સત્યઘટનાઓ પરથી પ્રેરિત ફિલ્મ અજમેર 92નું ટીઝર આખરે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. દેશના સૌથી મોટા સેક્સ સ્કેન્ડલ પર આધારિત આ ફિલ્મમાં અજમેર શહેરની યુવતીઓને બ્લેકમેલ કરીને તેમના બળાત્કારની કરૂણ વાર્તા કહેવામાં આવી છે. આ કાંડમાં કોંગ્રેસ નેતાઓ અને અજમેર દરગાહના ખાદીમો પણ સામેલ હતા.
આ ફિલ્મ આગામી 21 જુલાઈ, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. 13 જુલાઈએ અજમેર 92નું પોસ્ટર અને ટીઝર લૉન્ચ કરવામાં આવ્યાં હતાં. ટીઝરને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને યુ-ટ્યુબ પર હાલ તે ટ્રેન્ડ થઇ રહ્યું છે. લોકો કહી રહ્યા છે કે આ પ્રકારની વાતો બહાર આવવી જોઈએ અને ફિલ્મ થકી એક સારો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ટિઝરની શરૂઆતમાં બે-ત્રણ યુવતીઓને બતાવવામાં આવે છે, જેમને અજાણ્યા વ્યક્તિનો ફોન આવે છે. તે યુવતીને કહે છે કે તેનો ફોટો છાપાંમાં છપાયો છે. ત્યારબાદ આગલા દ્રશ્યમાં એક યુવતી તેની માતાને રડતાં-રડતાં કહે છે કે તેનો બળાત્કાર થયો છે. ટીઝરમાં યુવતીઓની અને તેમના પરિજનોની પીડાને દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 1:06 મિનિટના આ ટીઝરમાં અંતે એક માથે ટોપી પહેરેલો વ્યક્તિ ફોન પર વાતચીત કરતો સંભળાય છે કે, “ડરવાની જરૂર નથી, આજ પછી અજમેર તો શું, આખા દેશમાં આ વિશે વાત નહીં થાય.”
આ ફિલ્મ રિલાયન્સ એન્ટરટેન્મેન્ટ દ્વારા બનાવવામાં આવી છે. તેના ડાયરેક્ટર પુષ્પેન્દ્રસિંઘ છે જ્યારે પ્રોડ્યુસર ઉમેશ તિવારી. સ્ક્રીનપ્લે અને ડાયલૉગ્સ પુષ્પેન્દ્રસિંઘ, સૂરજ પાલ રજક અને જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંઘે લખ્યા છે. ફિલ્મમાં મનોજ જોશી, સયાજી શિંદે, સુમિત સિંઘ, કર્ણ વર્મા, શાલિની કપૂર વગેરેએ કામ કર્યું છે. 21મીએ ફિલ્મ સમગ્ર દુનિયામાં રિલીઝ કરવામાં આવશે.
અજમેર કાંડનો ખુલાસો વર્ષ 1992માં થયો હતો. એક સ્થાનિક અખબારે તેનો ઘટસ્ફોટ કર્યો હતો અને સામે લાવ્યું હતું કે રાજસ્થાનના અજમેરમાં 250થી વધુ છોકરીઓને બ્લેકમેલ કરીને બળાત્કાર કરવામાં આવ્યો હતો, જેમાંથી મોટાભાગની શાળા-કોલેજોએ જતી તરૂણી અને યુવતીઓ હતી. કહેવાય છે કે તેમાંથી અમુકે તો આપઘાત પણ કરી લીધા હતા.
આ કેસમાં 18 વ્યક્તિઓને આરોપી બનાવવામાં આવ્યા હતા, જેમાં ફારૂક ચિશ્તી પણ સામેલ હતો, જે અજમેર યુથ કોંગ્રેસનો પ્રમુખ હતો. જ્યારે અન્ય બે આરોપીઓ નફીસ ચિશ્તી અને અનવર ચિશ્તી શહેર કોંગ્રેસ સંગઠનના ઉપપ્રમુખ અને મહામંત્રી હતા. આ ઉપરાંત અજમેર દરગાહના અમુક ખાદીમો પણ આ કેસમાં આરોપી હતા.