Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમમહેસાણા: કડીના ઉમાનગર ગામના સરપંચ પર જીવલેણ હુમલો, સામાન્ય તકરારમાં સૈયદ સુફિયાન...

    મહેસાણા: કડીના ઉમાનગર ગામના સરપંચ પર જીવલેણ હુમલો, સામાન્ય તકરારમાં સૈયદ સુફિયાન અને યુનુસ છરી લઈને તૂટી પડ્યા; ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા

    સુફિયાને હુલાવેલી છરી ગળાની જગ્યાએ ખભા પર વાગી, પણ જો સરપંચને ગળાના ભાગે છરી વાગી હોત તો ન થવાનું થઇ જાત.

    - Advertisement -

    મહેસાણા જિલ્લાના કડીના ઉમાનગર ગામના સરપંચ પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ગાડી ચલાવવા બાબતે થયેલી નજીવી તકરારમાં નંદાસણ ખાતે રહેતા સૈયદ સુફિયાન અને યુનુસ નામના ઈસમો આડેધડ છરીનો ઘા ઝીંકી ભાગી છૂટ્યા હતા. જતાં-જતાં પણ તેઓ સરપંચ નરેન્દ્ર પટેલને ‘ફરી મળીશ તો જીવતો નહીં જવા દઈએ’ તેમ ધમકી આપતા ગયા હતા. આ મામલે નંદાસણ પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.

    મળતી માહિતી અનુસાર કડી તાલુકાના નંદાસણ પાસે આવેલા ઉમાનગર ગામના નરેન્દ્ર પટેલ વર્ષ 2021થી સરપંચ તરીકે સેવા આપે છે. ‘શ્રીજી વોટર પ્લાન્ટ’ નામનો પોતાનો વ્યવસાય ચલાવતા નરેન્દ્ર પટેલ પોતાના પ્લાન્ટ પરથી મિત્ર રાકેશને સાથે લઈ તેમના કોઈ અંગત કામે ડાગરવા ગામે જઈ રહ્યા હતા. આ દરમિયાન નંદાસણ ચોકડી પાસેના બ્રિજ નીચે આવેલી ઉમિયા મેડિકલ પાસે પહોંચતાં જ તેમના પર જીવલેણ હુમલો થયો હતો.

    ફરિયાદ અનુસાર, નંદાસણ ચોકડી પાસે બ્રિજ નીચે આવેલી ઉમિયા મેડિકલ પાસે પહોંચતા જ નરેન્દ્ર પટેલની ગાડી પર કોઈએ કશું ફેંકતાં તેમણે ગાડી ઉભી રાખી હતી. નરેન્દ્ર પટેલે ગાડી રોકતાંની સાથે જ સૈયદ સુફિયાન અને યુનુસ નામના આરોપીઓએ ‘ગાડી જોઇને ચલાવ’ તેમ કહી ગાળાગાળી શરૂ કરી દીધી હતી. નરેન્દ્ર પટેલે તેમને ગાળો ન બોલવાનું કહેતાં સુફિયાને ઉશ્કેરાઈને પોતાના કમરના ભાગે બાંધેલી ધારદાર છરી વડે કડીના ઉમાનગર ગામના સરપંચ પર જીવલેણ હુમલો કરી દીધો હતો.

    - Advertisement -

    ગળાના ભાગે છરી વાગી હોત તો…

    આ મામલે વધુ માહિતી મેળવવા જ્યારે અમે નરેન્દ્ર પટેલનો સંપર્ક કર્યો તો તેઓ હોસ્પિટલમાં દાખલ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે હુમલા દરમિયાન તેમની સાથે રહેલા તેમના મિત્ર રાકેશ સાથે વાત થઇ શકી હતી. તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “સુફિયાને નરેન્દ્ર પટેલને મારી નાંખવાના ઈરાદે છરી વડે ગળા પર હુમલો કરતાં સરપંચે પોતાનો હાથ વચ્ચે લાવ્યો હતો. જેના કારણે છરી ગળાની જગ્યાએ ખભા પર વાગી હતી. હોબાળો થતા બંને જણાં ભાગી છૂટ્યા હતા પણ જતાં-જતાં પણ તેઓ ‘હવે મળીશ તો જાનથી મારી નાંખીશ’ તેમ ધમકી આપતા ગયા હતા.”

    ઘટના સમયે સરપંચ સાથે હાજર તેમના મિત્રએ અમને વધુમાં જણાવ્યું હતું કે, “નરેન્દ્ર પટેલને વધુ લોહી વહેતું હોવાના કારણે હું તેમને તાત્કાલિક નંદાસણના સરકારી દવાખાને લઈ ગયો હતો, જ્યાં હાજર ડોક્ટરે પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર કરવા અન્યત્ર રેફર કરતા અમે તેમને કડીની ભાગ્યોદય હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં હાલ તેઓ સારવાર હેઠળ છે. જો સરપંચને ગળાના ભાગે છરી વાગી હોત તો ન થવાનું થઇ જાત.” હુમલો કરનાર બંને ઈસમો વિશે વધુ પૂછતાં રાકેશે જણાવ્યું હતું કે આ બંને લોકો નશાના આદિ છે અને સ્થાનિક સ્તરે પોતાનો ખોફ અને રોફ જમાવવા આ પ્રકારનાં કૃત્યો કરતા રહે છે.

    આ મામલે મહેસાણા જિલ્લાની નંદાસણ પોલીસે સરપંચ નરેન્દ્ર પટેલની ફરિયાદના આધારે નંદાસણનાં જ રહેવાસી સૈયદ સુફિયાન ઇશાક ઉર્ફે અબુ અને સિંધી યુનુસ ઈલિયાસની ધરપકડ કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ IPCની કલમો 307 (હત્યાનો પ્રયાસ), 324 (હથિયારો વડે ઇજા પહોંચાડવી), 504 (શાંતિભંગના ઇરાદે અપમાન), 506 (2) (જાનથી મારી નાંખવાની ધમકી), અને કલમ 114 (ગુના સમયે દુષ્પ્રેરણા) તથા જી.પી.એ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં