ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત ‘જ્ઞાનવાપી મસ્જિદ’ તરીકે વિવાદિત માળખાનો કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે અને મુદ્દો ચર્ચામાં છે. આ જ ચર્ચાઓની વચ્ચે આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક ઇન્ટરવ્યૂ એજન્સી ANIએ પ્રસારિત કર્યો, જેમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે આ ઢાંચાને મસ્જિદ ન કહેવું જોઈએ. સાથે ઉમેર્યું કે ત્યાં હિંદુ ધર્મનાં અનેક ચિહ્ન જોવા મળે છે, જ્યોતિર્લિંગ અને ભગવાનની પ્રતિમાઓ છે, જે બાબતો પણ ધ્યાને લેવી જોઈએ.
યુપી CMએ કહેલી આ વાતો આમ જ આધાર વગર કહી દેવામાં આવી નથી. જ્ઞાનવાપી પરિસરની પ્રાચીન તસ્વીરો જોઈશું તો ખ્યાલ આવશે કે તેમણે જે કહ્યું છે એ સંપૂર્ણ સત્ય છે.
ગત વર્ષે વારાણસી કોર્ટના આદેશથી જે સરવે હાથ ધરવામાં આવ્યો હતો, તેના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે જ્ઞાનવાપી ઢાંચાની પશ્ચિમી દીવાલ પર શેષનાગ અને હિંદુ દેવી-દેવતાઓની કલાકૃતિઓ છે. દીવાલના ઉત્તરથી પશ્ચિમના શિલાપટ પર સિંદૂરી લેપ કરવામાં આવેલ કલાકૃતિઓ છે અને જેમાં દેવોના રૂપમાં ચાર મૂર્તિઓ દેખાઈ રહી છે. આ રિપોર્ટ હાલમાં જ થયેલા સરવેનો છે, જેમાં વજૂખાનામાંથી એક શિવલિંગ પણ મળી આવ્યું હતું.
કોર્ટને સોંપેલા રિપોર્ટમાં જણાવ્યું હતું- દીવાલો પર અનેક હિંદુ પ્રતીકો મળ્યાં
જેમની અધ્યક્ષતામાં સરવે હાથ ધરવામાં આવ્યો હતો એ પૂર્વ એડવોકેટ કમિશનર અજય મિશ્રાએ કોર્ટને સોંપેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે, તપાસમાં એક ચોથી આકૃતિ મૂર્તિ જેવી લાગી રહી છે અને તેની ઉપર સિંદૂરનો લેપ છે. તેની આગળ દીવો પ્રજ્વલિત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા ફૂલ રાખવામાં આવ્યા હતા. પૂર્વ દિશામાં બેરિકેડિંગની અંદર અને ઢાંચાની પશ્ચિમ દીવાલ વચ્ચે કાટમાળ પડ્યો છે, આ શિલાપટ પણ તેનો જ ભાગ હોય તેમ લાગી રહ્યું છે. આ કલાકૃતિઓ ઢાંચાની પશ્ચિમ દીવાલ પર કોતરવામાં આવેલી કલાકૃતિઓ સાથે મેળ ખાય છે.
સરવેમાં જે બાબતો સામે આવી તેના પુરાવાઓ અમેરિકાના મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે. વિવાદિત માળખાની અંદર હનુમાનજીની મૂર્તિ હોવાના સબૂતો પણ મળી ચૂક્યા છે. લગભગ 154 વર્ષ જૂના ફોટા તેના સાક્ષી છે. આ ફોટો અમેરિકાના એક મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો બ્રિટિશ ફોટોગ્રાફર સૈમ્યુઅલ બોર્ન લીએ આ ફોટો લોધો હતો. હાલ તે હ્યુસ્ટનના ‘ધ મ્યુઝિયમ ઑફ ફાઈન આર્ટ્સ’માં સચવાયેલો છે. આ બધી બાબતો સૂચવે છે કે જ્ઞાનવાપીના વિવાદિત ઢાંચા પર હિંદુ પક્ષનો દાવો કેટલો મજબૂત છે.