ભૂતપૂર્વ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટે 21 જુલાઈના રોજ સુનવણી કરવાનો નિર્ણય લીધો છે. રાહુલ ગાંધી ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને પડકારવા સુપ્રીમ કોર્ટમાં ગયા છે. ગુજરાત હાઈકોર્ટે રાહુલની સજા પર રોક લગાવવાની માંગને ફગાવી દીધી હતી. આ સાથે જ રાહુલ ગાંધીએ કોર્ટ સમક્ષ એવો ડર પણ જતાવ્યો હતો કે જો તેમને સજામાં રાહત નહીં મળે તો તેમની કારકિર્દીનાં 8 વર્ષ બગડી જશે.
મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી તરફે સુપ્રીમ કોર્ટમાં તેમના વકીલ અભિષેક મનુ સિંધવીએ સીજેઆઇ ચંદ્રચુડ, જસ્ટીસ પીએસ નરસિમ્હા અને જસ્ટીસ મનોજ મિશ્રાની બેન્ચ સામે પક્ષ મુક્યો હતો. તેમણે તાત્કાલિક સુનાવણી કરવા માટેની અરજી કરતા 21 કે 24 જુલાઈના રોજ તારીખ આપવાની માંગ કરી હતી. જે બાદ જસ્ટીસ ચંદ્રચુડે તેમને આગામી સુનાવણી માટે 21 જુલાઈનો દિવસ નક્કી કર્યો હતો.
[BREAKING] 'All thieves have Modi surname' remark: Supreme Court agrees to hear on July 21 Rahul Gandhi's appeal seeking stay on conviction in defamation case#RahulGandhi #SupremeCourt
— Bar & Bench (@barandbench) July 18, 2023
Read more here: https://t.co/i35zhXqMmg pic.twitter.com/2VK5aTjEOY
‘મારી કારકિર્દીનાં 8 વર્ષ બગડી જશે’- રાહુલ ગાંધી
મોદી સમાજ પર કરેલી ટિપ્પણીઓ મામલે માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાંથી પણ રાહત ન મળ્યા બાદ હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અંતિમ વિકલ્પ તરીકે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. રાહુલે કોર્ટમાં અરજી કરીને કહ્યું કે જો તેમને રાહત નહીં મળે તો કારકિર્દીનાં 8 વર્ષ વેડફાઈ જશે અને વાયનાડના લોકોને પણ નુકસાન જશે. ઉલ્લેખનીય છે કે રાહુલ વાયનાડથી સાંસદ છે.
રાહુલ ગાંધીએ અરજીમાં જણાવ્યું કે જો તેમને રાહત આપવામાં નહીં આવે તો રાજકીય કારકિર્દીનાં આઠ વર્ષ બરબાદ થઇ જશે. અહીં ઉલ્લેખનીય છે કે રિપ્રેઝેન્ટેશન ઑફ પિપલ એક્ટની કલમ 8(3) હેઠળ કોઈ પણ વ્યક્તિ કોઈ ગુનામાં 2 વર્ષ કે તેથી વધુની સજા મેળવે તો સજા પૂર્ણ થયાના 6 વર્ષ સુધી તે ચૂંટણી લડી શકતો નથી. રાહુલ ગાંધીને 2 વર્ષની સજા મળી છે, જેથી જો સુપ્રીમ કોર્ટ રાહત નહીં આપે તો 8 વર્ષ માટે તેમના ચૂંટણી લડવા પર પ્રતિબંધ લાગી જશે.
ઉલ્લેખનીય છે કે ગત 7 જુલાઈ, 2023ના રોજ ગુજરાત હાઇકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવીને રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે, તેમની સામે પહેલેથી જ ઓછામાં ઓછા 10 કેસ પેન્ડિંગ છે અને આ કેસમાં દોષ પર રોક લગાવવા માટે કોઈ વ્યાજબી કારણ જણાઈ રહ્યું નથી.