મીડિયા હાઉસ અલ જઝીરા અરબીએ (AL Jazeera Arabic) રવિવારે (19 જૂન 2022) હિન્દુઓને દોષી ઠેરવતા મૌલવીના મૃત્યુ અંગે ફેક ન્યૂઝ ફેલાવ્યા હતા. અલ જઝીરાએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે બિહારના સિવાનમાં હિંદુઓએ એક મૌલવીની હત્યા કરી નાંખી હતી. અલ જઝીરા અરબીએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે. તેમાં અરબીમાં લખવામાં આવ્યું છે કે, “હિંદુઓ દ્વારા માર્યા ગયેલા મસ્જિદના ઈમામનો ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. સિવાનના ખાલિસપુર ગામમાં એક મસ્જિદમાં સૂતો હતો ત્યારે હિંદુઓએ તેનું માથું કાપી નાખ્યું હતું.”
મીડિયા સંસ્થાએ મામલાની તપાસ કરવા અને હત્યારાઓને વહેલી તકે પકડવા માટે તેની પોસ્ટમાં ‘જસ્ટિસ ફોર ઈમામ સિવાન’ અને ‘જસ્ટિસ ફોર સિવાન મૌલવી’ હેશટેગ્સ પણ લખ્યા છે. (અનુવાદ ગૂગલની મદદથી કરવામાં આવ્યો છે.)
સિવાનમાં મૌલવીની હત્યા પાછળનું સત્ય
જોકે, બિહારના સિવાન જિલ્લામાં મૌલવીના મોત પાછળનું સત્ય અલ-જઝીરાએ કરેલા દાવાથી જોજનો દૂર છે. આ ઘટના સિવાન જિલ્લાના મુફાસિલ પોલીસ સ્ટેશન વિસ્તારના ખલીસપુર ગામમાં 9-10 જૂનની વચ્ચેની રાત્રે બની હતી. મૌલવીની ઓળખ 85 વર્ષીય સફી અહેમદ તરીકે થઈ છે, જેની સ્થાનિક લોકોએ મસ્જિદમાં હત્યા કરી હતી. પરંતુ અલ જઝીરાએ મૌલવીની હત્યા હિંદુઓ દ્વારા થઇ હોવાના દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા હતા.
‘દૈનિક જાગરણ’ના અહેવાલ મુજબ, મૌલવી સફી અહેમદનો જમીનદારો સાથે જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ વિનોદ કુમાર સિંહે જણાવ્યું કે સફી અહેમદનો ગામમાં જ કેટલાક લોકો સાથે પારિવારિક વિવાદ ચાલી રહ્યો હતો. પરિજનોની ફરિયાદના આધારે કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. જમીન વિવાદને લઈને તેની હત્યા થઈ હોવાનું પોલીસ માની રહી છે. સફાઈ કામદારો શુક્રવારની નમાઝ માટે મસ્જિદની સફાઈ કરવા પહોંચ્યા ત્યારે સ્થાનિકોને આ ઘટના અંગે જાણ થઇ હતી. મૌલવીના મૃતદેહને જોઈને તેમણે બુમરાણ મચાવી દીધી હતી અને ત્યારબાદ આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો.
જમીન વિવાદ મુદ્દે મૌલવીના પુત્રનું નિવેદન
મૌલવીના પુત્ર અશફાક અહેમદે એક નિવેદનમાં જણાવ્યું કે ગામમાં તેનું પૈતૃક ઘર છે. સફીના મોટા ભાઈના પૌત્રના લગ્ન 22 મેના રોજ થવાનાં હતાં. આ માટે તેના પિતાના મોટા ભાઈ ઉમર અહેમદે મહેમાનોને ઘરમાં રાખવાના બહાને ઘર ખાલી કરાવી દીધું હતું. ત્યારથી તેના પિતા રાત્રે મસ્જિદમાં સૂતા હતા. લગ્ન બાદ જ્યારે તે પોતાના ઘરે પરત ફર્યા ત્યારે તેમના એક રૂમનું તાળું બંધ હતું.
તેઓએ તાળું ખોલવાની ના પાડી અને અશફાક અને તેના પિતાને મારી નાખવાની ધમકી આપી. બાદમાં આ મામલો પંચાયત સુધી પહોંચ્યો હતો પરંતુ ત્યાં પણ તેમને ન્યાય મળ્યો ન હતો. જે બાદ પાંચ મહિના પહેલાં જ કોર્ટે તેના પરિવારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. આ કેસ પાંચ વર્ષ સુધી કોર્ટમાં ચાલ્યો હતો.
અહેવાલો અનુસાર, રૂમમાં લાગેલા તાળાની ફરિયાદને લઈને સફી શનિવારે પોલીસ મથકમાં યોજાતા જનતા દરબારમાં જવાના હતા. પરિવારજનોએ જણાવ્યું કે તેમણે આ માટે તમામ તૈયારીઓ કરી લીધી હતી અને તમામ કાગળો પણ એકઠા કરી લીધા હતા. ગુરુવારે તેમણે આ અંગેની તમામ વિગતો પરિવારના લોકોને પણ કહી હતી.
ઘટનાની રાત્રે ગરમી વધારે હોવાના કારણે સફાઈ નમાઝ બાદ મસ્જિદની અગાસીએ ઊંઘવા માટે ગયા હતા. જે બાદ અગાઉથી ઘડેલ કાવતરાં મુજબ અજ્ઞાત હુમલાખોરોએ તેમની હત્યા કરી નાંખી હતી. ઑપઇન્ડિયાએ આ મામલે વધુ જાણકારી મેળવવા માટે સિવાનના મુફસ્સિલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો.