રાજસ્થાનના અલવર જિલ્લાના ચૌમાની એક સરકારી શાળામાં એક હિંદુ વિદ્યાર્થીની તિલક લગાવવા બદલ મારપીટ થઇ હોવાનો મામલો સામે આવ્યો છે. આરોપ મુસ્લિમ વિદ્યાર્થીઓ પર લાગ્યો છે. મુસ્લિમોએ હિંદુ વિદ્યાર્થીને માર માર્યા બાદ બંને જૂથો વચ્ચે બોલાચાલી થઇ હતી, જેથી પોલીસ પણ સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડવાના પ્રયાસ કર્યા હતા.
રિપોર્ટ્સ અનુસાર, અલવર જિલ્લાની સરકારી શાળામાં શુભમ રાજપૂત નામનો એક વિદ્યાર્થી તિલક લગાવી શાળાએ ગયો હતો. જેને લઈને તેની સાથે ભણતા મુસ્લિમ વિદ્યાર્થીઓ સાથે બોલાચાલી અને મારપીટ થઇ હતી. ત્યારબાદ બંને સમુદાયો સામસામે આવી ગયા હતા. આ ઘટનાની જાણ શિક્ષકોને થતાં તેમણે વચ્ચે સમાધાન કરાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમ છતાં મામલો થાળે પડ્યો નહોતો. મામલાને લઈને શાળાની બહાર બંને સમુદાયોના લોકો ભેગા થઇ જતાં મામલો ગરમાયો હતો.
ઇન્ડિયા ટૂડેના રિપોર્ટ અનુસાર, 25 જુલાઈએ કેટલાક મુસ્લિમ વિદ્યાર્થીઓએ શાળામાં હિંદુ વિદ્યાર્થીના તિલક પર વાંધો ઉઠાવ્યો હતો અને બોલાચાલી કરી હતી. ત્યારબાદ બીજા દિવસે અનેક હિંદુ વિદ્યાર્થીઓ શાળામાં તિલક લગાવીને આવ્યા. જેના કારણે મામલાએ વધુ વિવાદ પકડ્યો અને આચાર્યે હસ્તક્ષેપ કરવો પડ્યો. ત્યારબાદ ત્રીજા દિવસે 27 જુલાઇએ એક હિંદુ વિદ્યાર્થી અને મુસ્લિમ વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ શરૂ થઇ ગઈ. મુસ્લિમ વિદ્યાર્થીઓએ તેને તિલક હટાવી દેવા અથવા પરિણામો ભોગવવા માટેની ધમકી આપી હતી.
જ્યારે વિદ્યાર્થીએ આચાર્યને ફરિયાદ કરી તો મુસ્લિમ વિદ્યાર્થીઓના જૂથે તેની સાથે મારપીટ કરીને બળજબરીથી તિલક હટાવી દીધું હતું. રિપોર્ટમાં પોલીસને ટાંકીને જણાવાવમાં આવ્યું છે કે મુસ્લિમ વિદ્યાર્થીઓએ હિંદુ વિદ્યાર્થીને ઇસ્લામમાં ધર્મપરિવર્તન કરી લેવા માટે પણ કહ્યું હતું. એટલું જ નહીં, મામલાની જાણ થતાં તેના વાલીઓ શાળાએ આવ્યા ત્યારે તેમને પણ ધર્માંતરણ કરી લેવા અથવા તો પરિણામ ભોગવવાની તૈયારી રાખવાનું કહીને ધમકી આપવામાં આવી હતી.
ઘટના બાદ વિદ્યાર્થી શુભમના પરિજનોએ પોલીસ ફરિયાદ કરી હતી, જેના આધારે પોલીસે IPCની કલમ 143, 323, 341, 506 અને 295(C) હેઠળ 6 લોકો સામે કેસ દાખલ કર્યો છે. પોલીસનું કહેવું છે કે વિવાદને લઈને બંને પક્ષે વાતચીત ચાલી રહી છે અને તણાવ વધતો રોકવા માટે ગામમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.