અમદાવાદ શહેરમાં બુધવારે (19 જુલાઈ, 2023) રાત્રે બનેલા ભયાનક અકસ્માત બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, તેઓ આ કેસને અત્યંત ગંભીરતાથી લઇ રહ્યા છે અને તેની તપાસ માટે એક SITની રચના કરવામાં આવી છે. ઉપરાંત, માત્ર એક અઠવાડિયાની અંદર ચાર્જશીટ પણ દાખલ કરી દેવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ અકસ્માત અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બન્યો હતો. બુધવારે રાત્રે એક ડમ્પરની પાછળ મહિન્દ્રા થાર કાર ઘૂસી ગઈ હતી, જેના કારણે લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. આ જ સમયે કર્ણાવતી ક્લબ તરફથી અત્યંત ઝડપે આવી રહેલી એક કાર ટોળા પર ચડી ગઈ હતી, જેમાં 9 લોકો સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે અમુકને ઇજા પણ પહોંચી છે. મૃતકોમાં બે પોલીસ કોન્સ્ટેબલનો પણ સમાવેશ થાય છે.
જાણવા મળ્યા અનુસાર, આ કાર ભૂતકાળમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા અમદાવાદના પ્રજ્ઞેશ પટેલનો દીકરો તથ્ય પટેલ ચલાવી રહ્યો હતો. અકસ્માતમાં તે પણ ઈજા પામ્યો હોવાથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેની સાથે કારમાં અન્ય પણ લોકો સવાર હતા, જેમની શોધખોળ હાલ ચાલી રહી છે.
BIG BREAKING | ફાસ્ટટ્રેક કોર્ટની અંદર ચલાવવામાં આવશે ઈસ્કોન બ્રિજ અકસ્માતનો કેસ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું એક જ અઠવાડિયામાં કરવામાં આવશે ચાર્જશીટ, મોસ્ટ અર્જન્ટ કેસ તરીકે ટ્રીટ કરીએ છીએ #GujaratAccident #Ahemdabad #IsconBridgeAccident #Overspeed #Accident #VTVGujarat pic.twitter.com/UA9uaHnQnR
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 20, 2023
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે તેમણે અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી અને જેમાં મુખ્યમંત્રીની સૂચનાથી આ કેસમાં કડક તપાસ કરીને વહેલી તકે કાર્યવાહી પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહમંત્રીના જણાવ્યા અનુસાર, કેસની તપાસ માટે 5 PI, 3થી વધુ DCP, જોઈન્ટ સીપી અને સીપી પોતે ધ્યાન આપી રહ્યા છે તેમણે ઉમેર્યું કે, તેમણે RTO વિભાગના અધિકારીઓ સાથે પણ બેઠક કરી છે અને આજે સાંજ સુધીમાં તેઓ પોતાનો રિપોર્ટ સોંપી દેશે. આ ઉપરાંત, આવતીકાલે સાંજ પહેલાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ મળી જશે તેમજ FSLની ટીમને પણ તાત્કાલિક કામ પૂર્ણ કરીને વહેલી તકે રિપોર્ટ જમા કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે, જેથી આવતીકાલ સાંજ સુધીમાં તે રિપોર્ટ પણ જમા કરી દેવામાં આવશે.
ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, “અમે નક્કી કર્યું છે કે 1 અઠવાડિયાની અંદર ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવે અને ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પણ નબીરાઓ આવી હિંમત ન કરે.” તેમણે ઉમેર્યું કે, “રાહદારીઓ માટે સરકારે બનાવેલા રોડનો પોતાની મોજમસ્તી માટે રેસિંગ ટ્રેકની જેમ ઉપયોગ કરનારા નબીરાઓ વિરુદ્ધ અમારી પાસે જે કંઈ પણ કાયદાકીય વિકલ્પ ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરીશું. આ કેસને અમે ગંભીરતાથી લઇ રહ્યા છીએ. તમામ દિશામાં તપાસ કરીને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.” સામાન્ય ઘર-પરિવારની ખુશી છીનવી લેનારા બંને બાપ-દીકરાને કાયદાનું ભાન થાય તે પ્રકારની કાર્યવાહી અમદાવાદ પોલીસ કરશે તેવી તેમણે ખાતરી આપી હતી.