પેરોલ જમ્પ કરી એક વર્ષથી ફરાર થયેલો ગોધરા હિંદુ હત્યાકાંડનો ગુનેગાર કાસિમ અબ્દુલ સત્તાર પંચમહાલના લીમખેડાથી ઝડપાયો હોવાની માહિતી મળી રહી છે. વર્ષ 2002માં ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેન સળગાવવાના કેસમાં કાસિમ ત્રીજા નંબરનો આરોપી હતો, જે ગુનેગાર સાબિત થયા બાદ સજા પામ્યો હતો. ગયા વર્ષે પેરોલ મળ્યા બાદ તે ભાગતો ફરતો હતો. દરમ્યાન શનિવારે પેરોલ ફર્લો સ્કવોડને સત્તાર લીમખેડા હોવાનું જાણવા મળ્યું હતું, જ્યાંથી પોલીસે તેને દબોચી લીધો હતો. પંચમહાલ પોલીસે રવિવારે (23 જુલાઈ, 2023) આ બાબતની પુષ્ટિ કરી હતી.
પંચમહાલ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા પેરોલ ફર્લો ટીમને બાતમી મળી હતી કે છેલ્લા એક વર્ષથી ભાગતો ફરતો ગોધરા કાંડનો ગુનેગાર કાસિમ અબ્દુલ સત્તાર પંચમહાલના લીમખેડા ખાતે ચોરીછૂપીથી રહે છે. જે બાદ ટીમે તેને ઝડપી લેવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું. બાતમી સાચી પડતાં પેરોલ ફર્લો ટીમે સત્તારને ઝડપી લીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ બાદ તેને સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશને સોંપી દેવામાં આવ્યો હતો. જેથી તેને પડેલી બાકીની જન્મટીપની સજા ભોગવવા માટે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલી શકાય.
ઉલ્લેખનીય છે કે સાબરમતી એક્સપ્રેસમાં હિંદુઓને જીવતા સળગાવનાર સત્તારને 27 ફેબ્રુઆરી 2002ના રોજ જનમટીપની સજા ફટકારવામાં આવી હતી. ગોધરાના રેલ્વે સ્ટેશન પર 59 હિંદુઓની નિર્મમ હત્યા બાદ આખા રાજ્યમાં કોમી રમખાણ ફાટી નીકળ્યાં હતાં, જેમાં 1200થી વધુ લોકોના મૃત્યુ થયાં હતાં. ઉલ્લેખનીય છે કે માર્ચ 2002માં જ સત્તારની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર હત્યા, હત્યાના પ્રયાસ, લૂંટ, જાણીજોઈને ગંભીર ઈજા પહોંચાડવી, ફરજ પરના લોક સેવકોને ડરાવવા જેવી ભારતીય દંડ સંહિતાની કલમો (IPC) ઉપરાંત રેલ્વે અધિનિયમ અને સાર્વજનિક સંપત્તિને નુકસાન અટકાવવા માટેના અધિનિયમોના ધારાધોરણો મુજબ આરોપ ઘડવામાં આવ્યા હતા.
આ પહેલા પણ ભાગી ચુક્યો છે સત્તાર
નોંધનીય છે કે આ કોઈ પ્રથમ ઘટના નથી કે કાસિમ અબ્દુલ સત્તાર પેરોલ જમ્પ કરીને ગાયબ થઇ ગયો હોય. 2021માં પણ સત્તાર પેરોલ મળ્યા બાદ ગાયબ થઈ ગયો હતો. જોકે પોલીસે તેને શોધી કાઢ્યો હતો અને તેની ધરપકડ કરીને ફરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. બાદમાં ફરી એક વર્ષ પહેલાં તે પેરોલ પર બહાર આવ્યા બાદ ગાયબ થઇ ગયો હતો અને પોલીસે લીમખેડાથી તેને શોધી કાઢી તેની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે માર્ચ 2011માં ગોધરા ખાતે ટ્રેનમાં સવાર 59 હિંદુઓને જીવતા સળગાવવા બદલ વિશેષ ન્યાયાલયે કુલ 11 ગુનેગારોને ફાંસીની સજા ફટકારી હતી. જયારે 20 ગુનેગારોને આજીવન જેલની સજા ફટકારવામાં આવી હતી. ત્યારે સજા મળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે મૃત્યુદંડ પામેલા 11 દોષીઓની સજામાં ફેરબદલ કરી તેને આજીવન કેદમાં પરિવર્તિત કરી હતી. હાલ તેઓ સજા કાપી રહ્યા છે.