કરીને સતામણી શરૂ કરી દીધી હતી.
આ મામલે પીડિતાએ જણાવ્યું હતું કે, “હું જયારે પણ રસ્તા પરથી પસાર થાઉં, ત્યારે તે (આફતાબ) રિક્ષા ઉભી રાખી ઈશારા કરીને મને બોલાવે છે, મેં મારી માતાને આ વિશે જાણ કરતા મારા મમ્મી બે-ત્રણ વાર મારી સાથે આવ્યાં હતાં. પણ મારા મમ્મીને જોઈને તે નહોતો આવતો, છેક આજે તે પકડાયો છે. આજે પણ મારી સાથે મારા ભાઈને જોતાં તે રિક્ષા લઈને ભાગી ગયો હતો. પણ અમને ખબર હતી જેવો મારો ભાઈ દૂર જશે તેવો તે પાછો આવશે, એટલે મારા ભાઈએ થોડા દૂર જઈ રાહ જોતાં આફતાબ ફરી આવીને મારી છેડતી કરવા લાગ્યો અને લોકોએ તેને પકડી લીધો.”
આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલા થયો છે. આ વિડીયોમાં કેટલાક લોકો આફતાબને ઝડપીને તેની પૂછપરછ કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન આફતાબ પોતે પોતાના મોઢે કબૂલે છે કે તે છેલ્લા ઘણા સમયથી યુવતીની છેડતી કરી રહ્યો હતો. આ દરમિયાન વિડીયોમાં લોકોએ આફતાબને તે ક્યાં રહેતો હોવાનું પૂછતાં તે ઇસનપુરના ચંડોળા તળાવના કિનારે આવેલા મિલ્લતનગરમાં રહેતો હોવાનું જણાવે છે.
ઉલ્લેખનીય છે કે પીડિતાએ આ વિશે પોતાની માતાને જાણ કરી હોવાનું પણ કહવામાં આવી રહ્યું છે, જે બાદ પીડિતની માતાએ આરોપીને ઠપકો આપતાં તેણે થોડો સમય પીડિતાને હેરાન કરવાનું મૂકી દીધું હતું. પણ થોડા સમય બાદ આફતાબે ફરી મણિનગરની હિંદુ યુવતીની છેડતી કરવાનું શરુ કરી દીધું હતું. તેવામાં ગઈકાલે રાત્રે પીડિતાના પરિવાર અને સ્થાનિક લોકોએ આરોપી આફતાબખાન પઠાણને છેડતી કરતા રંગેહાથે ઝડપી મણીનગર પોલીસને હવાલે કર્યો છે. હાલ મણીનગર પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.