મોદી સમાજ પર કરેલી ટિપ્પણી મામલે ગુજરાત હાઈકોર્ટમાંથી પણ રાહત ન મળતાં હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાસે અંતિમ વિકલ્પ બચ્યો છે સુપ્રીમ કોર્ટમાં જવાનો. જેથી તેમણે હવે કોર્ટ સમક્ષ અરજી કરીને ગુજરાત હાઇકોર્ટના આદેશને પડકાર્યો છે.
ગુજરાત હાઇકોર્ટે તાજેતરમાં એક આદેશ પસાર કરીને રાહુલ ગાંધીની માનહાનિ કેસમાં સાબિત થયેલ દોષ રદ કરવાની અરજી ફગાવી દીધી હતી. હવે તેમણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. હવે સુપ્રીમ કોર્ટમાં કેસ લિસ્ટ કરવામાં આવશે અને સુનાવણી માટેની તારીખ મુકરર કરવામાં આવશે. ત્યારબાદ સુનાવણી હાથ ધરીને બંને પક્ષોને સાંભળીને કોર્ટ ચુકાદો આપશે. જેમાં એકથી વધુ સુનાવણી પણ હાથ ધરવામાં આવી શકે. જો સુપ્રીમ કોર્ટ ગુજરાત હાઇકોર્ટના આદેશ પર રોક લગાવે તો રાહુલ ગાંધીનું સાંસદ પદ ફરી બહાલ થઇ શકશે, પરંતુ જો સુપ્રીમે પણ રાહત ન આપી તો રાહુલ ગાંધી 8 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. કારણ કે પિપલ્સ રિ-પ્રેઝેન્ટેટિવ એક્ટ મુજબ કોઈ પણ ધારાસભ્ય કે સાંસદ કોઈ ગુનામાં દોષી સાબિત થઈને 2 કે તેથી વધુ વર્ષની સજા પામે તો તેનું સભ્યપદ રદ થાય છે અને તે સજા પૂરી થયાના 6 વર્ષ સુધી ચૂંટણી લડી શકતો નથી. રાહુલ ગાંધીને આ કેસમાં 2 વર્ષની સજા થઇ છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં તાજેતરમાં જ ભાજપ ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને કોર્ટને વિનંતી કરી હતી કે તેમનો પક્ષ સાંભળ્યા વગર આદેશ પસાર કરવામાં આવે નહીં. હવે રાહુલ ગાંધીએ પણ અરજી કરી છે.
Congress leader Rahul Gandhi moves Supreme Court challenging Gujarat High Court order passed on July 7 in connection with a 2019 defamation case.
— ANI (@ANI) July 15, 2023
On July 7, Gujarat HC dismissed Rahul Gandhi's plea and upheld Sessions' court order denying a stay on conviction.
ગુજરાત હાઇકોર્ટે ગત 7 જુલાઈ, 2023ના રોજ રાહુલ ગાંધીની અરજી ફગાવી દઈને આ કેસમાં સુરતની સેશન્સ કોર્ટનો આદેશ યથાવત રાખ્યો હતો. કોર્ટે કહ્યું કે, દોષ રદ કરવાનું કોઈ વ્યાજબી કારણ જણાઈ રહ્યું નથી. કોર્ટે કહ્યું હતું કે, “વર્તમાન સંજોગોને જોતાં દોષ પર રોક લગાવવાનો ઇનકાર કરવાથી આરોપીને કોઈ પણ રીતે અન્યાય થાય થશે નહીં. આ દલીલોના આધારે કોર્ટ મત ધરાવે છે કે દોષ પર રોક લગાવવા માટે કોઈ વ્યાજબી કારણ નથી. નીચલી કોર્ટે પસાર કરેલો આદેશ ન્યાયસંગત અને યોગ્ય જ છે અને તેમાં કોઈ હસ્તક્ષેપની જરૂર જણાઈ રહી નથી. કોર્ટ આ અરજી ફગાવે છે.”
વાસ્તવમાં આ કેસ ચાર વર્ષ જૂનો છે. 2019માં લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકમાં એક ચૂંટણી સભામાં ભાષણ કરતી વખતે કહ્યું હતું કે, ‘બધા ચોરોની અટક મોદી કેમ હોય છે?’ જેને લઈને સુરતના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સ્થાનિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ કરી હતી, જેના આધારે કોર્ટે કેસ દાખલ કરીને સુનાવણી શરૂ કરી હતી. ચાર વર્ષ સુનાવણી ચાલ્યા બાદ 23 માર્ચ, 2023ના રોજ સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષી ઠેરવ્યા હતા અને 2 વર્ષની સજા સંભળાવી હતી. કોર્ટના આ આદેશને રાહુલે સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ ત્યાંથી પણ રાહત મળી ન હતી. ત્યારબાદ તેમણે ગુજરાત હાઇકોર્ટનો સંપર્ક કર્યો પરંતુ ત્યાં પણ તેમણે નિરાશ જ થવું પડ્યું. હવે તેમણે અંતિમ વિકલ્પ સુપ્રીમ કોર્ટ ભણી દોડ મૂકી છે.