તાજેતરમાં સંસદનાં બંને ગૃહમાંથી પસાર થયા બાદ દિલ્હી સર્વિસીસ એક્ટને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પાસે મોકલવામાં આવ્યો હતો, જેને તેમણે મંજૂરી આપી હતી. જેથી હવે તે કાયદો બન્યો છે. આ ઉપરાંત, સંસદ દ્વારા પસાર કરવામાં આવેલ અન્ય પણ કેટલાક અગત્યના એક્ટને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે.
દિલ્હી સર્વિસીસ બિલ ગત 1 ઓગસ્ટ, 2023ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેની પર ચર્ચા કરીને ધ્વનિ મત દ્વારા પસાર કરી દેવાયું હતું. 7 ઓગસ્ટ, 2023ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં બિલ રજૂ કર્યું હતું. દિવસ દરમિયાન તેની ઉપર ચર્ચા ચાલ્યા બાદ રાત્રે મતદાન બાદ બહુમતીથી બિલ પસાર કરી દેવાયું હતું. રાજ્યસભામાં બિલના સમર્થનમાં 131 અને વિરોધમાં 102 મતો પડ્યા હતા.
આ બિલમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં અધિકારીઓના પોસ્ટિંગ, સસ્પેન્શન અને ઈન્કવાયરી વગેરેની સત્તા કેન્દ્ર સરકાર હસ્તક રાખવાની જોગવાઈ કરવામાં આવી હતી. અધિકારીઓની બદલી અને નિયુક્તિ નેશનલ કેપિટલ સિવિલ સર્વિસીસ ઓથોરિટી કરશે, જેના ચેરમેન મુખ્યમંત્રી છે, જ્યારે અન્ય બે સભ્યો મુખ્ય સચિવ અને ગૃહ સચિવ છે. બહુમતીના આધારે નિર્ણય લેવામાં આવશે. ઉપરાંત, દિલ્હી વિધાનસભા દ્વારા અધિનિયમિત કોઈ પણ કાયદા દ્વારા બનાવવામાં આવેલ બોર્ડ કે આયોગ માટે નિયુક્તિ મામલે NCCSA નામોની પેનલઈ ભલામણ ઉપરાજ્યપાલને કરશે અને જેના આધારે નિયુક્તિ થશે.
આ સિવાય, કેબિનેટનો નિર્ણય યોગ્ય છે કે નહીં એ મુખ્ય સચિવ નક્કી કરી શકશે અને જો કાયદાકીય રીતે નિયમ અયોગ્ય લાગે તો ઉપરાજ્યપાલ પાસે મોકલી શકે છે. ઉપરાંત, ઉપરાજ્યપાલને એટલી સત્તા છે કે તેઓ NCCSAને પુનર્વિચાર માટે કહી શકે છે અને જો મતભેદ સર્જાય તો ઉપરાજ્યપાલનો નિર્ણય જ અંતિમ રહેશે. આ સિવાય, વિજિલન્સ સચિવ હવે દિલ્હી સરકાર નહીં પરંતુ ઉપ-રાજ્યપાલ દ્વારા બનાવવામાં આવેલ ઓથોરિટીને જવાબદેહ હશે.
મે મહિનામાં કેન્દ્ર સરકારે આ અંગે વટહુકમ બહાર પાડ્યો હતો, જેથી કાયદો મે, 2023થી જ લાગુ ગણવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સંસદનું સત્ર ચાલતું ન હોય તો સરકાર વટહુકમ બહાર પાડી શકે છે, ત્યારબાદ સત્ર શરૂ થાય ત્યારે તેને બિલ તરીકે રજૂ કરીને બંને ગૃહમાંથી પાસ કરાવવું પડે છે.
રાષ્ટ્રપતિએ આ સિવાય ડેટા પ્રોટેક્શન બિલ, જન્મ-મૃત્યુ નોંધણી બિલ અને જન વિશ્વાસ બિલ પર પણ હસ્તાક્ષર કર્યા હતા. આ તમામ બિલ આ જ સત્રમાં પસાર થયાં હતાં. જે હવે કાયદો બની ગયાં છે.