વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ તો દેશના સર્વોચ્ચ બંધારણીય પદે છે પરંતુ બાળપણમાં તેમણે ગરીબી વેઠી હતી અને વતન વડનગરના રેલવે સ્ટેશન પર તેઓ ચા પણ વેચતા હતા. વડાપ્રધાન પોતે પણ બાળપણમાં ચા વેચવાના પોતાના અનુભવો વાગોળતા રહે છે. આજે તો વડનગર અને ત્યાનું રેલ્વેસ્ટેશન બહુ બદલાઈ ગયાં છે પરંતુ પીએમ જ્યાં ચા વેચતા હતા તે ટી સ્ટોલ હજુ પણ જેમનો તેમ સાચવવામાં આવ્યો છે.
વડનગર રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવ્યું તેની સાથે જ્યાં વડાપ્રધાન બાળપણમાં ચા વેચતા હતા તે ટી સ્ટોલ જેવો જ આબેહૂબ અન્ય એક સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે. જ્યારે મૂળ જૂનો સ્ટોલ ટફન બોક્સમાં સાચવવામાં આવશે, જેથી ત્યાં આવનાર લોકો તેને પણ નિહાળી શકશે.
નવા બનાવવામાં આવેલા ટી સ્ટોલને એ જ નંબર આપવામાં આવ્યો છે જે નંબર પીએમ નરેન્દ્ર મોદીના પિતાના સ્ટોલનો હતો. દામોદરદાસ મોદીના ટી સ્ટોલનો નંબર T13 હતો, નવા સ્ટોલને પણ એ જ નંબર અપાયો છે. ટૂંક સમયમાં જ આ સ્ટોલ શરૂ કરી દેવામાં આવશે અને અહીં આવતા લોકો ચાની ચૂસકી માણી શકશે તેમજ પીએમ જ્યાં ચા વેચતા હતા તે જૂનો સ્ટોલ પણ જોઈ શકશે.
વડનગર સ્ટેશન સાથે મારી અનેક યાદો જોડાયેલી છે : વડાપ્રધાન
નોંધનીય છે કે ગત વર્ષે જુલાઈ મહિનામાં વડાપ્રધાને વડનગર ખાતે નવીનીકરણ કરવામાં આવેલા રેલ્વે સ્ટેશનનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યું હતું. તે વખતે તેમણે ભૂતકાળને યાદ કરતાં કહ્યું હતું કે, “વડનગર રેલવે સ્ટેશન સાથે મારી અનેક યાદો જોડાયેલી છે. નવું આકર્ષક રેલ્વે સ્ટેશન વધુ સારી રેલ સેવાથી જોડાયું છે અને તેનાથી આખા ક્ષેત્રમાં સુવિધા અને રોજગારીની નવી તકો ઉભી થઇ છે.”
ચા વેચતાં-વેચતાં જ હિંદી શીખ્યા હતા વડાપ્રધાન
આ ઉપરાંત, પીએમ મોદીએ અભિનેતા અક્ષય કુમારને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પણ બાળપણના કિસ્સાઓને યાદ કરતાં ચા વેચવાના અનુભવો અંગે વાતો કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું, “ટ્રેનમાં ચા વેચતાં-વેચતાં મને લોકોને સમજવાની તકો મળી. તે વખતે ઘણાં લોકો ગુસ્સો કરતા તો કેટલાક સમજાવતા પણ.” પોતે હિન્દી પણ ચા વેચતા જ શીખ્યા હોવાનું કહીને વડાપ્રધાન ઉમેરે છે, “ક્યારેક ટ્રેનમાં મુંબઈના વેપારીઓ પણ આવતા, અમે તેમને ચા આપતા અને વાતો પણ કરતા. આમ કરતા-કરતા જ હિંદી પણ શીખી લીધી.”
શાળાએથી આવીને પિતાને મદદ કરતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બાળપણ મહેસાણાના વડનગરમાં વીત્યું હતું. ત્યાં જ તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું. તેમના પિતા દામોદરદાસ મોદી વડનગર રેલવે સ્ટેશન ખાતે ચા વેચતા હતા. શાળાએથી આવ્યા બાદ નરેન્દ્ર મોદી તેમના પિતાને મદદ કરવા માટે સ્ટેશને ચા વેચવા જતા હતા. વડાપ્રધાનની બાળપણની યાદગીરી સાચવીને બેઠેલું આ ટી સ્ટોલ હજુ પણ સ્ટેશન પર યથાતથ રાખવામાં આવ્યું છે.